છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ રાજ્યમાં સત્તા પર છે. ગુજરાત ભાજપનો ગઢ અને ભાજપની રાજનીતિની પ્રયોગશાળા છે.એમાં પણ છેલ્લી બે લોકસભામાં ૨૬/૨૬ બેઠકો પ્રાપ્ત કરી કોંગ્રેસને સાફ કરી દીધી હતી.આ વખતે ક્લીન સ્વિપની હેટ્રિક કરવાની વાત તેમજ દરેક બેઠક પાંચ લાખથી વધુ લીડ સાથે જીતવાની વાતો હતી.એવામાં બનાસકાંઠાના સામાન્ય પરિવારમાંથી આવતાં ગેનીબેન કે જે ઈમાનદાર અને પ્રજાવત્સલ સ્વભાવ તેમજ જમીન સાથે જોડાયેલ નેતા છે. તેમણે આ ઐતિહાસિક જીત મેળવી ભાજપના ભુક્કા કાઢી નાખ્યાં છે.
એકલા હાથે મોદીજીની સામે લડવું અને જીતવું એ ખરેખર વિશ્વવિક્રમ બનાવવાથી ઓછું નથી. બનાસકાંઠાની પ્રજા પણ અભિનંદનને પાત્ર છે કે જેમણે આ જુમલા બાજીમાંથી મુકિત મેળવી અને લોકનેતાને સંસદમાં મોકલ્યા છે. બનાસકાંઠા ખેતી અને પશુપાલનમાં આગળ પડતો જિલ્લો છે.તેમ છતાં જેટલો વિકાસ થવો જોઈએ તેટલો હજી સુધી થયો નથી.ભાજપનું સંગઠન પણ જોઈએ તેવું મજબૂત નથી.જે હોય તે, પરંતુ હાલ તો બનાસનાં બેન તરીકે ઓળખાતાં ગેનીબહેને ઇતિહાસ રચ્યો છે અને એ સાબિત કરી બતાવ્યું છે કે જો તમે ઈમાનદારીથી લોકોનાં કામ કરતાં હો,લોકોનો અવાજ બનતાં હો તો સામે ગમે તેટલો મોટો પક્ષ હોય કે વિશ્વગુરુ હોય, પરંતુ તમારી જીત નક્કી છે.પક્ષ કે પક્ષના મોટા નેતાઓની ચાપલૂસી કરી કોઈ લોકનેતા ન બની શકે.
સુરત – કિશોર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
ઈતિહાસમાંથી બોધપાઠ થલો
શ્રીલંકામાં વિભીષણ ન હોત અને અયોધ્યામાં મંથરા ન હોત તો મહાભારત અને રામાયણનું સર્જન જ ન થયું હોત. આ તો સમાજદર્શન છે. આપણે કદી ઉપરોક્ત ઈતિહાસમાંથી બોધપાઠ લીધો નથી. જો લીધો હોત આપણે બધા જ સ્વર્ણિય આનંદમાં વિહરતા હોત. માનવસ્વભાવ એવો વિચિત્ર હોય છે કે કદી ન કલ્પેલું અનુભવવા મળે છે. સંપત્તિદર્શન અને સંપત્તિ ઉપાર્જન માટે કેવા રીઢા કબાડાં થાય છે તે આપણું મિડિયા મોટા મથાળે છાપે છે. રસપૂર્વક વાંચન કરવામાં આપણે કિંમતી સમય વેડફી રહ્યા છીએ.
અડાજણ – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે