Columns

બની જાવ તળાવ

એક દિવસ ઘરમાં નિશા રડતી રડતી આવી અને મમ્મીના ખોળામાં માથું મૂકી વધુ રડવા લાગી. ઘરની દીકરીને આમ રડતી જોઇને ઘરમાં બધાના જીવ ઊંચા થઈ ગયા. થોડીવાર રડી લેવા દિને મમ્મીએ તેને શાંત પાડી, નાનો ભાઈ પાણી લઇ આવ્યો અને દાદીએ કહ્યું, ‘નિશા દીકરા ચલ કોફી પી લે.’ નિશા બોલી, ‘દાદી, મને શું થયું એ નહિ પૂછો?’ દાદી બોલ્યા, ‘દીકરા તું રડે છે એટલે તને ન ગમતું કે મનને દુઃખ પહોંચાડે તેવું જ કંઈક થયું હશે. અમે તને ફરી ફરી તે જ પૂછીને દુઃખમાં વધારો કરવા માંગતા નથી.’

દાદી કોફી લઈને આવ્યા અને કોફી પીતાપીતા વાતો કરવા લાગ્યા, દાદીએ કહ્યું, ‘જો દીકરા જીવનમાં આપના બધાનો હિસાબ એવો છે કે મનગમતું થાય અને કરવા મળે અને બીજા પણ આપણને ગમતું જ કરે તો સુખ અને જો મનગમતું ન થાય કે મનગમતું કરવા ન મળે કે બીજા આપણને ગમતું ન કરે તો તે આપણને દુઃખ લાગે છે પણ તને ખબર છે દુઃખ તો મુઠ્ઠીભર મીઠા જેવું છે.’

નિશા બોલી, ‘મીઠા જેવું દુઃખ… એટલે?’ દાદીએ કહ્યું, ‘દીકરા તારા જીવનમાં દુઃખ, સમસ્યા, તકલીફ જે હશે તે મુઠ્ઠીભર મીઠા જેવી હોય છે. જો મુઠ્ઠીભર મીઠું એક ગ્લાસમાં નાંખીએ તો તે પાણી ખારું જેવું થઈ જાય… તે જ મુઠ્ઠીભર મીઠાને એક મોટી બાલદીમાં નાખીએ તો તેની અસર ઓછી થાય અને જો તે જ મુઠ્ઠીભર મીઠાને એક તળાવમાં નાખીએ તો પાણીમાં તેની કોઈ અસર દેખાય જ નહિ, બરાબરને..’ નિશાએ હા પાડી.

દાદી બોલ્યા, ‘જો દીકરા આ મુઠ્ઠીભર મીઠા જેટલી સમસ્યા કોઈને કોઈ સ્વરૂપે બધાના જીવનમાં હોય છે જેને આપણે દુઃખ કહીએ છીએ. જો આ દુઃખની અસર જીવનમાં ઓછી કરવી હોય તો મન અને મસ્તિષ્કને એક ગ્લાસ જેટલું કે બાલદી જેટલું નાનું અને સંકુચિત નહિ પણ તળાવ જેવું વિશાલ અને ઊંડું બનાવવું જેથી મુઠ્ઠીભર મીઠા જેટલું દુઃખ કોઈ અસર કરી શકે નહિ.’

નિશાએ કહ્યું, ‘એમ કેવી રીતે શક્ય બને એ તો જેની પર વીતે તેને જ ખબર પડે ને?’ દાદી બોલ્યા, ‘બરાબર છે તારી વાત પણ તારી પર જે દુઃખ છે કે જે સમસ્યા છે તેની સામે તારે શું બનીને તેનો સામનો કરવો છે તે તો તારા હાથમાં છે ને. મનને નાનકડું અને સંકુચિત બનાવી મને દુઃખ છે બહુ તકલીફ છે તેમ વિચારીશ તો મુઠ્ઠીભર મીઠા જેટલી સમસ્યા તારા જીવનને કડવું બનાવી દેશે તેને ભૂલીને આગળ વધવાની કોશિશ કર મનને તળાવ જેવું વિશાળ બનાવ જીવનમાં જે જે મળ્યું છે તેની સામે ધ્યાન આપ તેના માટે ધન્યવાદ કર તો મુઠ્ઠીભર મીઠા જેવું દુઃખ નગણ્ય બની જશે સમજી..’ દાદીએ જીવન વ્યવહારની સુંદર સમજ આપી.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top