દુનિયામાં એવી કોઈ પરીક્ષા પદ્ધતિ નથી કે જે કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી આસામ સુધી ફેલાયેલા વિશાલ ભારતના દસ બાર કરોડ વિદ્યાર્થીઓના જ્ઞાન અને આવડતને એક જ ઝાટકે તપાસી તેમને ગુણવત્તાનો ક્રમ આપી શકે. મેરીટ એટલે કે ગુણવત્તા એ ઉત્તમ શબ્દ છે પણ એ માપવો ખૂબ અઘરો છે અને શિક્ષણ અને રોજગારીના બજારમાં તેનો દુરુપયોગ થઇ રહ્યો છે અને ઘણી વાર તો એ એક ચાલાકી માત્ર છે દેશના યુવાનોને ગેરમાર્ગે દોરવાની.
થોડાં વર્ષો પહેલાં બારમા સાયન્સની બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાના આધારે મેડીકલમાં પ્રવેશ અપાતો અને તે મુજબ મેડીકલમાં અભ્યાસ કરનારા લાખો ડોકટરો અત્યારે દેશમાં અત્યંત અનુભવી અને નામનાપ્રાપ્ત ડોકટર તરીકે સેવા આપી રહ્યા છે. ઘણા વિદેશોમાં પોતાનું નામ બનાવી ચૂક્યા છે. આપણે આ ડોકટરશ્રીઓને પદ્મશ્રી પદ્મભૂષણ જેવા સન્માન આપી ચૂક્યા છીએ અને તેમની ગુણવત્તામાં હવે તો અનુભવ પણ ઉમેરાઈ ગયો છે. કોઈ ગુજકેટ નહીં, કોઈ નીટ નહીં અને છતાં બધું નીટ એન્ડ ક્લીન શિક્ષણ વધ્યું, વસ્તી વધી અને મેડીકલમાં પ્રવેશની માંગ કરનારા વધ્યા અને જેટલા ભણવા માંગતા હતા તેટલાને ભણાવી શકાય એટલી વ્યવસ્થા ન હોવાથી “ચારણી”ની જરૂર ઊભી થઈ.
વળી મેડીકલના બજારમાં સ્પર્ધા થાય તો મોટો ધંધો તૂટી પડે એટલે આર્થિક રાજરમત ઉમેરાઈ. વર્ષો સુધી મેડીકલ કોલેજોમાં નવો વધારો જ ના થયો અને સાયન્સમાં ભણનારાની તુલનામાં મેડીકલની બેઠકો સતત ઘટવા લાગી. એમાં ૧૯૯૧ માં ખાનગીકરણ આવ્યું. ખાનગી મેડીકલ કોલેજો શરૂ થઇ અને હવે જ્ઞાનના બજારમાં વેપારીઓ પેઠા એટલે સરકારી ઓછી ફીવાળી મેડીકલ કોલેજોમાં પ્રવેશ ના મળે તે બધા આ સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં આવે તે વ્યવસ્થા ગોઠવવા જેવી લાગી. દેશમાં ટેકનોલોજી પણ આવી અને એમ સી કયું આધારિત પરીક્ષા પદ્ધતિ એ આપણી શિક્ષણ વ્યવસ્થા અને રોજગારી પૂરી પડનારી સંસ્થામાં ભરડો લીધો. શરૂઆતમાં આ સારું લાગ્યું, પણ ધીમે ધીમે લોકો આનો પણ રસ્તો કરવા લાગ્યા.
આપણી શિક્ષણવ્યવસ્થામાં વ્યક્તિ ઉંમરના પાંચમા વર્ષે ભણવાનું શરૂ કરે અને સાતત્યપૂર્ણ અભ્યાસ કરે તો વીસ વર્ષે ગ્રેજ્યુએટ થાય એમાં બે વર્ષ પોસ્ટ ગ્રેજ્યુએટનાં ઉમેરો તો બાવીસમા વર્ષે તે માસ્ટર ડીગ્રી પ્રાપ્ત કરે. હવે બાવીસ વર્ષની આ મહેનતના આધારે તેને નોકરી મળે, નહીં મળે તો માત્ર નોકરી મેળવવા માટેની પરીક્ષામાં બેસવાની મંજૂરી અને પછી એક દિવસની “એમ સીક્યું”- આધારિત પરીક્ષામાં તે પાસ થાય.ઉપરના ક્રમમાં આવે તો એને નોકરી મળે.લો બોલો, બાવીસ વર્ષના અભ્યાસ સામે એક દિવસની પરીક્ષાનો વિજય થાય, પછી છોકરા બાવીસ વર્ષ મહેનત શું કામ કરે.ગમે તેમ કરીને આવી ડીગ્રી ના મેળવી લે! પછી એક દિવસની પરીક્ષામાં જોયું જશે. એક જ પરીક્ષાથી જ્યારે નોકરી કે અગત્યના કોર્સમાં પ્રવેશ મળે ત્યારે સ્વાભાવિક રીતે જ એક પરીક્ષાને ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન થાય.
