Columns

જેવું વિચારો તેવા બનો

એક ભિખારી ટ્રેનમાં આખો દિવસ ભીખ માંગે. એક દિવસ ટ્રેનમાં એક સુટ બુટ પહેરેલા વેપારી શેઠ ચઢ્યા.ભિખારીએ શેઠ પાસે જઈ ભીખ માંગી.શેઠે તેને ભીખ તો ન આપી અને ઉપરથી ટોકતાં કહ્યું, ‘તું આખો દિવસ બીજા પાસે હાથ લાંબો કરીને માંગે જ છે કે પછી ક્યારેક કોઈને કંઈ આપે પણ છે? અને ભાઈ, હું તો વેપારી માણસ છું. લેવડદેવડમાં માનું છું.ખાલી આપવામાં નહિ.શેઠ તેને ભીખ આપ્યા વિના આવનારા સ્ટેશન પર ઊતરી ગયા.

ભિખારીને શેઠની વાત સાચી લાગી,પણ બીજી જ ક્ષણે વિચાર આવ્યો કે મારી પાસે જ કંઈ નથી એટલે તો હું ભીખ માંગું છું એમાં હું બીજાને શું આપી શકું.ભિખારી આ વિચારતો ચાલતો હતો, ત્યાં તેની નજર સ્ટેશન પાસેની જગ્યામાં ઊગેલાં ફૂલો પર પડી.કંઇક વિચારીને તેણે થોડાંક ફૂલો તોડી લીધાં અને હવે તે જે ભીખ આપે તેને સામે ફૂલ આપી આભાર માનતો.ભિખારીને ભીખ આપનાર લોકો ખુશીથી તે ફૂલ લઇ લેતા.હવે તો ભિખારીને વધુ ભીખ મળવા લાગી.ફૂલ આપતા ભિખારી તરીકે તે પ્રખ્યાત થઇ ગયો.ભિખારી રોજ વધુ ફૂલ તોડીને લાવવા લાગ્યો અને જે સ્ટેશન પાસેની જગ્યામાં છોડ ઊગ્યા હતા તે ફૂલના છોડનું પણ વિશેષ ધ્યાન રાખવા લાગ્યો.

ઘણા દિવસ પછી ભિખારીને પેલા શેઠ દેખાયા, જેમણે તેને માત્ર માંગવાનું નહીં, પણ કૈંક આપવાનું પણ ખરું તેવી શીખ આપી હતી.ભિખારી દોડીને તેમની પાસે ગયો અને બોલ્યો, ‘શેઠ, લો આ ફૂલ, તમે મને કહ્યું હતું કે કંઇક આપવું પણ જોઈએ તે દિવસથી હું મને ભીખ આપનારને આ ફૂલ આપું છું.’ શેઠે ફૂલ લીધું અને હસીને દસ રૂપિયા આપતાં કહ્યું કે ‘અરે વાહ, તું તો મારી જેમ લેવડદેવડ સમજી ગયો.તું તો વેપારી બની ગયો.’ આટલું બોલી શેઠ તો પોતાના સ્ટેશન પર ઊતરી ગયા અને વેપારીના મગજમાં એક નવો વિચાર રોપતા ગયા.

આ વાતને લગભગ દોઢ વર્ષ વીતી ગયું,તે જ સ્ટેશન પર પેલા શેઠ આવ્યા.પણ ભિખારી ત્યાં ન હતો પણ શેઠને જોતાં એક સુટ-બુટ પહેરેલો યાત્રી ઊભો થયો અને શેઠને પગે લાગી બોલ્યો, ‘શેઠજી, તમે મને સાચો માર્ગ જાણ્યા અજાણ્યા બતાવ્યો છે. આજે આપણે ત્રીજી વાર મળી રહ્યા છીએ.પહેલી બે વાર હું તમને મળ્યો ત્યારે હું એક ભિખારી હતો.આજે ફૂલોનો એક વેપારી છું. જયારે આપે મને કહ્યું હતું કે ‘વાહ તું તો વેપારી બની ગયો.’ આ વાક્યે મને એક વિચાર આપ્યો કે હું વેપારી બની શકું અને પછી મેં ફૂલોનો વેપાર શરૂ કર્યો અને ભગવાનની કૃપાએ ઘણી સફળતા મળી છે. તમારો ખૂબ ખૂબ આભાર.’માણસ જેવું વિચારે તેવો તે બની શકે છે અને બધું જ જીવનમાં મેળવી શકે છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top