બેલારુસ (Belarus) સ્ટાર આરીના સાબાલેન્કાએ (Sabalenka) 27 જાન્યુઆરી શનિવારના રોજ મહિલા ફાઇનલમાં ચીનની ક્વિઆનવેન ઝેંગ સામે પ્રભાવશાળી જીત મેળવીને ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલનો સફળતાપૂર્વક બચાવ કર્યો છે. વિશ્વની નંબર 2 એ 6-3, 6-2થી જીત સાથે કારકિર્દીનું બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું છે. રોડ લેવર એરેનામાં વિશ્વના 15 નંબરના ઝેંગ પર જીત મેળવી. આ મેચમાં ચાહકોને છેલ્લી ઘડી સુધી રોમાંચક મેચ જોવા મળી હતી.
25 વર્ષીય સબાલેન્કાએ છેલ્લા બે અઠવાડિયામાં મેલબોર્ન પાર્કમાં સનસનાટીભર્યા વર્ચસ્વ દર્શાવ્યું હતું. ફાઇનલમાં પહોંચવા માટે તેમને ટોચની 10 ક્રમાંકિત કોકો ગૉફ અને બાર્બોરા ક્રેજિકોવા સામે સામનો કરવો પડ્યો હતો પરંતુ સમગ્ર ટુર્નામેન્ટમાં એક પણ સેટ ગુમાવ્યો ન હતો. બીજી તરફ ઝેંગ, ફાઈનલમાં જવાના માર્ગમાં કોઈપણ સીડ પડકારોનો સામનો ન કર્યા પછી તેણીની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ રમી. ચીનની આ સ્ટાર ગયા વર્ષે યુએસ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પણ પહોંચી હતી, જ્યાં તેને સબલેન્કા સામે હાર મળી હતી.
ચેમ્પિયન બન્યા બાદ બેલારૂસની ખેલાડી સબાલેન્કાએ કહ્યું, ‘છેલ્લા કેટલાક અઠવાડિયા મારા માટે અદ્ભુત રહ્યા છે. તે અકલ્પનીય લાગણી છે.’ જ્યારે તે 4-0 ની સરસાઈ સાથે સર્વિસ કરી રહી હતી ત્યારે સાબાલેન્કા પાસે 3 ચેમ્પિયનશિપ પોઈન્ટ હતા. તે પછી તેણે બે વાઈડ શોટ ફટકાર્યા અને પછી ઝેંગની હોંશિયારીને કારણે તે તક ચૂકી ગઈ. ઝેંગને બ્રેક પોઈન્ટ આપ્યા બાદ સબાલેન્કાએ શાનદાર વાપસી કરી અને 3 પોઈન્ટ જીત્યા. 25 વર્ષની આ ખેલાડી છેલ્લા 13 મહિનામાં તેની ત્રીજી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ રમી રહી હતી. તેમાંથી તે બે જીતવામાં સફળ રહી હતી. તેણે ગયા વર્ષે આ ટુર્નામેન્ટની ફાઇનલમાં એલેના રીબાકીનાને હરાવી હતી.
2012 અને 201ની ચેમ્પિયન વિક્ટોરિયા અઝારેન્કા પછી સતત 2 વખત ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીતનારી સબાલેન્કા પ્રથમ મહિલા છે. 2000 પછી તે પાંચમી મહિલા છે જેણે એક પણ સેટ ગુમાવ્યા વિના અહીં ચેમ્પિયનશિપ જીતી છે. આ યાદીમાં સેરેના વિલિયમ્સ પણ સામેલ છે. બેલારુસિયન સ્ટારને ઝેંગના પડકારને અટકાવવામાં 76 મિનિટ લાગી. ઝેંગ WTA સિંગલ્સ રેન્કિંગના ટોપ ટેનમાં પ્રવેશ કરશે જ્યારે સાબાલેન્કા લીડર ઇગા સ્વાઇટેકને પાછળ રાખીને બીજા સ્થાને રહેશે.