વર્ષોથી પ્રેમથી સાથે રહેતા એક સયુંકત કુટુંબમાં પહેલી વાર દેરાણી અને જેઠાણી વચ્ચે ઝઘડો થયો.દેરાણી હંમેશા જેઠાણીને પ્રેમથી પોતાની મોટી બહેન માનતી અને તેના કહ્યા પ્રમાણે જ કરતી.જેઠાણીએ પણ હંમેશા પ્રેમ જ આપ્યો હતો.પણ આજે કોઈના ચઢાવવાથી દેરાણી ખોટી ઉશ્કેરાઈ ગઈ અને ન બોલવાનું જેઠાણીને બોલી.જેઠાણીએ વધુ કંઈ ન કીધું, પણ એટલું કહ્યું, ‘બીજાની વાત સાંભળી મારી પર આક્ષેપ કરવાની જરૂર નથી.’ દેરાણી થોડા દિવસ ગુસ્સામાં રહી.તેના પતિ અને સાસુ સસરાએ પણ સમજાવ્યું કે તારી કંઈ ગેરસમજ લાગે છે. મોટી વહુ ખાનદાન છે. તારા વિષે આમ બોલે જ નહિ.થોડા વખતમાં દેરાણીને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે અમુક અદેખા લોકોએ તેને વાત ફેરવીને રજૂ કરી હતી.તે તેમની વાતોમાં આવી ગઈ હતી.દેરાણીએ જેઠાણી પાસે જઈને માફી માંગી, પણ જેઠાણીનું દિલ દુભાયું હતું.તે વાતને વધારવા ઇચ્છતી ન હતી એટલે વધુ કંઈ બોલી નહિ.માત્ર એટલું જ કહ્યું, ‘બીજી વાર કંઈ પણ બોલવા પહેલાં ચાર ગરણીમાંથી વાત અને શબ્દો ગાળી લેજે, પછી બોલજે.’
દેરાણી બોલી, ‘ભાભી, મને નાની બહેન ગણો છો તો મારી ભૂલ માફ કરો અને તમે જ મને સમજાવો કે બોલવા પહેલાં શું ધ્યાન રાખવું? ચાર ગરણીમાંથી ગાળવું એટલે શું?’ જેઠાણી બોલી, ‘સૌથી પહેલાં તો કોઈ વાત સાંભળીને વિશ્વાસ કરતાં પહેલાં ચકાસી લેવું કે તે વાત સંપૂર્ણપણે સાચી છે કે નહિ.વાત અધૂરી રીતે કે ખોટી રીતે રજૂ તો નથી કરાઈ.બીજું કંઈ પણ બોલતાં પહેલાં વિચારી લેવું કે શું આ વાત પર ઝઘડો કરવો કે આ કડવા શબ્દો બોલવા જરૂરી છે.કડવા શબ્દો બોલ્યા વિના પણ વાત કરી શકાય.ત્રીજું ધ્યાન રાખવું કે શું તમે જે વાતનો આક્ષેપ કોઈ પર લગાવો છો તેવો આક્ષેપ કોઈ તમારા પર લગાવે તો અને તમે જે શબ્દો બોલો છો તે કોઈ તમને કહે તો તમે તે સાંભળીને સહન કરી શકશો.તો જ એ શબ્દો બોલવા નહિ તો નહિ.અને ચોથી વાત કંઈ પણ અપમાનજનક બોલવા પહેલાં દસ વાર વિચાર કરવો કે માન મર્યાદા અને દયા અનુકંપાની હદ વટાવી તો નથી.કોઈ વાત સાંભળીને અને કોઈ કારણથી ગુસ્સો આવે તો કંઈ પણ એલફેલ બોલી ઝઘડો શરૂ કરવા પહેલાં કંઈ પણ બોલવા પહેલાં આ ચાર ગરણીમાંથી વાતને ગાળી જોવી એટલે આ ચાર બાબતે વિચાર કરી પછી જ તોળીને અને સમજીને બોલવું.બોલાયેલો શબ્દ તીર સમાન છે. તે એક વાર બોલાયા પછી પાછો લઇ શકાતો નથી અને સાંભળનારના દિલને ઘાયલ કરે છે માટે બોલવા પહેલાં સો વાર વિચાર કરી બોલવું.’ જેઠાણીએ સમજદારીભરી વાત સાથે ઝઘડો પૂરો કરી લીધો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે