તાક્ધીનાધીન..જિંદગી કાઢવી હોય તો, કીડીના પગ જેટલી પણ ચિંતા રાખવી નહિ. યાદ છે ને, ભગવાને બે જ રતલની બોડી ધરતી ઉપર પાર્સલ કરેલી. ચારેય બાજુનો ફેલાવો, આપણે વધારેલો. બે રતલ પછીનું ‘પ્રોડક્ષન’કુદરતનું નથી, પોતાની ખાધનું છે. એમાં અમારા ચમનિયાએ તો હદ કરી નાંખી યાર..? શરીર ઉપર એવું અનધિકૃત બાંધકામ ઠોકી બેસાડ્યું કે, લોકો એને ચમનિયા કરતાં ચમન ’બાટલા’થી વધારે ઓળખે છે. કારણ કે, ખાલી ફાંદ જ દરિયાના ટાપુ જેવી કાઢેલી. તાકાત નહિ કે એની ફાંદ ઉપર કોઈ બુલડોઝર ફેરવી શકે..!
શિઈઈઈટ..! હું પણ કેવો..? અમદાવાદની ટીકીટ કઢાવીને જાણે મુંબઈ જતી ટ્રેનમાં બેસી ગયો. ‘ટાઈટલ’વાતને બદલે ભળતા વિષય ઉપર વિષયાંતર થઇ જવાયું..! મારે વાત કરવી છે, ‘વશમાં લેવું પણ એક કળા છે..!’વશમાં લેવું એટલે બાટલીમાં ઊતારવો. થશે એવું કે, દીવડાની જ્યોત દેખીને અમુક જીવડા જેમ જ્યોત સામે ધસી આવે, એમ ઘણાના ભેજામાં જવારા ફૂટવા માંડશે કે, ‘બંદો ‘વાઈફ’ને વશમાં લેવાનો જુગાડ લાવ્યો લાગે છે..! એના કપાળમાં કાંદા ફોડું…! એવું નથી બાપલા..! શું કામ અમારો સોનેરી સંસાર ભંગાવો છો..? માંડ-માંડ મળેલી છે..! માટે કાન સાફ કરીને સાંભળી લો, આ બધી ટાઢા પહોરની અફવા છે. બાકી, નથી પતિ પત્નીને વશમાં લેતો કે નથી પત્ની પતિને વશમાં રાખતી..! અને ધારો કે, કોઈનો કંથ કહ્યાગરો બને, તો એમાં તમને શું પ્રોબ્લેમ..? વાઈફને વશમાં લેવાના ધાંધિયા તો કરવા જ નહિ. નહિ તો ચરવા ગયેલું ઘેટું ઉન ખોઈને આવે તેવી હાલત પણ થાય, કહેવાય નહિ. સ્ત્રી શક્તિ છે યાર..? દરેક દેવીઓના અંશમાંથી એક સ્ત્રી બને છે, એ નહિ ભૂલવું. એટલે તો જેવા જેવા તોફાન આવે તેવી દેવી સ્ત્રીમાંથી પ્રગટ થાય..!.
ચોમાસામાં ગરમાગરમ ભજીયાં ઝાપટવાં હોય તો, આપણે તો સહનશક્તિ જ રાખવાની..! સંસાર જેમ ગબડતો હોય, એમ ગબડવા દેવાનો. બહુ સળી નહિ કરવાની. હાથમાં મંજીરા જો પકડાવી દીધા ને તો, બાવા બનવાની પણ નોબત આવી જાય. ઘર ગુમાવીને ગુફાના સરનામાં શોધવાનાં આવે..! વાઈફને પ્રેમ જ થાય, છંછેડાય નહિ..! મ્હોં ફાટ વાત કરું તો, લોકોનાં ટેસ્ટ આજકાલ બદલાતા ચાલ્યા. એની જાતને મગજમાં ઊંધા જ ચકરડા ફરતા હોય. પોતાને વશમાં રાખવાને બદલે, લોકોને વશમાં લેવાના કે, બાટલીમાં ઉતારવાના ધાંધિયામાંથી જ ઊંચા આવતા નહિ હોય.
