Charchapatra

વરસાદમાં પોલીસ કર્મીની સુંદર સેવા

આ વખતે વરસાદે સુરતીઓને બરાબરના હંફાવ્યા.છેલ્લા દોઢેક મહિનાથી તો મેઘો સુરત પૂરતો મહેરબાન હતો, પણ ગત ગુરુપૂર્ણિમાએ રવિવાર પણ હતો અને સાંજ પછીની વરસાદની તોફાની બેટિંગ  ઘર બહાર નીકળેલાં સૌને યાદ રહી જાય એવી હતી.બિલકુલ વરસાદ નહોતો અને અમારા સ્નેહીનો ફોન પણ આવ્યો કે અમે ગુરુપૂર્ણિમા નિમિતે સુંદર કાંડના પાઠનું આયોજન કરીએ છીએ.તો આવો.સાવ નજીકનું અંતર. પણ બે કલાક બાદ સોસાયટીમાં નીચે ઉતરતાં ઘૂંટણપૂર પાણી. એક સ્નેહીએ કહ્યું કે કારમાં જગા છે અને બદરીનારાયણ મંદિર પછી અડાજણ ગામ ચાર રસ્તા પાસેથી તમને રીક્ષા મળી જશે.

તેઓ પાલ તરફ અમને ઉતારી આગળ વધ્યા.હવે અમારી કસોટીનો અણધાર્યો એપિસોડ શરૂ થયો.પાંચ છ રીક્ષા ખાલી હોવા છતાં ના થોભી. અમારે આનંદમહલરોડ તરફ જવું હતું એટલે સામેની ફૂટપાથ ગયા, જેથી તરત રીક્ષા મળે. અહીં ચારે દિશામાં ટ્રાફિક જામ અને દેમાર વરસાદ તો ચાલુ.થોડે દૂરથી એક ટ્રાફિક પોલીસે અમને જોયા.કોઈ રીક્ષાવાળા થોભતા નહોતા.એણે સીટી મારી એકને થોભાવ્યો અને કહ્યું કે આ બે  સિનિયર સિટીઝનને  લઈ લે અને બે મિનિટ થોભ.અમને આથી થોડી નવાઈ લાગી.તે એના પોઈન્ટ પરથી હાથ પકડીને એક માજીને દોરી લાવ્યો. એ ખૂબ ગભરાયેલાં લાગ્યાં.

એ તમારા વિસ્તારમાં જ રહે છે. બરાબર ઉતારી દેજો.સહજપણે માજીને પૂછયું તો કહ્યું કે વરસાદ નહોતો એટલે ચૌટાપુલ દર્શને ગઈ હતી અને રીક્ષાવાળો મને આનંદમહલ રોડને બદલે આ અજાણી જગાએ ઊતારી ગયો.એમણે એમની સોસાયટી પાસે ઉતરતાં ભાડાના પૈસા આપવા તૈયારી બતાવી.મેં ના પાડી અને સામો સવાલ કર્યો.’ પેલા પોલીસ કર્મીએ પૈસા માગેલા? તો પછી આ પણ એક સેવા ના કહેવાય? યાદ રાખો.  જ્યાં માણસની જરૂર હોય ત્યારે પૈસા કયારેય કામ નથી લાગતા.”
સુરત     – પ્રભાકર ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top