ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 2026 ની આવૃત્તિ શનિવાર (28 માર્ચ) થી શરૂ થવાની છે. જોકે ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ વખતે ટુર્નામેન્ટમાં ઓપનિંગ સેરેમની નહીં હોય. સમારોહ રદ કરવાનો નિર્ણય એક મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે.
નોંધનીય છે કે 19મી IPL સીઝનની પહેલી મેચ 28 માર્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે યોજાવાની છે, જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે ટક્કર થશે. જોકે આ પ્રસંગે ઓપનિંગ સેરેમની પરંપરાગત ધામધૂમથી યોજાશે નહીં. આ નિર્ણય પાછળનું કારણ 4 જૂન, 2025 ના રોજ આ જ સ્ટેડિયમની બહાર થયેલી દુ:ખદ નાસભાગ છે જેમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે સમયે RCB ટીમના વિજય પરેડ દરમિયાન પરિસ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ હતી જેના કારણે અનેક વ્યક્તિઓ ઘાયલ થયા હતા.
IPL 2026 પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ તરફથી એક મોટું નિવેદન બહાર આવ્યું છે. ઉદ્ઘાટન સમારોહ અંગે BCCI સચિવ દેવજીત સૈકિયાએ પુષ્ટિ આપી હતી કે આ વર્ષે આવો કોઈ સમારોહ યોજાશે નહીં. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ગયા વર્ષે 4 જૂને બનેલી દુ:ખદ ઘટનાને ધ્યાનમાં રાખીને મૃતકોના સન્માન અને શ્રદ્ધાંજલિ તરીકે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
BCCI સચિવે વધુમાં જણાવ્યું હતું કે ટુર્નામેન્ટના સમાપન સમયે સમાપન સમારોહનું આયોજન કરવાની શક્યતા અંગે હાલમાં ચર્ચા ચાલી રહી છે. વધુમાં દર્શકોના અનુભવને વધારવાના પ્રયાસમાં દરેક વ્યક્તિગત મેચના સ્થળે કાર્યક્રમોનું આયોજન કરવાનો પ્રસ્તાવ છે. આ તમામ દરખાસ્તો અંગે અંતિમ નિર્ણય આગામી એક કે બે દિવસમાં લેવામાં આવે તેવી અપેક્ષા છે.
4 જૂને ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર શું થયું હતું?
2025 ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં RCB (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) ટીમ પહેલીવાર ચેમ્પિયન બની હતી. ૩ જૂનના રોજ તેમણે પંજાબ કિંગ્સ (PBKS) ને ૬ રનથી હરાવ્યું. આ વિજયના એક દિવસ પછી બેંગલુરુમાં વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે શરૂઆતમાં તે ઓપન-ટોપ બસમાં યોજવાનું આયોજન હતું પરંતુ તે યોજનાઓ પાછળથી છોડી દેવામાં આવી. બાદમાં વિજય પરેડ પહેલા એક દુ:ખદ ઘટના બની જેમાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા લોકો ઘાયલ થયા. ત્યારબાદ RCB મેનેજમેન્ટ કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બધાએ આ મામલાથી પોતાને દૂર રાખ્યા. આખરે ૫ જૂનના રોજ હાઈકોર્ટને કેસમાં હસ્તક્ષેપ કરવાની ફરજ પડી અને ૧૦ જૂન સુધીમાં સમગ્ર ઘટનાનો વ્યાપક અહેવાલ માંગ્યો હતો.