Comments

પ્રોબ્લેમ નહીં સોલ્યુશન બનો

સ્કૂલમાં એક દિવસ ક્લાસમાં બે જણ વચ્ચે ઝઘડો થયો અને ઝઘડો એટલો વધી ગયો કે આખો ક્લાસ બે ગ્રુપમાં વહેંચાઈ ગયો અને બધા ઝઘડો કરવા લાગ્યા. બે ત્રણ ડાહી છોકરીઓ ટીચર પાસે દોડી ગઈ અને ટીચરને બોલાવી આવી કે ‘બધા ક્લાસમાં ઝઘડા કરી રહ્યા છે, જલ્દી આવો.’ ટીચર આવ્યા. ટીચરને જોઈને ઝઘડતા બધા જ લોકો અચાનક ચૂપ તો થઈ ગયા. પણ જેવું ટીચરે પૂછ્યું, ‘આ શું માંડ્યું છે? શું થયું છે? કેમ ઝઘડા કરી રહ્યા છો?’ ટીચરનું આટલું પૂછતા જ વળી પાછા બંને ગ્રુપમાંથી બૂમા-બૂમ, ચીસા-ચીસ થવા લાગી કે આણે મારી પેન ચોરી લીધી કે પેલાએ મારું દફતર પાડી નાખ્યું કે ફલાણાએ મને માર્યું અને આવા કેટલાય ઝઘડા શરૂ થઈ ગયા. ટીચરે બધાને ચૂપ કરવા કહ્યું, ‘ચૂપચાપ બેસી જાઓ બધા…’

બધા ચુપ થઈ ગયા પછી ટીચર બોલ્યા,‘આ શું લગાડ્યું છે? જીવનમાં તમે જ્યાં જશો ત્યાં શું ઝઘડા કરશો અને ઝઘડા કરવાથી શું તમને જે જોઈતું હશે તે મળી જશે? એકબીજા ઉપર આરોપો કરવાથી શું તમે આગળ વધી જશો? અને અત્યારે તો તમે તમારી સાથે જ ભણતા તમારા જ દોસ્તો સાથે ઝઘડી રહ્યા છો તો બહારની દુનિયામાં નીકળીને શું કરશો?’

 ટીચરની વાત સાંભળીને બધા નીચે જોઈ ગયા. ટીચર બોલ્યા, ‘હવે મારે કોણે શું કર્યું? કોણે ઝઘડો કર્યો કે કોની ભૂલ હતી પણ હા, મારે તમને એક વાત સમજાવવી ચોક્કસ છે કે, જીવનમાં આગળ જતા ક્યારેય પણ કોઈ પણ તકલીફ આવે કોઈ ઝઘડો થાય કે કોઈ મુશ્કેલી આવે કે ક્યારેક કોઈ કારણસર વચ્ચે બે વિભાગ પડી જાય તો તમે ઝઘડાને વધારતા નહીં, પ્રોબ્લેમ્સને વધારતા નહીં અને પ્રોબ્લેમ નહીં પણ સોલ્યુશનનો ભાગ બનજો. શું શું પ્રોબ્લેમ છે તે જણાવતા નહીં, પણ જે જે પ્રોબ્લેમ છે તે દૂર કઈ રીતે થઈ શકે તે બધાને જ શીખવાડજો.

અહીં પેન કોઈની ચોરાઈ ગઈ છે તો બધાને હું આજે મારી પાસેથી એક એક પેન આપીશ, બીજું દફતર કોઈનું કોઈએ ફાડી નાખ્યું છે તો બધા જ એકબીજાના પોતાના પાર્ટનરના દફતર બરાબર ગોઠવીને મુકશે. ત્રીજું હવે પછી જો ક્લાસમાં ઝઘડા થશે તો આખા ક્લાસને તેની સજા ભોગવવાની આવશે એટલે જે લોકો ઝઘડા કરે છે, જે ઝઘડામાં ઘી હોમે છે કે, જે ઝઘડા દૂરથી ઊભા રહીને જુએ છે એ બધા પણ આ પ્રોબ્લમનો જ ભાગ ગણાશે, એટલે ઝઘડાને વધારતા નહીં. સાથે મળીને પ્રોબ્લેમ ઉભો ન કરતા સાથે મળીને સોલ્યુશન ગોતજો.’ ટીચરે સાચી સલાહ આપી.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top