દુનિયાનાં રાજકીય સમીકરણો બહુ જલદીથી બદલાઈ રહ્યાં છે. જે રશિયા અને અમેરિકાને એક વખત કટ્ટર દુશ્મન માનવામાં આવતાં હતાં તેઓ દોસ્તીનો હાથ લંબાવી રહ્યા છે. જે અમેરિકા ભારતનું મિત્ર માનવામાં આવતું હતું તે ૫૦ ટકા ટેરિફ ઝીંકવાની ધમકી આપીને ભારતને ડરાવી રહ્યું છે અને ભારતના કટ્ટર પાકિસ્તાનને પ્રોત્સાહન આપી રહ્યું છે. જે ચીનને ભારતનું દુશ્મન માનવામાં આવતું હતું તેણે ભારત પરના ભારે ટેરિફને મુદ્દે અમેરિકા સામે શાબ્દિક હુમલો કરીને ભારત માટે કૂણી લાગણી પ્રદર્શિત કરી છે.
જો ભારતનું લાંબા ગાળાનું મિત્ર ગણાતું રશિયા અમેરિકા તરફ વધુ પડતું ઝૂકી જશે તો રશિયા સાથેના ભારતના સંબંધો શુષ્ક બની જશે. આવી પરિસ્થિતિમાં વૈશ્વિક સત્તાની સમતુલા સાચવી રાખવા અને રશિયા-અમેરિકાની સંભવિત યુતિ સામે પોતાનાં હિતોની રક્ષા કરવા માટે ચીન સાથે દોસ્તી કરવી ભારતની જરૂરિયાત અને મજબૂરી પણ બની જશે. ચીન આ મજબૂરીનો લાભ ઉઠાવવા ભારત સાથે દોસ્તીનો ઢોંગ કરે અને લાગ જોઈને પીઠમાં છરી મારે તેવી સંભાવના નકારી શકાય તેવી નથી. ચીને ૧૯૬૨માં હિન્દી-ચીની ભાઈ-ભાઈના નારાઓ પોકારતાં પોકારતાં ભારત સામે યુદ્ધ છેડી દીધું હતું તે ભૂલવું જોઈએ નહીં.
ભારતની મુલાકાતે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યીને મળ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ની બેઠકમાં ભાગ લેવા માટે ચીન જશે. અગાઉ વાંગ યીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથેની મુલાકાત દરમિયાન પુષ્ટિ આપી હતી કે મોદી આ મહિનાના અંતમાં ચીનની મુલાકાત લેશે. છેલ્લાં સાત વર્ષમાં મોદીની આ પહેલી ચીન મુલાકાત હશે.
આ મુલાકાત દરમિયાન તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ મળવાના છે, તેથી આ મુલાકાત પર ઘણાં લોકોની નજર ટકેલી છે. મોદી અને શી જિનપિંગ છેલ્લી વખત ઓક્ટોબર ૨૦૨૪ માં કાઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન મળ્યા હતા. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક ૩૧ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની છે, જેમાં ઓછામાં ઓછા ૨૦ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. મોદી અને જિનપિંગ મળીને ભારત અને ચીન વચ્ચેના ગૂંચવાડાભરેલા રહેલા સંબંધોને નવો વળાંક આપવાનો વ્યાયામ કરશે.
મોદીની ચીન મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે એક તરફ ગલવાન ઘટના પછી સરહદ-વિવાદ સંપૂર્ણપણે ઉકેલાયો નથી, તો બીજી તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના સંઘર્ષમાં ચીન પર પાકિસ્તાનને મદદ કરવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. તે જ સમયે, અમેરિકાએ ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદ્યો છે પરંતુ તેણે આ મામલે ચીનને છૂટ આપી છે. વર્ષ ૨૦૨૦ માં પૂર્વી લદ્દાખના ગાલવાનમાં બંને દેશોના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ૨૦ ભારતીય સૈનિકો સાથે અનેક ચીની સૈનિકો માર્યા ગયા હતા.
