ખાસ કરીને જોવામાં આવે છે કે, મહિલાઓ વધુ સુંદર દેખાવા માટે સમયાંતરે બ્યુટી પાર્લરની મુલાકાત લેતી હોય છે. જ્યારે આજનું ચિત્ર જોતાં લાગી રહ્યું છે કે સુંદરતાનો ઇજારો એકલી મહિલાઓએ જ નથી લીધો પણ હવે તો પુરુષો પણ પોતાના શરીર પ્રત્યે સજાગ બન્યા છે અને તેઓ પણ સમયાંતરે કે પ્રસંગોપાત હેરકટ ઉપરાંત અનેક હેર એન્ડ બ્યુટી ટ્રીટમેંટ કરાવે જ છે પણ હવે તો દિવાળીમાં બહારગામ જતી વખતે પણ ફેશ્યલ, વેકસિંગ વગેરે ટ્રીટમેંટ કરવવાનો ક્રેઝ વધી રહ્યાો છે અને જાણે કહી રહ્યા છે કે ‘હમ ભી કિસી સે કામ નહીં’ તો આવો જાણીએ કે પુરુષો પણ બહારગામ ફરવા જતી વખતે કે તહેવારોના દિજસોમાં એટ્રેક્ટિવ દેખાવા માટે કઈ કઈ ટ્રીટમેંટ કરાવે છે અને કેમ?
બિયર્ડની ફેશન વધી છે: અનુજ પચ્ચીગર
શહેરના સિટિલાઈટ રોડ ખાતે બ્યુટી સલૂન ધરાવતા અનુજભાઈ પચ્ચીગર જણાવે છે કે, આમ તો લોકો પ્રસંગોપાત ફેશ્યલ કે હેરકટ જેવી ટ્રીટમેંટ કરાવતા હતા પણ કોવિડ બાદ લોકોની પ્રાયોરિટી બદલાઈ છે અને તેઓ પોતાની બોડી મેઇનટેઇન માટે સજાગ બન્યા છે. આ ઉપરાંત મીડિયા પ્લેટફોર્મ વધ્યા એટ્લે પ્રોડક્ટનું પ્રમોશન વધ્યું અને ફેશનનો ટ્રેન્ડ ખબર પડી જેને કારણે પણ લોકોનો અવનવી ટ્રીટમેન્ટ માટે રસ વધ્યો. જ્યારે ફિલ્મ સ્ટારોને જોઈને બિયર્ડ્સ રાખવાની ફેશન પણ પૂર બહારમાં જોવા મળે છે જેથી તેને મેઇનટેઇન રાખવા માટે લોકો દર અઠવાડિયે સલૂનની મુલાકાત લેતા થયા છે. અત્યારની વાત કરું તો નવરાત્રીમાં ગરબા રમ્યા બાદ મોટાભાગમાં પુરુષો ફકત પેડિકયોર કરાવવા આવ્યા હતા. જયારે હાલમાં દિવાળીમાં બહાર ફરવા જતાં કસ્ટમર્સ અમારી પાસે હેર કલર, ફેશ્યલ, બોડી ટ્રીમીંગ, મેનીકયોર,પેડિકયોર જેવી ટ્રીટમેન્ટ કરાવે છે. જો કે જેઓ દરિયાકિનારે ફરવા જવાના હોય તેઓ વેકસિંગ પણ ખાસ કરાવતા થયા છે. આ ટ્રેન્ડ વધવા પાછળ અનુજભાઈ કહે છે કે, આજે લોકો સોશ્યલ મીડિયા પર વધારે એક્ટિવ થયા છે અને એમાં લાઈક્સ, કોમેંટ્સ પર પણ ધ્યાન આપતા થયા છે જેથી પર્સનાલિટી સારી લાગે એના માટે પણ આ બધુ રેગ્યુલર કરાવતા થયા છે.
સોસાયટીમાં ડિફ્રંટ દેખાવું ગમે છે: અક્ષય ગાયવાલા
શહેરના VIP રોડ પર રહેતા અક્ષય ગાયવાલા બિઝનેસમેન છે અને એમને ડિફ્રંટ લુક વધુ ગમે છે. આ અંગે અક્ષય કહે છે કે, ખાસ કરીને લોકોમાં એટ્રેક્ષન બનાવવાનું મને ગમે છે અને જેમાં ખાસ કરીને હું મારા હેર પર વધારે ધ્યાન આપું છુ, કારણ કે, બ્લેક હેર તો કોમન હોય છે પણ સોસાયટીમાં લોકોથી અલગ દેખાવા માટે હું હેર કલર થતાં હાઇલાઇટ જેવી ટ્રીટમેંટ રેગ્યુલર કરાવું છુ જ્યારે હાલમાં દિવાળી માટે મે ફેશ્યલ અને ગ્લોબલ હેરકલર કરાવ્યા છે અને બહાર જવા માટે શોટ્ર્સ પણ પહેરવા હોય જેથી હું વેક્સ કે મેનીકયોર પેડિકયોર પણ કરાવી જ લઉં છુ.
