Columns

ગુસ્સા પાછળ

એક દિવસ રાજ સ્કુલથી એકદમ મોડો ઘરે આવ્યો.ઘરે કોઈને કઈ કહ્યું ન હતું…મમ્મી ફોન કરી કરીને થાકી પણ રીંગ જ વાગે રાજે ફોન ઉપાડ્યો જ નહિ.રાજ અને તેના મિત્રો ટોળે વળી વાતો કરતા હતા અને પછી વાતમાંથી વાત નીકળી ચાલવાની કે ચાલો આજે ચાલીને ઘરે જઈએ.વાતોમાં કેટલો સમય વીતી ગયો તેની દોસ્તોને ખબર જ ન હતી.ચાલીને ઘરે પહોંચતા બીજો કલાક નીકળી ગયો અને આ બાજુ ઘરમાં બધાના જીવ ઊંચા થઇ ગયા. રાજ ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં શોધ ખોળ ચાલુ થઇ ગઈ હતી.મમ્મીએ બધા મિત્રોને ફોન કર્યા અને ભાઈ સ્કુલમાં જોવા ગયો.રાજ ઘરે પહોંચતા જ મમ્મીએ એક લાફો મારી દીધો….અને એકદમ ગુસ્સે થઇ ગઈ.

રાજ રડવા લાગ્યો અને તેને ગુસ્સો પણ આવ્યો તે કઈ પણ ખાધા પીધા વિના રૂમ બંધ કરીને બેસી ગયો.રાત સુધી બહાર ન આવ્યો. દાદા બોલાવવા ગયા ત્યારે રૂમનો દરવાજો ખોલ્યો પણ જમવાની ના પાડી દીધી.દાદાએ કહ્યું, ‘બેટા , જીદ છોડ વાંક તારો જ હતો.’રાજ બોલ્યો, ‘દાદા, હવે હું મોટો થઈ ગયો છું…મને મારું ધ્યાન રાખતા આવડે છે.મમ્મી હંમેશા મારી પર ગુસ્સો કરે છે,મારા જ વાંક તેને દેખાય છે.રોજ ભણતો નથી ,મોબાઈલમાં સમય બગાડે છે ,નવું શીખતો નથી ,જંકફૂડ ખાય છે, મિત્રો સાથે રખડે છે …આવું કોઈને કોઈ કારણ ગોતી મને ખીજાય છે.

પપ્પા પાસે ફરિયાદ કરે છે …મને લાગે છે મમ્મીને હું ગમતો જ નથી.તે મને પ્રેમ કરતી જ નથી…તેને મારામાં વાંક અને કંઈપણ થાય તો મારી જ ભૂલ દેખાય છે.હવે હું કઈ ડરવાનો નથી ગુસ્સો કરવો હોય તો ભલે કરે….’આવું રાજ ઘણું બોલ્યો. થોડીવાર દાદાએ બોલવા દીધો પછી કડક અવાજમાં કહ્યું, ‘છોકરા બોલવા પહેલા શું બોલે છે અને કોના માટે બોલે છે તેનો વિચાર કર…નહિ તો તારું મોઢું બંધ રાખ.’હંમેશા તેનું ઉપરાણું લેતા દાદાણે ગુસ્સે થયેલા જોઈ રાજ ચુપ થઇ ગયો.દાદા બોલ્યા, ‘દીકરા, તું તારી મમ્મી માટે આવું બોલી જ કઈ રીતે શકે??…

સમજ કે તેના ગુસ્સા પાછળ તેનો પ્રેમ છે..તે તને પ્રેમ વધારે કરે છે એટલે વધારે ખીજાય છે.તે હંમેશા તારી ચિંતા કરે છે…તારા માટે સારું વિચારે છે …તું બહારનું ખાઈ બીમાર ન પડે એટલે જંકફૂડ ખાવાની ના પડે છે …એ ઈચ્છે છે કે ભણી ગણીને તું આગળ વધે એટલે ભણવા પર ધ્યાન આપવા કહે છે તેના ખીજવા પાછળ અને તેના ગુસ્સા પાછળ હંમેશા તારું હિત છે તે તારી ફિકર કરે છે એટલે તે ગુસ્સો કરે છે. અત્યારે તે સવારથી જમી નથી.. જા જઈને તારી મમ્મીને સોરી કહે.’દાદાએ રજની આંખો ખોલી મમ્મીના ગુસ્સા પાછળ રહેલો પ્રેમ સમજાવ્યો અને દેખાડ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top