સવારમાં પ્રભાતિયા ગાવાને બદલે, આજે બાટલીમાં કોને ઉતારવો એના મનોમંથનમાં જ હોય..! જોવાની વાત એ છે કે, ભોંયમાં ઊતરી ગયેલા દેડકાને ચોમાસાની ખબર પડી જાય એમ, આવા ધંતુરાને શિકાર પણ મળી જાય દોસ્ત…! સાહસ કરીને કોરોનાવાળા દર્દીને ખોળે બેસાડાય, પણ આવી મેલી મથરાવટીવાળાની ચુંગાલમાં નહિ જવાય..! મોંઢે માસ્ક પહેરો, કાનટોપી ચઢાવો કે, આખી ‘મોંઢા-ટોપી’ચઢાવો તો પણ, બરમૂડાની બાજ નજર જ એવી કે, ભીડમાંથી પણ શિકાર શોધી કાઢે. કાળી ચૌદશની રાતે સ્મશાને સૂઈને, ઘોર તપસ્યા કરી આવ્યો હોય એમ, કોઈને પણ વશમાં લેવાની વિદ્યા કાંખે બાંધીને જ ફરતા હોય..! ભલા ભૂપને પણ બાટલીમાં ઉતારે ભૂરાઆઆઆ..! આવા લોકોને તળેલો પાપડ તોડવા જેટલી પણ હાડમારી પડતી નથી. ખટમલની માફક લોહીનું સીધું જ ‘ફીડીંગ’લેતા હોય..!
વશીકરણનું ગણિત તો અગણિત છે રસમંજન
ફાવટ મળી તો અનંત, નહિ તો પછી બાદબાકી
ફરીથી અહલ્યા થવા માટે શલ્યાએ ભગવાન શ્રીરામની રાહ જોવી પડેલી એમ, આ લોકો ફિરાકમાં જ હોય કે, આજે કોને બાટલીમાં ઉતારીને વશમાં લેવો..! શ્રમજીવીને બદલે જાણે ‘ભ્રમ-જીવી’બની ગયો. ‘પ્રોબ્લેમ’આવે તો ‘દેખા જાયેગા’ના તકલાદી રસ્તે વળી ગયો. સ્વાર્થઘેલાને ખબર નહીં કે, સંકટને ક્યારેય સરનામાની જરૂર પડતી નથી. ચમરબંધી હોય તો તેને પણ ગમે ત્યારે સંકટ તો લાધે..! પણ બુદ્ધિ ખતમ થાય ત્યારે અંધશ્રધ્ધાઓ મગજમાં માળો બાંધવા માંડે, એમ, જરૂર પડે તો માંત્રિક અને તાંત્રિકોનાં ખભે હાથ મૂકીને પણ આ લોકો પોતીકાં બનાવે.
તમે તો જાણો છો કે, ભારત એટલે ૧૪ વિદ્યા અને ૬૪ કળાની વિદ્યાપીઠ..! જેમ દેવોના ગુરુ તરીકે બૃહસ્પતિને માનવામાં આવે, એમ દૈત્યોના ગુરુ એટલે શુક્રાચાર્ય. જેઓ એક નીતિકાર હતા. ભારતમાં વ્યાપક બનેલી ૧૪ વિદ્યા ને ૬૪ કળાની દેન એ ભારતને મળેલી શુક્રાચાર્યજીની અમૂલ્ય ભેટ છે. ચોખવટ કરી લઉં કે, એમાં ખિસ્સા કાતરવાની કળા, બાટલીમાં ઉતારવાની કળા, સ્વાર્થને સિદ્ધ કરવા માટે તળિયાં ચાટવાની કળા કે વિવિધ લાભ ખાટવાની કળાનો સમાવેશ થતો નથી. આ બધી કળિયુગની માયાજાળ છે…! જેને આદુ-હળદરમાં સમજ નહિ પડતી હોય એ જ આવી ફેકલ્ટીના હોઓઓહાઆઆ કરતાં હોય..! ક્યારે કોને વશમાં લેવો એ અર્વાચીન વિદ્યા છે.
