Sports

IPLના રોબોટ ‘ચંપક’ના લીધે BCCIની મુશ્કેલી વધી, દિલ્હી હાઈકોર્ટે નોટીસ ફટકારી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) હવે તેના સૌથી રોમાંચક તબક્કામાં છે. બધી ટીમો પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે સખત મહેનત કરી રહી છે. આ સિઝનમાં ઘણા ખેલાડીઓએ પોતાના પ્રદર્શનના આધારે પોતાની ઓળખ બનાવી છે. પરંતુ આ સમય દરમિયાન AI રોબોટ કૂતરો ‘ચંપક’ પણ ચર્ચામાં રહ્યો છે. ટોસના સમયથી લઈને મેચની દરેક રોમાંચક ક્ષણ સુધી ચંપક પોતાના કરતબ બતાવતો જોવા મળ્યો પરંતુ હવે BCCI આ રોબોટનું નામ ચંપક રાખવા બદલ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે.

વાસ્તવમાં દિલ્હી હાઈકોર્ટે આ રોબોટનું નામ ચંપક રાખવા અંગે બીસીસીઆઈને નોટિસ ફટકારી છે . બાળકોના મેગેઝિન ‘ચંપક’ એ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે AI રોબોટનું નામ ચંપક રાખવું ટ્રેડમાર્ક ઉલ્લંઘન છે. ચંપક મેગેઝિન કેસમાં દિલ્હી હાઈકોર્ટે બીસીસીઆઈને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો છે.

દિલ્હી હાઈકોર્ટે બીસીસીઆઈને ચાર અઠવાડિયામાં જવાબ દાખલ કરવા જણાવ્યું છે. કેસની આગામી સુનાવણી 9 જુલાઈના રોજ નક્કી કરવામાં આવી છે. અહેવાલો અનુસાર આ રોબોટનું નામ ચાહકોના મતદાન દ્વારા ચંપક રાખવામાં આવ્યું છે.

IPL મેચ દરમિયાન ચાહકો પાસેથી આ રોબોટનું નામકરણ કરવા અંગે તેમનો અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. જે પછી મોટાભાગના પ્રેક્ષકોએ ચંપક નામને મંજૂરી આપી. ત્યારથી તેનું નામ ચંપક પડ્યું. ટોસ દરમિયાન ચંપક જોઈ શકાય છે. જ્યારે બંને ટીમો મેદાનમાં પ્રવેશે છે ત્યારે પણ ચંપક તેમની સાથે જોવા મળે છે.

એટલું જ નહીં, ઘણા ખેલાડીઓના ચંપક સાથે મસ્તી કરતા વીડિયો પણ વાયરલ થયા છે. ધોનીનો વિડીયો ત્યારે ખૂબ જ લોકપ્રિય થયો જ્યારે તેણે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂક્યો.

એટલું જ નહીં સુનીલ ગાવસ્કરનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે ચંપક સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો.

Most Popular

To Top