સુરત શહેરમાં તાજેતરમાં હૃદયને ધ્રુજાવી નાંખે એવી દિલધડક ઘટના બની ગઇ. ગ્રીષ્મા વેકરિયા આપણા સુરત શહેરની દીકરી-બધાંની દીકરી. 12મી ફેબ્રુઆરીએ એકતરફી પ્રેમમાં પાગલ યુવાન ફેનિલે ધોળે દિવસે યુવતીનું તેનાં સગાંઓની હાજરીમાં ગળું કાપીને હત્યા કરી નાંખી. પ્રેમનું આ કેવું વરવું સ્વરૂપ… જોઇને બધાં સ્તબ્ધ થઇ ગયા છે. સાથે વાલીઓ ચિંતિત છે ખાસ કરીને યુવાન દીકરીનાં માતાપિતા છે તેઓની ઊંઘ હરામ થઇ ગઇ છે. આ ઘટના એટલી બધી આઘાતજનક છે કે બધાંની હાજરીમાં વીડિયો સૂટ કરી રહેલા માણસોને ગ્રીષ્માના સગાંઓની ચીસો, બૂમો કશાથી કોઇ ફેર ન પડતાં ફેનિલ ગોયાણી જેણે ગ્રીષ્માનું ગળું કાપી હત્યા કરી દીધી. પ્રેમનું આવું ઝનૂન… ઉત્તેજનાથી આક્રમકતા…! વિકૃતિથી ભરેલું માનસ- મા-બાપના ઉછેર જેવી બાબતો પર ચર્ચા થઇ રહી છે! જો સંતાનોને સલામત રાખવા હોય તો તમારે વાલીઓએ વાત કરવી પડશે- એને સમય આપવો પડશે- તેમના મિત્ર બનવું પડશે, ફેનિલ જેવા યુવાનો પાકશે તો સમાજમાં શું થશે?
ગ્રીષ્મા જેવી બાહોશ દીકરી શા માટે બોલ્ડ ન બની શકી? એના પિતા કહે છે ‘મારી દીકરીને PSI બનવું હતું, તે કરાટે પણ શીખેલી હતી. એણે સ્વબચાવ કેમ ન કર્યો? એનું મને સૌથી વધુ દુ:ખ છે. મારી દીકરીને ફેનિલ હેરાન-પરેશાન કરતો હતો તેની વાત માતાને પણ જણાવી હતી પણ પોલીસ કેસ કરવાથી મારા બાપની ઇજ્જત જશે તે ડરે મને પણ કશું કહી શકી નહિ.’ બીજો એક ડર મારા લગ્ન થશે ત્યારે લોકો મારી ખરાબ વાતો કરશે એવો પણ ડર…! તો આ ડર વસ્તુ ખૂબ જ ખતરનાક છે. ભયને ભગાડી સ્વસુરક્ષા માટે બધાંએ સતર્ક રહેવાની જરૂર છે. આ ઘટના બધાંને એક વાત સુપેરે સમજાવી ગઇ. બોલ્ડ બનો અને વાતાવરણને પણ બોલ્ડ બનાવો. બોલ્ડ હોવું એ કોઇ દાદાગીરી કે રોફ જમાવવાની વાત નથી. પોતાના હક માટે લડવું, મુસીબત અથવા ખરાબ સમયમાં ગભરાયા વિના વિષમ પરિસ્થિતિનો પોતાની સમજદારી અને સૂઝબૂઝના આધારે સામનો કરવાની અને તેના ઉપર કાબૂ મેળવવાની વાત છે. બીજા શબ્દોમાં બોલ્ડનેસ એ તો એક પ્રકારની સ્માર્ટનેસ છે કે જેમાં પેનિક થયા વિના, ઉશ્કેરાયા વિના પૂરેપૂરા આત્મવિશ્વાસથી હેન્ડલ કરવાની વાત છે.