એમાં એવા પારંગત કે, તેઓ કોઈને પણ બાટલીમાં ઉતારી શકે. અમુક તો જન્મતાંની સાથે જ વારસામાં મળેલી. જેમ કે, બાટલીઓ જનમથી પીછો છોડતી નથી. જન્મ્યા એટલે ઓસડની બાટલી, શરીર સહેજ વધે એટલે દૂધની બાટલી, નિશાળમાં જમા થયા એટલે પાણીની બાટલી, યુવાની ફૂટે એટલે અત્તરની બાટલી, પીંડકની આંટીએ ચઢ્યા તો ‘નશીલી’બાટલી, માંદગીમાં પટકાયા તો દવાની બાટલી, વૈદ્યની અડફટે આવ્યા તો ચૂરણની બાટલી, વૃધ્ધાવસ્થા આવી તો બામની બાટલી ને મર્યા પછી ગંગાજળની બાટલી..! બાટલી ને ખાટલીમાં જ જિંદગી પૂરી..! પછી કોઈને પણ બાટલીમાં ઉતારવાની તકલીફ પડે ખરી..? હવે તો બાટલીને પણ જાણે, બઢતી મળી હોય એમ ‘પોટલી’થી પણ ઓળખાય..! પછી જેવી જેવી બાટલીની બોલબાલા..! બાટલાનું પણ આવું જ મામૂ..! બાટલો ગેસનો હોય કે, ઓક્સીજનનો એને ચઢાવવો પડે. બાટલી આપોઆપ ચઢી જાય..! એટલો જ ફેર..!
આ તો હસવા હસાવવાની વાત છે ભૈલા..! સૌને હસતા રાખવાની મુરાદ બર લાવવા માટે, અમારે માનવીની ભવાઈનું પણ નિરીક્ષણ કરવું પડે. માણસની હાલ-ચાલ-બાલ-ટાલ-ખાલ જોઇને હાસ્યનાં પદ માંડવાં પડે. દુ:ખની વાત એ છે કે, આવી ખોફનાક મજૂરી કર્યા પછી પણ નક્કી નહીં કે, એ કેટલા લીટર લાફવાનો છે..! ઈંગ્લિશ હાસ્ય લેખકો માર્ક ટ્વેઈન, પી.જી. વૂડહાઉસ, વગેરેને પણ આવી આફત નડેલી હશે, એમ સમજીને બ્રેકવાળું ગાલ્લું દોડાવવાનું. એના કપાળમાં કાંદા ફોડું આપણો તો એક જ ધ્યેય, સામેવાળો હસતો રહે એટલો જ વશમાં રાખવાનો. શું કસો છો ભૂરાઆઆ?
: લાસ્ટ બોલ :
માણસ છે ભ’ઈઈઈઈ..! ભગવાન જેવા ભગવાનને બાટલીમાં ઉતારે તો માણસ કયા ખેતરની મૂળી..?
એક વાર ભગવાન વેશ બદલીને ધરતી ઉપર આવ્યા. આવીને મંદિરના પુજારીને પૂછ્યું કે, ‘મંદિરમાં આવેલા દાનના પૈસામાંથી તમે ભગવાનનો ભાગ કઈ રીતે કાઢો છો..?
પુજારી કહે, “અમે બધા પૈસા પહેલાં ભેગાં કરીએ. પછી ભગવાનનો ભાગ પાડવા ઊંચે નાંખીએ, જેટલા ઉપર ગયા એટલા ભગવાનના અને નીચે આવ્યા એટલા અમારા..!’
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.