વર્ષ ૨૦૨૦ની શરૂઆત થઈ અને સમગ્ર વિશ્વમાં કોવિડ-૧૯સે હાહાકાર મચાવી દીધો. લૉકડાઉન જાહેર થયા. કર્ફ્યૂ લાગુ પાડવામાં આવ્યા. મહિનાઓ સુધી બધું જ બંધ રહ્યું. લોકોને ઘરમાં ગોંધાઈ રહેવું પડ્યું. આની અસર સ્થળાંતર ઉપર પણ ખૂબ જ પડી. ભારતમાંથી જેઓ અમેરિકા જુદા જુદા કારણોસર, ટૂંક સમય માટે યા કાયમ માટે, જવા ઈચ્છતા હતા અને અમેરિકાથી ભારત આવેલા ગ્રીનકાર્ડધારકો યા જુદા જુદા પ્રકારો ઉપર ત્યાં ગયેલા ભારતીયો જેઓ થોડા સમય માટે ભારતમાં આવ્યા હતા એમને પુષ્કળ અગવડ પડી. મહિનાઓ સુધી ભારતીયો અમેરિકા જઈ ન શક્યા.
ભારતમાં આવેલ અમેરિકન એમ્બેસી અને કોન્સ્યુલેટો લાંબા સમય સુધી બંધ રહી. વર્ષ ૨૦૨૦માં ફેમિલી પ્રેફરન્સ કેટેગરીઓ હેઠળ લગભગ કોઈને પણ ઈમિગ્રન્ટ વિઝા મળી ન શક્યા. હવેથી આ પરિસ્થિતિમાં થોડો સુધારો થયો છે. ભારતમાં આવેલ અમેરિકન એમ્બેસી અને કોન્સ્યુલેટો યથાવત્ કાર્ય કરવા લાગી છે. અમેરિકા ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓને ગયા બે મહિનામાં લગભગ પચાસ હજાર જેટલા સ્ટુડન્ટ વિઝા આપ્યા હતા. ઈમિજેટ રીલેટીવ કેટેગરી હેઠળ અને ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ તેમ જ એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ફિફર્થ પ્રેફરન્સ કેટેગરી એટલે કે EB-5 કેટેગરી હેઠળ પિટિશનો અમેરિકામાં પ્રોસેસ થવા લાગ્યા છે અને એપ્રુવ થયેલા પિટિશનો હેઠળ વિઝા આપવા માટે ઈન્ટરવ્યુ પણ લેવાનું શરૂ થયું છે.
પણ એક વર્ષથી વધુ સમય આ બધું જ કાર્ય બંધ હોવાના કારણે અને હજુ આજે પણ અમેરિકાની ઈમિગ્રેશન ઓફિસો અને ભારતમાં આવેલ એમ્બેસી તેમ જ કોન્સ્યુલેટોમાં બધા જ ઓફિસરો કામ માટે આવી નથી શકતા અને પૂર્વવત કામ કરી નથી શકતા એટલે પિટિશનો પ્રોસેસ થવામાં અને પ્રોસેસ થયેલા પિટિશનોના બેનિફિશિયરીઓના ઈન્ટરવ્યુઓ લેવામાં ખૂબ જ ઢીલ થાય છે. ભારતીયો જેઓ અમેરિકા જવા ઈચ્છતા હોય છે જેમના લાભ માટે ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરવામાં આવ્યું હોય છે. જેમને કોઈ ને કોઈ પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા મેળવવા હોય છે તેઓ બધા જ આ બધું જ જાણે છે.
તેમ છતાં તેઓ ઈમિગ્રેશન ઓફિસરો અને કોન્સ્યુલર ઓફિસરોની કઠણાઈ સમજતા નથી. વિના કારણ કુદરતી કોપના લીધે, ભયંકર ચેપી બીમારીના ફેલાવાના કારણે, વિઝા પ્રોસેસિંગમાં ઢીલ થાય છે, એ સૌ સારી રીતે જાણતા હોવા છતાં ઈમિગ્રેશન ઓફિસરોને અને કોન્સ્યુલર ઓફિસરોને વગર મફતના ભાંડે છે. એમના ઉપર ગુસ્સો કરે છે અને એમનું કાર્ય ઝડપથી થાય એ માટે ખૂબ જ અધીરાઈ દેખાડે છે. આ સર્વે લોકો ઈમિગ્રેશન ખાતાને અને કોન્સ્યુલેટોને ટેલિફોનો કરીને, ઈમેઈલ મોકલાવીને, કાગળો લખી લખીને, સેનેટરોની લાગવગો લગાડી લગાડીને ખૂબ જ હેરાનપરેશાન કરે છે અને એમના કામમાં વિક્ષેપ પાડે છે. એમના પિટિશનો પ્રોસેસ કરવામાં આ ઓફિસરો કંઈ જાણીજોઈને ઢીલ નથી કરતા. એમના વિઝા માટેના ઈન્ટરવ્યુની તારીખો આ ઓફિસરો જાણીજોઈને નથી લંબાવતા. આ વાત તેઓ બરાબર જાણે છે તેમ છતાં સમજતા નથી અને ઉતાવળાપણું દેખાડે છે.
