વડોદરા: મુંબઇથી વડોદરાટ્રાન્સપોર્ટમાં બોગસ બિલના આધારે ઇન્કના નામે પાર્સલમાં બિયરનો જથ્થો મંગાવી કારમાં હેરાફેરી કરતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે તપાસ દરમિયાન કારમાંથી ટ્રાન્સપોર્ટના પાર્સલમાં પેક કરેલા બિયરના 214 ટીન કિંમત રૃપિયા 28,890 ના મળી આવ્યા હતા. પોલીસે બિયરના ટીન,મોબાઇલ ફોન અને કાર મળીને કુલ રૃપિયા 2.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે એકની ધરપકડ કરી જયારે દારૂનો જથ્થો મંગાવનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં તહેવાર નિમિતે અસામાજિક તત્વો દ્વારા વિદેશી દારૂનો જથ્થો લાવી વેચાણ કરાય છે.
તેને રોકવા શહેર પોલીસની પીસીબી પોલીસ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે પીસીબી પોલીસને બાતમી મળી હતી કે, એક સફેદ કલરની ઇકો કાર કારેલીબાગ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જલારામ મંદિર તરફ જવાની છે. જેથી પોલીસે મળેલી માહિતીના આધારે વોચ ગોઠવી કારેલીબાગ બહુચરાજી મંદિર જવાના ઠાળ પરથી એક ઇકો કારમાં વિદેશી દારૃ લઇ જતા કારચાલક મનોજ કાંતિભાઇ મારવાડી (રહે.જય સંતોષીનગર,ખોડિયારનગર ચાર રસ્તા પાસે ન્યૂ વી.આઇ.પી.રોડ) ને ઝડપી પાડયો હતો.પોલીસને કારમાંથી ટ્રાન્સપોર્ટના પાર્સલમાં પેક કરેલા બિયરના 214 ટીન કિંમત રૃપિયા 28,890 ના મળી આવ્યા હતા.પોલીસે બિયરના ટીન,મોબાઇલ ફોન અને કાર મળીને કુલ રૃપિયા 2.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
દરમિયાન પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી છે કે, મનોજ મારવાડી બિયરનો જથ્થો મુંબઇ ખાતે જઇ અલગ અલગ ઠેકા પરથી લઇ જઇ તેને પેકિંગ કરાવતો હતો. ત્યારબાદ સાયબર કાફે પર મૈત્રી એન્ટરપ્રાઇઝના નામનું બિલ બનાવી તેના આધારે મુંબઇના દલાલ મારફતે ટ્રાન્સપોર્ટ મારફતે વડોદરાના ભાવના રોડવેઝમાં મોકલી આપતા હતા. આ પાર્સલમાં અલગ અલગ ઇન્ક હોવાનું દર્શાવવામાં આવતુ હતું. આ માલ ટ્રાન્સપોર્ટમાંથી છોડાવીને કારેલીબાગ આર્ય કન્યા વિદ્યાલય પાસે રહેતા મનોજ કહારને સપ્લાય કરતો હતો. જેથી,પોલીસે મનોજ કહારને વોન્ટેડ જાહેર કર્યો છે. મનોજ મારવાડી ત્રણ મહિના પહેલા પણ દારૃ સાથે પકડાયો હતો. પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી એકની ધરપકડ કરી હતી. એકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.