Gujarat

દિવાળી અગાઉ અમદાવાદમાં છેલ્લી ઘડીએ ખરીદી કરવા લોકો ઉમટી પડ્યા

બજારોમાં હૈયેથી હૈયું દબાય તેવી ભારે ભીડ – છેલ્લા દિવસોમાં ભારે ઘરાકી થતા વેપારીઓ પણ ગેલમાં
અમદાવાદ સહિત રાજ્યભરમાં આ વર્ષે દિવાળીનો માહોલ ધીમે ધીમે જામ્યો હતો. ગત વર્ષે કોરાનાને કારણે કોઈ તહેવાર મનાવી શક્યો ન હતો. આ વખતે પણ કોરોનાના ડર વચ્ચે લોકો ધીમે ધીમે બહાર નીકળ્યા હતા, અને અમદાવાદમાં છેલ્લી ઘડીએ બજારોમાં ભારે ભીડ જામી હતી.

દિવાળીના એક દિવસ પહેલા અમદાવાદ શહેરના લાલ દરવાજા, ઢાલગરવાડ, માણેકચોક, કાલુપુર ફ્રુટ બજાર તેમજ મોટા મોલમાં પણ લોકોની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી.

શહેરના હાર્દ સમા લાલ દરવાજા, ઢાલગરવાડ, માણેકચોકમાં મોટા પ્રમાણમાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. અમદાવાદ અને તેની આસપાસના શહેરોમાંથી પણ લોકો ખરીદી કરવા આવ્યા હતા. પરિણામે બજારમાં હૈયેથી હૈયું દબાય તેવી ભારે ભીડ જોવા મળી હતી. લગભગ એક વર્ષ પછી ફરી પાછી લાલ દરવાજાની જાણે અસલ રોનક પાછી ફરી હોય તેમ લાગતું હતું.

આ વખતે ખાસ કરીને ખરીદીમાં લોકો બાળકોના કપડા, ઘર સુશોભિતની ચીજ વસ્તુઓની ખરીદી વધુ કરતા જોવા મળ્યા હતા. લોકો જાણે છેલ્લી ઘડીની ખરીદી કરી લેવાના મુડમાં હોય તેમ ખરીદી માટે ભારે પડાપડી જોવા મળી હતી. ભારે ભીડ અને ખરીદી જોતા વેપારીઓ પણ ગેલમાં આવી ગયા હતા અને કોરોનાને પણ જાણે ભૂલાવી દીધો હોય તેવું લાગતું હતું.

Most Popular

To Top