હું આઈબ્રો પણ કરાવું છું અને હેરસ્પા પણ: ભાવિક કાપડી
રૂસ્તમપુરા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય ભાવિકભાઈ કાપડી વ્યવસાયે ફેશન ડીઝાઇનર છે. તેમણે જણાવ્યું કે હું આઈબ્રો પણ કરાવું છું અને હેરસ્પા પણ કરાવું છું. હું માનું છું કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇસ લાસ્ટ ઇમ્પ્રેશન. અને મને અપટૂડેટ રહેવું ગમે છે. હું નિયમિત મેન્સ સલૂનમાં જાઉં છું અને ફેશ્યલ તથા બ્લીચ કરાવું છું. એનાથી ફેસ ગ્લો કરે છે અને ફેર પણ દેખાય છે. મેં અત્યાર સુધીમાં 15થી 20 વખત બ્લીચ અને ફેશ્યલ કરાવ્યું છે. દિવાળીના તહેવારમાં અને મેરેજના ફંકશનમાં જવાનું હોય ત્યારે હું આઈબ્રો પણ કરાવું છું અને હેરસ્પા પણ કરાવું છું. આ વખતે અમે દિવાળીમાં ગોવા ફરવા જવાના હોવાથી મે ફેશ્યલ, બ્લીચીંગ કરાવ્યું છે. છેલ્લા ત્રણ ચાર વર્ષથી હું બહાર ફરવા જતી વખતે આ બધી ટ્રીટમેન્ટ કરાવું છું. મેં અત્યાર સુધીમાં બે થી ત્રણ વખત આઈબ્રો કરાવી છે. જ્યારે મારો ફેસ ગ્લો કરતો હોય કે ફેર દેખાતો હોય ત્યારે મારા મિત્રો સામેથી જ કહેતા હોય છે કે શું વાત છે આજે તો તું એકદમ હેન્ડસમ દેખાય છે. હેરસ્પા કરવાથી મારા હેરમાં સ્મૂથનેસ આવે છે અને સિલ્કી દેખાય છે. હું છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી મારા ફેસને લઈને વધુ સજાગ થયો છું.
હું વાળમાં હાઇલાઇટ કરાવું છું: અમિતભાઇ બારડોલીયા
સગરામપુરા વિસ્તારમાં રહેતા 39 વર્ષીય અમિતભાઇ બારડોલીયા જરીના ધંધા સાથે સંકળાયેલા છે. તેમણે જણાવ્યું કે હું જ્યારે પણ સલૂનમાં સેવિંગ અને હેરકટ કરાવવા માટે જાઉં છું ત્યારે અચૂક બ્લીચ કરાવું છું અને કોઈ ફંકશન હોય કે પછી ફેસ્ટિવલ હોય ત્યારે ફેશ્યલ પણ કરાવું છું. સલૂનવાળા મને આઈબ્રો માટે સજેસ્ટ કરે ત્યારે આઈબ્રો પણ કરાવું છું. હાલમાં અમે દિવાળીની રજા દરમ્યાન પંચગીની ફરવા જવાના હોવાથી મે ફેશ્યલ, બ્લીચીંગ, હેર કલર કરાવ્યા છે. આ ઉપરાંત હેરસ્પા તો કરાવું છું જ એ સાથે વાળમાં લાઈટ બ્રાઉન કલરની હાઈ લાઈટ કરાવું છું કે પછી કોપર ટાઈપ હાઇલાઇટ કરાવું છું અને ફેસીયલથી ફેસની ડલનેશ ટ્રીટમેન્ટ કરાવવાથી લોકોને ખૂબ એપ્રિસિએશન મળે છે અને લોકો નોટીસ કરે છે, એટલે આ ટ્રેન્ડ ચાલુ કર્યું.
3-4 વર્ષથી વધ્યો ટ્રેન્ડ : ભાવિનભાઇ ભાવસાર
શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં સલૂન ધરાવતા ભવિનભાઇ ભાવસાર કહે છે કે, આજકાલ દરેકને સ્માર્ટ દેખાવાનો ક્રેઝ છે અને જ્યારથી લોકો સોશ્યલ મીડિયા પર વધુ એક્ટિવ થયા છે ત્યારથી પોતાના લુક માટે કોન્શ્યસ થયા છે.કારણ કે કેટલાક લોકોને આપણે ફક્ત સોશ્યલ મીડિયાના સ્ટેટસના મધ્યમથી જ ઓળખતા હોઈએ છીએ જેથી એની એ ઓળખ મેઇનટેન કરવા માટે પણ ઘણા કસ્ટમર્સ રેગ્યુલર હેરકટ, હેરકલર કે ફેશિયલ કરાવે છે પણ ખાસ કરીને દિવાળીમાં બહાર ફરવા જઇ રહ્યા હોય ત્યારે પણ બોડી પોલીશિંગ, મેનીકયોર, પેડિકયોર ઉપરાંત બિયર્ડનો ટ્રેન્ડ ખાસ જોવા મળે છે. અને એવું નથી કે આ બધુ કોઈ એક ચોક્કસ વર્ગ જ કરાવતો હોય, અમારી પાસે દરેક વર્ગના લોકો આવતા હોવાથી અમે બજેટ મુજબ પેકેજ નક્કી કરી રાખ્યા છે જેથી તમામ કસ્ટમર્સ પોતાની જરૂરત અને બજેટ અનુસાર પોતાની ટ્રીટમેંટ કરાવે છે. આ પૈકી અમારા જે કસ્ટમરના હેર લાંબા હોય તેઓ કેરાટીન ટ્રીટમેંટ પણ લે છે. જ્યારે આજે તો હવે મેરેજ દરમિયાન ફૂલ બોડી પોલીિશંગ સાથે જ ફૂલ બોડી વેક્સનો ક્રેઝ પણ ખાસ્સો જોવા મળે છે.