જેમના દસ વર્ષના મલ્ટીએન્ટ્રી B-1/B-2 વિઝાની અવધિ પૂરી થઈ ગઈ હોય છે અને જેમને તુરંતમાં અમેરિકા જવું નથી હોતું તેઓ પણ એમના B-1/B-2 વિઝા ફરી પાછા આપવામાં આવે એવી એમના વિઝા રીન્યુ કરવાની અરજીઓ કરે છે અને એમાં પણ ખોટી ખોટી ઉતાવળ દેખાડે છે.
અમેરિકામાં કોઈના લગ્નમાં હાજરી આપવા જવું હોય, કોઈની બર્થ-ડે પાર્ટી હોય, હાઉસવોર્મિંગ સેરીમની હોય, ત્યાં ભણતા એમના સંતાનોને મળવા જવું હોય કે પછી ફકત નાઈગ્રાફોલ્સ, સ્ટેચ્યુ ઓફ લીબર્ટી, વ્હાઈટ હાઉસ, ગોલ્ડન ગેટ બ્રિજ, ગ્રાન્ડકેનિયન આ બધા સ્થળોએ ફરવા જવું હોય, લાસવેગાસના કસીનોમાં નસીબ અજમાવવા જવું હોય ટૂંકમાં એવું કોઈ અગત્યનું કામ ન હોય કે જેના માટે અમેરિકા જવું જ પડે એમ હોય એવા લોકો પણ આવા આજના સંજોગોમાં વિઝા મેળવવા માટે ઈન્ટરવ્યુ જલ્દીથી મળે, ઈન્ટરવ્યુની તારીખ જલ્દીથી મળે એ માટે ઘણું ખોટું કરતા હોય છે.
અમદાવાદના એક બહેનને એમની અમેરિકામાં રહેતી બહેનની દીકરીના લગ્નમાં અમેરિકા જવું હતું. આમ તો તેઓ એમની એ બહેનના પોતાના લગ્નમાં, જે વડોદરામાં જ થયા હતા, એમાં ગયા નહોતા. અમેરિકામાં વર્ષોથી રહેતી બેન જોડે વર્ષમાં માંડ તેઓ એકાદ બે વાર ફોન ઉપર વાત કરતા હતા. પણ બહેનની દીકરીના લગ્નમાં એમને બેનને ત્યાં અઠવાડિયું દસ દિવસ અમેરિકામાં રહેવા મળે એવું હતું. આથી તેઓ અમેરિકા જવા ઈચ્છતા હતા. લગ્ન આવતા વર્ષના માર્ચ મહિનામાં હતા.
એમણે તપાસ કરી તો B-1/B-2 વિઝાના ઈન્ટરવ્યુ માટે ફેબ્રુઆરી મહિનામાં તારીખ મળતી હતી. પણ જો તેઓ ફેબ્રુઆરી મહિના સુધી વાટ જુએ અને પછી માર્ચ મહિનામાં અમેરિકા જવા માટે ટિકિટ ખરીદે તો ખૂબ વધારે પૈસા આપવા પડે. આથી એમણે હું એક બિઝનેસ વુમન છું અને બિઝનેસના કામ માટે મારે અમેરિકા તાબડતોબ જવું પડે છે એવું જણાવીને વિઝા ઈન્ટરવ્યુ માટે જલ્દીથી તારીખ આપો એવી અરજી કરી. આવી અરજીઓ અનેક કરે છે. પોતાના નિજી સ્વાર્થ ખાતર જૂઠ્ઠું બોલે છે. ખોટું જણાવે છે. એમ્બેસી અને કોન્સ્યુલેટ ઉપર વગર કારણનું દબાણ કરે છે. એમના કામનો બોજો વધારે છે. અંતે આને લીધે નુકસાની વિઝા ઈચ્છુકોને જ થાય છે.
અમેરિકાની સરકારે એવું જાહેર કર્યું છે કે, નવેમ્બર મહિનાથી તેઓ B-1/B-2 વિઝાધારકોને પણ અમેરિકામાં પ્રવેશવાની છૂટ આપશે. આના કારણે અનેકો વિઝા મેળવવા માટે ધસારો કરશે. જો અમેરિકા જવાની તમને ખરેખર અરર્જન્સી ન હોય તો તમે મહેરબાની કરીને વિઝા મેળવવાની ઉતાવળ નહીં કરતા. પહેલા થોડા મહિના એમ્બેસી અને કોન્સ્યુલેટ ઉપર ખૂબ જ બોજો રહેશે. એ બોજો હળવો થાય પછી જ તમે વિઝા મેળવવાની અરજી કરજો. એમ્બેસી અને કોન્સ્યુલેટ અને એમના ઓફિસરો ઉપર જે કામનો બોજો હમણાં આવી પડ્યો છે એને ધ્યાનમાં રાખતા તમે ધીરજ ધરજો. ધીરજના ફળ મીઠાં હોય છે.