ગર્લફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડ સાથે બ્રેક-અપ થયા બાદ મોટા ભાગે યુવાનોની દુનિયા જ બદલાઇ જાય છે. રોમા અને રોનકની પણ આ દશા થઇ. બ્રેક અપ થયું. તેઓ બંને તનાવ અને ટેન્શન અનુભવવા લાગ્યાં. સૌથી અળગા રહેવા લાગ્યાં- હાસ્ય ઊડી ગયું- બધાં એને બિચારા માની તેમના તરફ દયાભાવથી જોવા લાગ્યા. બંનેએ વિચાર કર્યો આપણે બિચારા બનવું નથી. આ બ્રેકઅપને એમણે બોલ્ડલી હેન્ડલ કર્યો. આ કોઇ જીવનનો અંત નથી પરંતુ તેને જીવનની એક નવી શુભ શરૂઆત તરીકે ધ્યાનમાં લીધી- તેઓ નવી ફ્રેન્ડશીપ જે રીતે સેલિબ્રેટ કરી હતી તેવી રીતે બ્રેકઅપને પણ સેલિબ્રેટ કરીને જ અલગ થયાં. બ્રેક અપ પછી પણ એકબીજાના દુશ્મન નહીં દોસ્ત તરીકે વર્તન કરતાં.
એવામાં એક દિવસ રોનકના જીવનમાં કોઇ બીજી ગર્લફ્રેન્ડ આવી તો રોમાએ ખુશીથી એને અભિનંદન આપ્યા. આમ બ્રેક અપનો બળાપો ન કરતાં ખુશ રહેવાથી એમના સર્કલના લોકોને પણ થશે કે આ કોઇ મોટી દુર્ઘટના નથી, દુ:ખદ ઘટના નથી કે ભૂલી ન શકાય…! તમે ભૂલીને, તેનો સ્વીકાર કરીને સારા પાત્ર જોડે બોલ્ડલી આગળ વધી શકો છો. જીવનમાં કાયમ બધું જ આપણી ધારણા પ્રમાણેનું અનુકૂળ જ બને, પોઝિટિવ જ બને અને એ જ પ્રમાણે ચાલ્યા કરે એવું શકય નથી. કયારેક કયારેક તો આપણે ધારેલ પણ ના હોય તેવી વિપરીત પરિસ્થિતિઓનો બોલ્ડલી સામનો કરવો પડે છે તેમ કરવાથી આપણો કોન્ફિડન્સ- આત્મવિશ્વાસ બુસ્ટ થાય છે.
રોજ સવારે છાપું ખોલો અથવા ટી.વી. પર સમાચાર જુઓ તો કયાંક ને કયાંક કોઇ મહિલા સાથે બળાત્કાર થવાના કે છેડતીના સમાચાર જોવા મળશે. અત્યારના સંજોગો જોતાં સ્પષ્ટ જણાય છે કે સ્ત્રીઓ કયારેય કયાંય પણ સુરક્ષિત નથી. સ્ત્રીઓ માટે ચિંતાનો વિષય છે તો બહેનો સ્વસુરક્ષા માટે સતર્ક રહો-બોલ્ડ બની સામનો કરો. આજે શિક્ષણ ખૂબ વધ્યું છે. ઉચ્ચ અભ્યાસઅર્થે દીકરા-દીકરીઓને દૂર દૂર ડોનેશન ભરી મોકલવા પડે છે. નિધિને પણ એનાં માબાપે દિલ પર પથ્થર મૂકી બેંગ્લોર પાસે ભણવા મૂકી.
છાપામાં આવતા સમાચારો મા-બાપ વાંચે અને દીકરીની ચિંતા કોરી ખાય. તરત જ ફોન કરે, બેટા, તું મજામાં છે ને? અને સલાહની ભરમાર ચાલે. દીકરી નિધિએ મમ્મી, પપ્પાને ધરપત બંધાવતા કહ્યું- ‘મમ્મી, અમારી હોસ્ટેલના રેકટર એટલા સારા છે કે અમને માની જેમ પ્રેમ આપે છે અને સાથે સાથે દરરોજ સ્વસુરક્ષાના પાઠ શીખવે છે. તેઓ વારંવાર એક વાત કરે છે કે કોઇ પણ પરિસ્થિતિમાં જો કોઇ તમને સાથ આપી શકે એમ હોય તો તે માત્ર તમારાં સાહસ અને સતર્કતા- બીજા પર આધાર કે આશા રાખવાને બદલે દરેક મહિલા કાયમ સચેત રહે, જોખમ પ્રત્યે સજાગ રહે અને સામનો કરવા માનસિક તથા શારીરિક રીતે બોલ્ડ રહે. એમણે અમને શરીરથી, મનથી મજબૂત બનાવવા કરાટે અને ફૂંગફૂ જેવી માર્શલ આર્ટ શીખવવા તાલીમી શિક્ષકો રાખ્યા છે.