ઘણા મહિનાઓ પછી બંને દેશો સરહદ વિવાદ ઉકેલવા માટે સંમત થયા અને બંને બાજુ શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે ચર્ચાઓનો એક રાઉન્ડ શરૂ થયો. આ દિશામાં થોડી પ્રગતિ થઈ છે પરંતુ ચર્ચાઓ હજુ પણ ચાલુ છે. વાંગ યી આ અંતર્ગત ખાસ પ્રતિનિધિઓની બેઠકમાં ભાગ લેવા માટે ભારત આવ્યા છે. વાંગ યી ટૂંક સમયમાં પાકિસ્તાનની મુલાકાતે જવાના છે જ્યાં તેઓ ઘણા નેતાઓને મળશે. તેઓ ચીન-પાકિસ્તાન વિદેશ મંત્રીઓની વ્યૂહાત્મક બેઠકમાં પણ ભાગ લેશે. આ વર્ષે એપ્રિલમાં પહેલગામ હુમલા પછી ભારતે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવ્યું હતું.
આ સમય દરમિયાન થયેલા લશ્કરી સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારે પાકિસ્તાનની સંસદમાં દાવો કર્યો હતો કે ભારતના રાફેલને તોડી પાડવા માટે ચીનના J-10C ફાઇટર જેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે, જ્યારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાને પાકિસ્તાનના દાવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમને આ અંગે કોઈ જાણકારી નથી. ચીન ભારત અને પાકિસ્તાન વચ્ચે કેવી રીતે સમતુલા રાખે છે, તે પણ ભારત માટે ચિંતાનો વિષય છે. જો ઓપરેશન સિંદૂર દરમિયાન બન્યું હતું તેમ ચીન પાકિસ્તાનને ભારત સાથેના યુદ્ધમાં મદદ કરતું હોય તો ભારત તેનો ભરોસો રાખી શકે નહીં.
ભારત સામે કાયમ ઝેર ઓકતાં ચીની મિડિયાએ પણ પોતાના સૂર બદલ્યા છે. ચીની મિડિયા કહે છે કે ભારત અને ચીન વચ્ચેના મજબૂત સંબંધો ગ્લોબલ સાઉથ માટે ફાયદાકારક સાબિત થશે. ચીનના સરકારી મીડિયા અનુસાર ભારત હવે અમેરિકન ટેરિફને ધ્યાનમાં રાખીને તેની વ્યૂહરચના બદલવા માંગે છે અને વાંગ યીની ભારત મુલાકાત આનો એક ભાગ હતી. ચીને ભારત માટે રેર અર્થ ખનિજોની નિકાસ આડેનાં નિયંત્રણો દૂર કર્યાં છે.
ચીન ભારતના કુલ ખાતરોના લગભગ ૩૦ ટકા, તેમ જ ઓટોમોબાઈલ ઘટકો અને ટનલ બોરિંગ મશીનો માટે રેર અર્થ ખનિજોની સપ્લાય કરે છે, જે રસ્તા અને શહેરી માળખાગત સુવિધાઓના વિકાસ માટે જરૂરી છે. જો કે, વાંગ યીની મુલાકાત અંગે ભારત અને ચીનનાં નિવેદનોમાં પણ મતભેદ જોવા મળ્યા હતા. તાઇવાનના મુદ્દા પર અને તિબેટની સાંગપો નદી પર ચીનના પ્રસ્તાવિત બંધના મુદ્દા પર ભારતે ચિંતા વ્યક્ત કરી હતી અને નિષ્ણાતોએ તેને પર્યાવરણ માટે ખતરો ગણાવ્યો હતો.
ચીનના સરકારી મિડિયાએ વાંગની ભારત મુલાકાતને સકારાત્મક રીતે જોઈ અને એ વાત પર પણ ભાર મૂક્યો કે બંને દેશો એકબીજા સાથે વધુ સારા સંબંધો બનાવવા આતુર છે. તેમાં અમેરિકાની એકપક્ષીય દબાણ લાવવાની નીતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ૧૯ ઓગસ્ટના રોજ સરકારી અંગ્રેજી ભાષાના અખબાર ચાઇના ડેઇલીમાં પ્રકાશિત એક તંત્રીલેખમાં કહેવામાં આવ્યું હતું કે વાંગની ભારત મુલાકાતને વડા પ્રધાન મોદીની તિયાનજિન SCO સમિટની સુનિશ્ચિત મુલાકાતની તૈયારી તરીકે વ્યાપકપણે જોવામાં આવે છે.
