Columns

પૈસાદાર થવા કરતાં પ્રામાણિક બનો

એક પ્રખ્યાત કંપની હતી. તેની સફળતાનો મૂળ આધાર તેના એન્જિનિયરોની ટીમના મુખ્ય એન્જિનિયરની હોશિયારી પર હતો. મુખ્ય એન્જિનિયર સાહેબ ખૂબ જ હોશિયાર હતા. એક દિવસ સાંજે હરીફ કંપનીનો મેનેજર તેમને ખાસ રસ્તામાં મળ્યો અને મુખ્ય એન્જિનિયરને આંતરીને કહેવા લાગ્યો, ‘‘એન્જિનિયર સાહેબ, મારી પાસે એક એવી ઓફર છે જે તમારા ફાયદામાં છે. તમે ૨૫ વર્ષમાં જેટલી પ્રગતિ નહીં કરી શકો તેટલી એક જ વર્ષમાં કરી લેશો.’’

 એન્જિનિયર સાહેબ બોલ્યા, ‘‘ભાઈ, એવી તે કેવી ઓફર તમે કંપની માટે લઈને આવ્યા છો.’’હરીફ કંપનીનો મેનેજર બોલ્યો, ‘‘સાહેબ, તમે સમજ્યા નહીં, મારી પાસે ખાસ તમારા માટે ઓફર છે. તમારી કંપની માટે નહીં. અમારી કંપની તમને અત્યારે જે પગાર મળે છે તેના કરતાં ૧૦ ગણો પગાર આપવા અને મુખ્ય એન્જિનિયરની પદવી સાથે ડાયરેક્ટર પદ આપવા પણ તૈયાર છે. જો તમે તમારી આખી ટીમને તમારી સાથે લઈ આવશો તો તેના ઇનામરૂપે માંગો તેટલા લાખો રૂપિયા આપવા પણ કંપની તૈયાર છે. અમારી આ ઓફર સ્વીકારી લો. તમે લાખોમાં રમતાં થઈ જશે જશો.’’ એન્જિનિયર સાહેબ બોલ્યા, ‘‘પણ આટલા બધા પૈસા પગાર મને આપવાનું કારણ શું?’’હરીફ કંપનીનો મેનેજર બોલ્યો, ‘‘આપની હોશિયારીનો લાભ અમારી કંપનીને મળે અને તમે અત્યારે કામ કરો છો તે કંપનીની સફળતામાં પાયામાં તમે છો તેથી જો તમે તે કંપની છોડો તો તે કંપની બંધ થઈ જાય તે માટે.’’

એન્જિનિયર સાહેબ બોલ્યા, ‘‘પરંતુ ભાઈ, મને તમારી ઓફર મંજૂર નથી. મારા શેઠે મને તૈયાર કર્યો છે. હું તો એક બિનઅનુભવી યુવક હતો ત્યારે તેમણે મને પહેલી તક આપી હતી. હું તેમને નહિ છોડું.’’મેનેજરે કહ્યું, ‘‘તમને આટલા બધા પૈસા વધારે મળે છે તેનો તો વિચાર કરો. આટલા બધા પૈસા તમે જીવનભર કામ કરી નહીં કમાઈ શકો. જો અમારી ઓફર સ્વીકારી લેશો તો સફળ અને પૈસાદાર વ્યક્તિમાં તમારી ગણના થશે.’’

એન્જિનિયર સાહેબ બોલ્યા, ‘‘મારા શેઠના મારી પર ઘણા ઉપકાર છે.’’ મેનેજર બોલ્યો, ‘‘તમારા શેઠને હમણાં કંઈ ખબર પડવા નહીં દઈએ. જોઈએ તો હજુ ઓફર વધારું.’’એન્જિનિયર બોલ્યા, ‘‘ના ભાઈ ના, તમે ગમે તેટલી ઓફર વધારો મારી ના જ છે.મારા શેઠનું ઘણું ઋણ છે. મારી ઉપર હું પૈસાદાર થવા કરતાં પ્રામાણિક થવાનું વધુ પસંદ કરીશ.’’ નક્કર અને મક્કમ મન સાથે જીવનને સત્યની ભૂમિ પર ટટ્ટાર ખડું રાખનારા માણસ આ ધરતી પર ઓછા હોય છે.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top