મમ્મી! હવે તારી નિધિ રોતલ પિયુ રહી નથી. હવે તે ખૂબ મજબૂત બની ગઇ છે. મમ્મી! એક દિવસ હું અને મારી સખી દિશિ એક પ્રોજેકટના કામમાં એવા રોકાઇ ગયાં તો રાત પડી ગઇ. કોલેજથી હોસ્ટેલનો રસ્તો થોડો સૂમસામ હતો. રિક્ષા મળી નહિ તો અમે ચાલવા લાગ્યાં. એવામાં બે રોમિયા સામે આવી ઊભા રહ્યા, દિશિનો મોબાઇલ ઝૂંટવવા એ પ્રયાસ કરતો હતો તે તકનો લાભ લઇ મેં મારા દફતરથી એને માથાના પાછળના ભાગમાં વાર કર્યો અને અમારા રેકટરે બધાંને મરચાનું સ્પ્રે દફતરમાં રાખવા આપ્યું હતું તે કાઢી બરાબર આંખ પર છાંટયું. ગોઠણ અને છાતી વચ્ચે દિશિએ પણ કરાટે સ્ટાઇલથી વાર કર્યા, બૂમો પાડી આક્રમક વલણ અપનાવ્યું પરિણામે હુમલાખોર ભાગ્યા. મમ્મી! આ વાત એટલા માટે જણાવ છું કે તને મારી ચિંતા ન થાય. સ્ત્રીઓએ પોતે જ પોતાની સુરક્ષા કરવી રહી. ભણતરની સાથે આવા સુરક્ષાના પાઠ શીખી હું માત્ર પોતાની જ નહીં, બીજી એકલી રહેતી કે જતીઆવતી સ્ત્રીઓ માટે પણ મદદરૂપ થાઉં એવી સક્ષમ- બોલ્ડ બની ગઇ છું.’’
તો વાચકમિત્રો! તેમાં ખાસ મારી વહાલી દીકરીઓ…! જો ડર્યા તો મર્યા- નિધિ અને દિશિની જેમ બોલ્ડ બનો. દુર્ઘટના કે અપરાધ ગમે ત્યારે બની શકે છે ત્યારે તમને સાથ આપનાર છે માત્ર તમારા સાહસ-હિંમત અને સતર્કતા. સતત ભયના ઓથારમાં થોડું જીવાય? સામનો કરવો પડે. કોલેજ હોય, બસ હોય કે પછી માર્કેટ હોય દરેક જગ્યાએ કેટલાક લોકો એવા મળી જાય છે કે જે અશ્લીલ કોમેન્ટસ કરે છે. મજાક-મશ્કરી કરવાનું ચૂકતા નથી અને સ્ત્રી એનાથી ડરીને રસ્તો બદલી નાખે છે. આથી જો તમારી સાથે પણ આવી ઘટના બને તો ગભરાશો નહિ, પરંતુ પૂરેપૂરી હિંમતથી તેનો મુકાબલો કરો. તેમની વાતોનો જડબાંતોડ જવાબ આપો. શકય હોય તો આસપાસના લોકોને ભેગા કરી તેમના વર્તન વિશે જણાવો- પોલીસને પણ આ બાબતની જાણ કરો. આથી આવા લોકોથી ડરવાની જરૂર નથી. તમે રસ્તો બદલી નાખો એ આ સમસ્યાનો ઉકેલ નથી પણ ફરિયાદ કરીને તમે તેનો જડમૂળથી નાશ કરી શકો છો. માતા-પિતા પણ ખાસ સમજે બાળકોને કવોલિટી ટાઇમ આપો. સંસ્કારોનું સંવર્ધન કરો. જેથી આવી કલંકરૂપ ઘટનાઓ ન બને…!
સુવર્ણરજ
જીવનના કેટલાક પાઠ ભણી શકાતા નથી, તેને જાતે જ શીખવા પડે છે.