નવરાત્રી આવે એટલે મારી પાસે ઉપવાસનું ડાયટ પ્લાન કરાવવા માટે પેશન્ટો આવે. નવરાત્રીમાં ઘણા લોકો નવ દિવસ ફરાળ ખાઈ ને તો ઘણા એક વાર જમીને તો વળી કેટલાક વીરો તો નકોરડા ઉપવાસ કરીને માતાજીની આરાધના કરતા હોય છે. આ ઉપવાસ દરમ્યાન, ફરાળો કે જે સ્ટાર્ચથી ભરપૂર હોય છે તે ખાઈને બ્લડશુગર અને વજન ન વધી જાય તથા ઉપવાસ કરવાથી ગરબા દરમ્યાન એનર્જી જળવાઈ રહે એ પ્રકારનું આહાર આયોજન કરાવવા મારી પાસે લોકો આવતા હોય છે. તો એ માટે, સૌ ભક્તોને ઉપવાસ અને ગરબામાં સરળતા રહે એ પ્રકારનું આહાર આયોજન કઈ રીતે કરવું તે આ અંકમાં જોઈએ. આવો એ જાણવાનો પ્રયત્ન કરીએ કે નવરાત્રીના ઉપવાસ શા માટે કરવામાં આવે છે? તેમાં શું – શું ખાવું અને શું ન ખાવું અને આજની પરિસ્થિતિમાં એ પ્રમાણે કરવું કેટલું હિતાવહ છે?
નવરાત્રિના ઉપવાસનું ધાર્મિક કારણ
પૂર્વ ભારતમાં માન્યતા છે કે માતા દુર્ગા ‘મહિષાસુર’ નામના રાક્ષસ સાથે નવરાત્રીના નવેનવ દિવસો દરમ્યાન નવ નવ સ્વરૂપ બદલીને (નવદુર્ગા સ્વરૂપે) જે સંઘર્ષ કરે છે એ સંઘર્ષની અનુભૂતિ કરવા તથા ઉત્તર ભારતમાં નવરાત્રીને ભગવાન રામના રાવણ સાથેના સંઘર્ષ અને વિજયના પ્રતીકરૂપે ઉજવવામાં આવે છે. શરીરમાં રહેલા રોગ, લોભ, મોહરૂપી રાક્ષસને હણવા માટે નવ દિવસ ફરાળ ખાઈ અથવા નકોરડા ઉપવાસ કરવામાં આવે છે.
શાકભાજી
નવરાત્રિ દરમ્યાન લીલાં શાકભાજીને બદલે બટાકા, શક્કરિયા, રતાળુ, સૂરણ જેવાં કંદમૂળ આરોગવાની સલાહ આપવામાં આવે છે. જેનું કારણ પચવામાં સરળ એવા કાર્બોહાઈડ્રેટ બદલાતી ઋતુમાં શરીરને સારા પ્રમાણમાં એનર્જી આપે છે. જો કે આ પ્રકારના સરળ કાર્બોહાઇડ્રેટસને ચરબીમાં રૂપાંતરિત થતાં વાર નથી લાગતી. વળી, આ પ્રકારના કંદમૂળ દ્વારા બ્લડશુગર વધવાની શક્યતા રહેલી છે અને આપણે સૌ જાણીએ છીએ કે ડાયાબિટીસના દર્દીઓને કોરોના જેવા વાઇરસ ખૂબ નુકસાન પહોંચાડી શકે છે.
વૈજ્ઞાનિક તર્ક અનુસાર
માનવામાં આવે છે કે શરદ ઋતુમાં આવતી નવરાત્રી એ ચોમાસાના અંતે અને શિયાળાની શરૂઆતમાં આવતી હોય અહીં ઋતુ પરિવર્તન થાય છે અને ઋતુ પરિવર્તન જ્યારે જ્યારે થાય ત્યારે પાચનશક્તિ મંદ પડી રોગ પ્રતિકારક ક્ષમતા ઘટે છે. વળી, શિયાળાની શરૂઆતમાં સૂક્ષ્મ જીવાણુઓનો ઉપદ્રવ વધુ હોય છે. આવા સંજોગોમાં વધુ પડતો આહાર, પચવામાં ભારે આહાર તથા તામસિક પ્રકૃતિ ધરાવતો આહાર શરીરને ચોક્કસ નબળું પાડી રોગી બનાવી શકે. એથી આ દિવસો દરમ્યાન સાત્ત્વિક આહાર આરોગી, શરીરને અંદરથી શુદ્ધ કરી રોગપ્રતિકારકશક્તિ વધારવાનું પ્રયોજન હોઈ શકે. નવરાત્રિ દરમ્યાન નીચે મુજબના ખાદ્યપદાર્થો લેવાનો નિષેધ છે. આવો જાણીએ શા માટે અને એ પણ જાણીએ કે હાલના સંજોગોમાં એ કેટલું હિતાવહ?
