૨૧ મી જૂન આવે એટલે યોગ-પ્રાણાયામ યાદ આવે. યોગ નિયમિત ન થઈ શકે તો ક્યારેક કરી લેવા જોઈએ ફાયદા તો છે જ. અનેક લોકો કોઈપણ પ્રકારના કોલાહલ કે ખોટી હોંશિયારી માર્યા વિના યોગને ખરા અર્થમાં પચવતા હોય છે. પણ યોગ કરીને જે લોકો પોતાનું ‘અહંકારાશન’ બતાવતા હોય એવા યોગમિત્રોને વિશ્વ યોગ દિવસ નિમિત્તે કહેવું છે કે વિશ્વ યોગ દિવસે ઊંડો શ્વાસ જરૂર લેજો શરીર સુધરશે પણ તમારા વર્તનથી કોઈનો શ્વાસ રૂંધાઇ એવું ક્યારેય ન કરતા નહિ. યોગથી તનમનમાં સ્ફૂર્તિ જરૂર રહેશે પણ એ સ્ફૂર્તિ રસ્તે કણસતા કોઈ અકસ્માતગ્રસ્તને સારવાર માટે કામ ન આવે તો એવો યોગ તમારો ફોગટ છે. યોગ કરતી વેળા શ્વાસ અંદર બહાર લઈ લેજો પણ નોકરી સ્થળે વ્હાલાને અંદર અને દવલાને બહાર કાઢવાની મેલી રમી કોઈને દુઃખી ન કરતા નહિ. એવા યોગનો શું ફાયદો જે હાથ તમારા કાન સુધી તો પહોંચે છે પણ પડોશીની સહાય સુધી ન પહોંચી શકે. યોગ એ માત્ર પગ વાળવાનો ખેલ નથી પણ મન અને માનવતા વાળવાનો માર્ગ પણ છે. અંતે એટલું જ કહું કે યોગી બનો વાંધો નહિ પણ ઉપયોગી પણ થજો! કેમ કે માત્ર યોગની તમારુ આરોગ્ય સુધારશે પણ અમૂલ્ય માનવ જન્મ મળ્યો છે તો ભવ સુધારવા માત્ર યોગ કામ નહીં આવે. યોગ સાથે જરૂર પડશે સત્ય, પ્રેમ, કરુણા સાથેનું મદદરૂપ થયેલું પ્રેમમય સહજીવન.
કીમ – દત્તરાજસિંહ ઠાકોર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.