શિક્ષણની આ લેખમાળામાં આપણે અગાઉ લખી જ ગયા છીએ કે અન્ગ્રેજોને આપણી શિક્ષણ વ્યવસ્થા અને આપણા યુવાનોની ગુણવત્તા ઉપર વિશ્વાસ હતો નહીં એટલે પરદેશમાં અભ્યાસ માટે તેઓ જુદી પરીક્ષા લેતા, પણ આપણે તો આઝાદ થયા પછી પણ આપણી યુનિવર્સિટી કે બોર્ડ પર ભરોસો કરતા નથી અને પરીક્ષાઓ લીધે રાખીએ છીએ. ઉલટાનું વધારતા જઈએ છીએ. અત્યારે દેશમાં મેડીકલમાં પ્રવેશ માટેની નીટનું પેપર લીક થયું અને પરિણામમાં ગોટલા પકડાયા તે ચર્ચાનો વિષય છે, પણ ખરી ચર્ચા તો એ થવી જોઈએ કે નીટ જરૂર જ શું છે. શા માટે શિક્ષણ અને રોજગારીમાં આપણે આટલું કેન્દ્રીકરણ કરીએ છીએ?
ગુજરાતના વિદ્યાર્થીને ગુજરાતમાં પ્રવેશ આપો અને રોજગારી આપો. મહારાષ્ટ્રના વિદ્યાર્થીને મહારાષ્ટ્રમાં! સામાન્ય લોકો દુનિયાને ફૂટપટ્ટીથી માપે છે પણ ડાહ્યા લોકો સમયે સમયે આ ફૂટપટ્ટીને જ માપે છે. આપણે રોજગારી અને શિક્ષણમાં પ્રવેશમાં ગુણવત્તા માપવામાં જે ફૂટપટ્ટીઓ બનાવી છે તે જ હવે માપવાનો સમય આવી ગયો છે. ગયા વર્ષે ચારસોથી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે તેનું કારણ આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે. સામાન્ય કલાર્કથી માંડીને ડોકટર બનવા સુધીમાં જાત જાતની પરીક્ષાઓ લેવાય છે અને આ બધી જ પરીક્ષાઓ એવું સાબિત કરે છે કે આપણા સ્કુલ બોર્ડ અને યુનિવર્સિટી જે પરીક્ષા લે છે, ડીગ્રી આપે છે તે કાંઈ કામની નથી અને માટે આ સ્પર્ધાત્મક પરીક્ષાનું એક બજાર છે. કરોડોનો ધંધો છે.
દીકરો દીકરી અગિયારમામાં હોય ત્યારથી કોચિંગ ક્લાસમાં જવા માંડે છે અને સ્પર્ધામાં કોચિંગ ક્લાસવાળાથી માંડીને સત્તાવાળા સુધીનાં તમામ પેપર ફોડવા મેદાને પડે છે. આ બધું જ થાય છે કારણકે શિક્ષણ અને રોજગારીનું કેન્દ્રીકરણ થયેલું છે. કેન્દ્રીકરણ પોતે જ એક ભ્રષ્ટાચાર છે. માણસ ઈચ્છે જ છે કે આર્થિક સત્તા અને રાજકીય સત્તા બધું જ મારા કાબૂમાં હોય. આપણે માત્ર આ ઘટનાથી જાગ્યા છીએ. વિચાર તો આખી વ્યવસ્થાનો કરવાનો છે. માત્ર નીટનું પેપર ફૂટે તે જ ગંભીર કહેવાય, એલ આરડીનું ફૂટે, ટેટનું ફૂટે તો ગંભીર ના કહેવાય?
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.