Entertainment

સની હોય કે પ્રભાસ સૌને ઇન્ડિયન સુપરસ્ટારનો અાભાસ

સની દેઓ 66 વર્ષનો થયો છે. પણ ‘ગદર-2’ની જબરદસ્ત સફળતા પછી તેનામાં નવું જોમ, જોસ્સો પાછો વળ્યો હોય એવું લાગે છે. તેણે હમણાં સાઉથના દિગ્દર્શક ગોપીચંદ મલિનેની સાથેની નવી ફિલ્મનું મુહૂર્ત રાખેલું. આ ફિલ્મ એકશનથી ભરપૂર હશે અને કહે છે કે દેશની સૌથી મોટી એકશન ફિલ્મ તરીકે તે આ ફિલ્મ બનાવશે. સની અત્યારે ‘બોર્ડર-2’ના શૂટિંગમાં પણ પૂરા દમથી લાગેલો છે. અને તે ઉપરાંત આમીર ખાન સાથે પણ એક ફિલ્મ આવી રહી છે. ગોપીચંદ મલિનેની સાથેની ફિલ્મ પૅન ઇન્ડિયા ટ્રેન્ડને ફોલો કરશે અને હિન્દી ઉપરાંત તેલુગુમાં પણ બનશે. સ્વભાવિક રીતે જ આ ફિલ્મમાં સાઉથના અભિનેતા-અભિનેત્રી પણ ઉમેરાશે. સનીની પૅન ઇન્ડિયા ફિલ્મ બનાવવાની ઇચ્છા સાથે રજૂ થઇ રહેલી ‘કલ્કી 1898 એડી’ને જોડવી જોઇએ. તે પણ 600 કરોડના ખર્ચે બનેલી મોટી ફિલ્મ છે. અને પૅન ઇન્ડિયા પ્રેક્ષકની ઇચ્છા કરે છે. એ તેલગુ ફિલ્મમાં અમિતાભ બચ્ચને પહેલીવાર એક પૂર્ણ લંબાઇની ભૂમિકા કરી છે. એવું લાગે છે કે આ ‘પાન ઇન્ડિયા’ ફિલ્મની ઇચ્છા હિન્દી અને દક્ષિણની ફિલ્મના સ્ટાર્સ અને નિર્માતા -દિગ્દર્શકોને એક કરશે. પાન ઇન્ડિયા ફિલ્મ બનાવવી હોય તો બહુ મોટું બજેટ જોઇએ. એ બજેટની રકમ વસુલવા આખા ભારતનો પ્રેક્ષક જોઇએ. ‘કલ્કી’ના નાગ અશ્વિને એટલે જ અમિતાભ બચ્ચને અશ્વત્થામાની મોટી ભૂમિકા આપી કારણ કે અમિતાભની ઓળખ આખા દેશમાં છે. મતલબ કે માત્ર પ્રભાસની પૅન ઇન્ડિયા ફિલ્મ ન બનાવી શકાય. નાગ અશ્વિને તો કમલ હાસનને પણ તેમાં ઉમેર્યો છે. સની દેઓલને દાદ દેવી જોઇએ કે તે આજે પણ મોટું સાહસ કરી શકે છે. શાહરૂખ ખાને સાઉથના દિગ્દર્શકને લઇને ફિલ્મ બનાવી અને સફળતા મેળવી પણ તે પાન ઇન્ડિયા સ્તરે નહોતી બની. શાહરૂખ લોકપ્રિય સ્ટાર જરૂર છે. પણ આખા ભારતમાં નથી. તેના અમેરિકા, યુરોપમાં વધારે પ્રેક્ષકો છે. સલમાન કે ઋતિક પણ ઓલ ઇન્ડિયા પ્રેક્ષક મેળવી શકે તેમ નથી. પૅન ઇન્ડિયા ફિલ્મ બનાવનારા અત્યારે પાન ઇન્ડિયા સ્ટાર્સની શોધમાં છે. પ્રભાસને તેઓ વારંવાર અજમાવે છે. કારણ કે ‘બાહુબલી’ની બંને ફિલ્મો દેશભરમાં જોવાયેલી પણ ત્યાર પછી પ્રભાસની કોઇ ફિલ્મ એ રીતે ચાલી નથી. આ લોકો સમજતા નથી કે ‘બાહુબલી’ની સફળતા રાજામૌલની હતી ‘કલકી’ ચાલશે તો પણ તે નાગ અશ્વિનની સફળતા હશે. સની દેઓલે ગોપીચંદ મલિનેનો આગ્રહ એટલે જ રાખ્યો છે. સાઉથના દિગ્દર્શકો હોલીવુડની સુપરહીરો ફિલ્મને અનુસરીને આગળ વધવા સક્ષમ છે. તેમની પાસે આ માટેની ટેકનિક પણ છે. ડિજીટલી ઘણું કામ કરનારા ટેકનિશ્યનો છે. મુંબઇના ફિલ્મોદ્યોગ પાસે અત્યારે પાન ઇન્ડિયા ફિલ્મ બનાવવાની ક્ષમતા નથી એટલે સાઉથના દિગ્દર્શકો મુંબઇમાં આવી રહ્યાં છે.
મતબલ કે હવે મોટા સ્તરે દક્ષિણના સ્ટાર મુંબઇમાં અને મુંબઇના સ્ટાર દક્ષિણમાં કાર કરતા હોય શકે છે. અમિતાભે શરૂઆત કરી આપી છે અને સની દેઓલે દક્ષિણની પ્રતિભાનો સ્વીકાર કર્યો છે. રાજકારમમાં મોદી ‘પાન ઇન્ડિયા’ પ્રભાવ ઇચ્છે છે તેમ હવે અનેક સ્ટાર્સ હિન્દી પ્રદેશની અને દક્ષિણના સ્ટાર દક્ષિણના ચાર રાજ્યોની સીમા તોડવા ઉત્સુક છે. આવનારા વર્ષોમાં ફિલ્મજગત ઘણુ બદલાશે. •

Most Popular

To Top