Comments

સમજુ વ્યક્તિનું વર્તન

એક માણસ સંત પાસે આવ્યો અને તેમને પૂછવા લાગ્યો, ‘બાપજી, પ્રણામ. મારે કોઈ સમસ્યા નથી અને તમારી પાસેથી મારે કોઈ બહુ આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ પણ નથી કરવી.’સંત કંઈ બોલ્યા નહિ. પેલા માણસે આગળ કહ્યું, ‘આપ પૂછશો નહિ કે હું તમારી પાસે કેમ આવ્યો છું?’ સંત બોલ્યા, ‘તારે જણાવવું હોય તો જણાવ અને ન જણાવવું હોય તો વાંધો નહિ.’ માણસ બોલ્યો, ‘બાપજી, તમે તો બહુ જ્ઞાની છો. મારે જાણવું છે કે સમજુ વ્યકિતએ શું કરવું જોઈએ?’ સંત બોલ્યા, ‘જો વત્સ, આ દુનિયામાં દરેક જણ પોતાને સમજુ અને સામેવાળાને અણસમજુ સમજે છે.મારી નજરમાં સાચો સમજુ માણસ એ છે જે બહુ ઓછું બોલે છે અને જયારે જરૂર લાગે ત્યારે સમજીને બોલે છે અને જયારે જરૂર લાગે ત્યારે ચૂપ રહે છે.’

માણસ બોલ્યો, ‘બાપજી, તમારા જવાબમાં મને કંઈ સમજાયું નહિ.’ બાપજી હસ્યા અને મજાકમાં બોલ્યા, ‘કેમ સમજાયું નહિ? તમે તો પોતાને સમજુ સમજો છો ને?’માણસ ઓછપાઈ ગયો અને ચૂપ રહ્યો. સંત બોલ્યા, ‘હું મજાક કરું છું ભાઈ, મનમાં ન લેતો.જો હું તને બરાબર સમજાય તે રીતે સમજાવું.સમજુ વ્યક્તિ સૌથી પહેલાં સમય, સંજોગોને સમજે છે અને પછી કંઈ પણ બોલવા મોઢું ખોલે છે અને વાતને બરાબર સમજી પોતે શું બોલવાનો છે તે પણ બરાબર મનમાં વિચારી પછી જ બોલે છે.બીજું સમજુ વ્યક્તિ બહુ ઓછું બોલે છે.જરૂર પૂરતું જ બોલે છે. પોતે બહુ જાણકાર છે તેવું બતાવવા ખોટો વાણીવિલાસ કરતો નથી.

ત્રીજું અને એકદમ ખાસ બે સમયે સમજુ વ્યક્તિ કંઈ જ બોલતો નથી. એકદમ મૌન રહે છે.’ માણસ વચ્ચે બોલ્યો, ‘કયારે કયારે બાપજી મૌન રહેવું જોઈએ?’ સંત હસ્યા અને બોલ્યા, ‘તે જ કહું છું ભાઈ, સમજુ વ્યક્તિએ બે સંજોગોમાં એકદમ ચૂપ રહેવું જોઈએ, કંઈ જ બોલવું ન જોઈએ.પહેલો સંજોગ છે જ્યારે પોતાનાથી વધુ જ્ઞાની કંઈ બોલતું હોય.કોઈ બાબત સમજાવતું હોય ત્યારે સમજુ વ્યક્તિ એકદમ ચૂપ રહી ધ્યાનથી તેમની વાત સાંભળે છે અને બીજું જયારે કોઈ અજ્ઞાની બોલતો હોય,પોતાની વાત સાચી ઠેરવવા દલીલ કરતો હોય કે કારણ વિના ઝઘડો કરતો હોય ત્યારે સમજુ વ્યક્તિએ મૌન રહી કોઈ જવાબ આપવો જોઈએ નહિ.’સંતે સમજુ વ્યક્તિનું વર્તન પરિસ્થિતિ પ્રમાણે સમજાવી દીધું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top