તંત્રીલેખમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે અમેરિકા વહીવટ બાકીની દુનિયા સામે ભયંકર ટેરિફ યુદ્ધ ચલાવી રહ્યું છે ત્યારે ભારત એ કઠોર વાસ્તવિકતાનો સામનો કરવા મજબૂર છે કે અમેરિકા સાથે તેના ગાઢ સંબંધો હોવા છતાં, તે યુએસ ટેરિફથી બચી શકતું નથી. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારત અમેરિકી વહીવટીતંત્ર સાથે સંઘર્ષની સ્થિતિમાં છે કારણ કે તેણે રશિયન તેલ ખરીદવાનું બંધ કરવાનો ઇનકાર કર્યો છે. આવી સ્થિતિમાં, ભારત વ્યૂહાત્મક સ્વાયત્તતાના મહત્ત્વને સમજી રહ્યું છે અને ચીન સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે જેથી તેને વ્યૂહાત્મક અવકાશ અને નીતિગત સુગમતા મળી શકે.
સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના એક અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારત એશિયન બજારો તરફ ઝુકાવ કરી રહ્યું છે કારણ કે વધતા ટેરિફના કારણે નિકાસ માટે અમેરિકી બજાર પર તેની ભારે નિર્ભરતા એક નબળાઈ બની ગઈ છે. રાષ્ટ્રવાદી સમાચાર વેબસાઇટ ગુઆંચામાં પ્રકાશિત થયેલા એક લેખમાં ફુદાન યુનિવર્સિટીના લિન મિનવાંગની ટિપ્પણી હતી જેમાં તેમણે કહ્યું હતું કે ભારત ચીન સાથેના સંબંધો સુધારીને અમેરિકા સાથે તેની સોદાબાજી શક્તિ વધારવાનો પ્રયાસ કરી શકે છે.
જો કે, લિને એમ પણ કહ્યું હતું કે ચીન વધુ સારા સંબંધોનું સ્વાગત કરે છે, પરંતુ રાષ્ટ્રીય હિતોને લગતા મુદ્દાઓ પર ક્યારેય સમાધાન કરશે નહીં. અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ચીન બીજા સ્થાને છે. ભારત પણ એક ઊભરતી અર્થવ્યવસ્થા છે, તેથી તે અમેરિકા અને ચીન સાથે ખરાબ સંબંધો જાળવી રાખીને પોતાની સમસ્યાઓ વધારવા માંગતું નથી, પરંતુ એ વાત સાચી છે કે બંને દેશો સાથેના ભારતના સંબંધોમાં કોઈ ઉષ્મા નથી. આ સંબંધો પરસ્પરની ગરજ પર ટકેલા છે.
અમેરિકા અને ચીન બંને ભારતના ટોચના વેપારી ભાગીદાર છે. ચીન ભારતનો બીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. ૨૦૨૪-૨૫માં ચીન સાથે ભારતનો દ્વિપક્ષીય વેપાર ૧૨૭.૭ અબજ ડોલર હતો. મિનવાંગે ન્યૂયોર્ક ટાઈમ્સને જણાવ્યું હતું કે ‘‘જો ભારત ચીન સાથે સંબંધો સુધારવા માંગે છે, તો ચીન તેનું સ્વાગત કરશે પરંતુ ભારતને કોઈ છૂટછાટ મળશે નહીં. ચીન તેનાં હિતો સાથે સમાધાન કરશે નહીં કે પાકિસ્તાનને ટેકો આપવાનું બંધ કરશે નહીં.’’ ભારત અને ચીન વચ્ચેના સંબંધો સામાન્ય કે મૈત્રીપૂર્ણ બનાવવામાં પાકિસ્તાનનો મુદ્દો કાયમ માટે વચ્ચે આવવાનો છે, તે નક્કી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.