ઉત્તર પ્રદેશના બીજનોરમાં એક વોટ્સએપ ગ્રુપ કે જેમાં અસંખ્ય સભ્ય હતા; આ ગ્રુપમાં પી.ડી.એફ રૂપે એક આકર્ષક આમંત્રણ પત્રિકા આવી. આતુરતા વશ સો જેટલા મેમ્બરે આ પી.ડી.એફ.ને ઓપન કરી દીધી. જે ખૂલતાની સાથે જ તેઓના મોબાઇલ હેન્ગ થઈ ગયા. મતલબ મોબાઇલમાં સેવ કરેલી ગુપ્ત માહિતીઓ, ખાતા નંબર વિગેરેની ચોરી થઈ ગઈ. અને જિંદગીભરની કમાણી ગાયબ… વળી આવા ડિજિટલ ચોર જલ્દી પકડમાં આવતા નથી. જેના માટે મીડિયા દ્વારા તથા પોલીસ પ્રશાસન દ્વારા વારંવાર ચેતવણી આપવામાં આવે છે કે ‘આવા અજાણ્યા મેસેજથી સાવધાન’ જેના માટે શું તકેદારી રાખવી તે પણ વારંવાર સમજાવવામાં આવે છે, છતાં આંગળીઓ ભૂલ કરી બેસે છે.
સાવધાની રૂપે પ્રથમ તો એ મોબાઈલ નંબર આપણે સેવ ન કર્યો હોય અથવા એનું નામ અજાણ્યું હોય, પરિચિત ન હોય એવી વ્યક્તિનાં મેસેજને છેડછાડ કર્યા વગર સીધા ડીલીટ કરવા જોઈએ. અજાણી વ્યક્તિના ફોન આવે તો એની સાથે લાંબી વાત કરવી જોઈએ નહીં, એ લોકો એટલા માહિર હોય છે કે વાતો દ્વારા વ્યક્તિને વિશ્વાસમાં લઈ લે છે અને પછી એનું પરિણામ ભયંકર આવે છે. માટે આવા અજાણ્યા ફોન કે મેસેજથી સાવધાન રહેવું જોઈએ.
સુરત – રેખા એમ પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.