મીઠું
નવરાત્રિ દરમ્યાન મીઠું ન ખાવું જોઈએ પણ એના બદલે સિંધવ (રોક સોલ્ટ) લેવું જોઈએ એવું શાસ્ત્રો કહે છે કારણ એ હોઈ શકે કે મીઠું ખાદ્ય સ્વરૂપે લાવવા માટે રાસાયણિક પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે જ્યારે સિંધવ મીઠું કુદરતી સ્વરૂપે મળી આવે છે એથી એની શુદ્ધતા વધુ હોય છે. એમાં રોજિંદા મીઠા કરતાં સોડિયમ અને આયોડિનનું પ્રમાણ ઓછું હોઈ પચવામાં હલકું હોય છે. બ્લડપ્રેશરના દર્દીઓ ઓછું સોડિયમ ધરાવતા સિંધવનો ઉપયોગ કરી શકે. ઓછું સોડિયમ ધરાવતો ખોરાક આરોગવાથી બ્લડપ્રેશર કાબૂમાં રહે છે પરંતુ સિંધવનો વધુ લાંબો સમય ઉપયોગ કરતા પહેલાં ડાયટીશ્યનની સલાહ લેવી હિતાવહ છે.
અનાજ
નવરાત્રિના ઉપવાસ દરમ્યાન અનાજનો નિષેધ હોય છે. અહીં ઘઉં, ચોખા, જુવાર, બાજરીને બદલે સાબુદાણા,રાજગરો, શિંગોડાનો લોટ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. વૈજ્ઞાનિકો કહે છે કે અનાજના કૉમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ પાચનતંત્ર પર એક્સ્ટ્રા ભારણ આપે છે જે ઋતુ પરિવર્તનના સમયે પાચનતંત્રને નબળું પાડી શકે. એથી પચવામાં સરળ એવા સરળ કાર્બોહાઈડ્રેટનો ઉપયોગ કરી શકાય પરંતુ, ઉપવાસમાં આ પ્રકારના ખાદ્યપદાર્થોને લઈને બનતી વાનગીઓમાં પુષ્કળ ઘી પણ વપરાય છે અને અંતે એ વાનગી ખૂબ બધી કેલરી ધરાવે જે ચોક્કસ ચરબીમાં વધારો કરી શકે.
માંસાહાર
જી હા, નવરાત્રિ દરમ્યાન માંસાહારનો નિષેધ કરવામાં આવે છે જે ધાર્મિક દ્રષ્ટિએ તો યોગ્ય છે જ ( જીવદયા કરવી) અને સાથોસાથ પુષ્કળ પ્રમાણમાં કેલરી અને તામસિક પ્રકૃતિ ધરાવતું હોઈ માંસાહાર હાલની પરિસ્થિતિમાં પણ ટાળવું યોગ્ય છે.
મસાલા
નવરાત્રિમાં રોજિંદા વપરાશમાં આવતાં હળદર, મરચું, ધાણાજીરું, ગરમમસાલા જેવા મસાલાઓ તામસિક અને ગરમ પ્રકૃતિના હોઈ તેનો ઉપયોગ ન કરવાનું કહેવામાં આવ્યું છે પરંતુ તેના સ્થાને જીરું, મરી, તજ, લવિંગ જેવા આરોગ્યવર્ધક તેજાનાઓનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી છે. ખરું જોતાં, નવરાત્રિના દિવસો ખૂબ ગરમ હોય છે અને રાત્રે થોડી ઠંડક શરૂ થાય છે. અહીં ગરમ તાસીરનો ખોરાક એસિડિટી અને અલ્સર જેવી તકલીફો ઊભી કરી શકે. જીરું અને મરી એસિડ ઘટાડનાર અને તજલવિંગ ઠંડકને લીધે થતાં કફમાં રાહત આપનાર હોઈ તેનું સેવન તાર્કિક દૃષ્ટિએ હિતાવહ છે. જે આજના સમયમાં પણ અનુસરી શકાય.
શું કરશો ?
હળવા ખોરાક જેવા કે ફળો, લીંબુપાણી, છાશ, દૂધ, દહીં જેવા પદાર્થોનું થોડા થોડા પ્રમાણમાં વારંવાર સેવન કરવાથી આ દિવસોમાં પાચનમાં સરળતા રહેશે. શરીર હલકું રહેશે અને શાંત મને માતાજીની આરાધના કરી શકાશે.
પુષ્કળ પાણી પીવું. ખૂબ ગરમી હોવાથી ડીહાઇડ્રેશનની શક્યતા આ દિવસોમાં રહેલી છે.
રાત્રિ ભોજન વહેલું લેવું જેથી પચવામાં સરળતા રહે.
વધુ પડતાં કંદમૂળ લેવાં નહિ.
પુષ્કળ ઘીમાં બનાવેલાં તેમ જ તળેલાં વ્યંજનો લેવા નહિ.
ખૂબ ગળ્યા પદાર્થો અને પ્રસાદ સ્વરૂપે ખવાતી મીઠાઈ પુષ્કળ કેલરી અને શર્કરાથી ભરપૂર હોઈ બ્લડશુગર ખૂબ વધારશે. તેને ટાળો.
મીઠાને બદલે સિંધવ વાપરતી વખતે પ્રમાણભાન રાખો. ‘સિંધવ છે એટલે ગમે તેટલું ખાઈ શકાય’ એવું નથી.
આમ, આ વખતે નવરાત્રિના ઉપવાસ કરવા જ હોય તો થોડી સાવધાની સાથે કરો.