Sports

BCCIનો 36મો બોસ રોજર બિન્ની ખરા અર્થમાં અજાતશત્રુ, મિત્રતા એવી કે દુશ્મનો પણ દોસ્ત બની જાય

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ 1980ના દાયકામાં તેના વાર્ષિક પુરસ્કારોમાં ‘જેન્ટલમેન ક્રિકેટર’નો એવોર્ડ રાખ્યો હોત તો ચોક્કસપણે ઘણી સિઝન સુધી એ એવોર્ડ જીતવા માટે એકમાત્ર નામ રોજર માઈકલ હમ્ફ્રે બિન્ની જ મોટા દાવેદાર હોત. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના 36મા પ્રમુખને જો એક શબ્દમાં વર્ણવવા હોય તો તેમને ‘અજાતશત્રુ’ કહી શકાય, જેમને ક્રિકેટની દુનિયામાં કોઈની સાથે કોઈ મતભેદ નથી. જો આપણે ક્રિકેટના મેદાન પરના પ્રદર્શન અને આંકડાઓને ધ્યાનમાં લઈએ તો, બિન્ની તેના પુરોગામી સૌરવ ગાંગુલીની સામે ક્યાંય પણ ઊભા નથી, પરંતુ તે સંબંધોને જાળવી રાખવાનું સારી રીતે જાણે છે.

ગાંગુલી પછી, BCCI પાસે પ્લેયર એડમિનિસ્ટ્રેટર તરીકે બિન્ની કરતાં ભાગ્યે જ કોઈ સારો વિકલ્પ છે. તેઓ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મહેનતુ, પ્રામાણિક ક્રિકેટરોમાંના એક રહ્યા છે. રમત સાથેના તેમના સાડા ચાર દાયકાના જોડાણ દરમિયાન, બિન્નીએ માત્ર મિત્રો બનાવ્યા છે. રાજ્ય સ્તરની ટીમમાં, ગુંડપ્પા વિશ્વનાથ, એરાપલ્લી પ્રસન્ના, સૈયદ કિરમાણી, બ્રિજેશ પટેલ જેવા સ્ટાર્સથી શોભતી કર્ણાટક ટીમમાં દરેક સાથે તેમના સામાન્ય સંબંધો હતા. તેઓ 1980ના દાયકાની ભારતીય ટીમના ખૂબ જ લોકપ્રિય સભ્ય હતા. તેમની અને મદનલાલની જોડીએ 7-8 વર્ષ સુધી કપિલ દેવના સહાયકની ભૂમિકા ભજવી હતી.

ભારતને 1983માં વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા
1983માં ભારતીય ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં બિન્નીનો ફાળો કપિલ દેવ, સંદીપ પાટીલ અને યશપાલ શર્મા જેવા ક્રિકેટરથી ઓછો નહોતો. તે ટીમના ક્રિકેટરો, જેમણે બિન્ની કરતાં ઓછી સિદ્ધિઓ હાંસલ કરી હતી, તેઓ સ્ટારડમના મામલે કોઈથી ઓછા નહોતા. તે વર્લ્ડ કપની ટીમમાં બિન્ની ટીમમાં કેટલા ગમતીલા વ્યક્તિ હતા તે અંગે બીજું કોઇ નહીં પણ તેમના કારણે વર્લ્ડકપની મેચમાં રમી ન શકેલા સુનીલ વોલ્સને એક વાતચીતમાં એક કિસ્સો શેર કર્યો હતો. ડાબા હાથના બોલર વોલ્સને કહ્યું હતું કે ‘રોજર વર્લ્ડ કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને મારે મેચમાં તેની જગ્યાએ મેચ રમવાની હતી. મેચના દિવસે ફિટનેસ ટેસ્ટ હતો અને રોજર જે રીતે દોડ્યો, તેનાથી મને ખબર પડી ગઇ હતી કે તે રમશે. વર્લ્ડ કપ ટીમમાંથી પ્લેઈંગ 11માં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહેલા આ એકમાત્ર ખેલાડીએ કહ્યું હતું કે તે દિવસે જો કે મને મારા માટે ખરાબ લાગ્યું, પરંતુ તમે રોજર માટે ખરાબ ન અનુભવી શકો. તે ટીમનો સૌથી પ્રિય વ્યક્તિ હતો.

1986માં હેડિંગ્લે ટેસ્ટમાં રોજર બિન્નીએ ધમાલ મચાવી હતી
ઇંગ્લેન્ડ સામે 1986માં રમાયેલી હેડિંગ્લે ટેસ્ટમાં રોજર બિન્નીએ 7 વિકેટ લઇને સાબિત કર્યું કે જો પરિસ્થિતિઓ અનુકૂળ હોય તો તે અન્ય કોઈ બોલરથી ઓછો નથી. જો કે આ ટેસ્ટ દિલીપ વેંગસરકરની સદી માટે યાદ કરવામાં આવે છે. ભારતીય ટીમ માટે નીચલા ક્રમે બેટિંગ કરનાર બિન્નીએ કર્ણાટક માટે ઘણી વખત ઇનિંગ્સની શરૂઆત કરી હતી. 1977-78માં કેરળ સામે દાવની શરૂઆત કરતા, તેણે સંજય દેસાઈ સાથે 451 રનની ભાગીદારી કરી, જે લાંબા સમયનો ફર્સ્ટક્લાસ ક્રિકેટનો રેકોર્ડ રહ્યો હતો. તે એક વિશેષજ્ઞ ઓપનર હતો જેણે ટેસ્ટ મેચોમાં આઠમા નંબરે અથવા તો ક્યારેક નવમા નંબરે બેટિંગ કરવી પડતી હતી કારણ કે સુનીલ ગાવસ્કર, અંશુમાન ગાયકવાડ, દિલીપ વેંગસરકર, મોહિન્દર અમરનાથ, કપિલ દેવ અને રવિ શાસ્ત્રી જેવા ખેલાડીઓ ટોચ પર હતા તેથી ટોપ સિક્સમાં સ્થાન મેળવવું તેના માટે મુશ્કેલ હતું.

ટેસ્ટ ક્રિકેટમાં ટૂંકી કારકિર્દી

અસરકારક સ્વિંગ બોલર હોવા છતાં, બિન્નીની ટેસ્ટ કારકિર્દી ક્યારેય આગળ વધી શકી નહોતી. તેણે 27 ટેસ્ટમાં માત્ર 47 વિકેટ લીધી જે તેની પ્રતિભાને પ્રતિબિંબિત કરતી નથી. બોલિંગમાં ગતિના અભાવને કારણે તે ભારતીય પીચો પર અસરકારક ન હતો અને તેની ટેસ્ટ કારકિર્દી ગાવસ્કર સાથે સમાપ્ત થઈ ગઈ. સુનીલ ગાવસ્કરની છેલ્લી ટેસ્ટ બિન્નીની પણ છેલ્લી ટેસ્ટ સાબિત થઈ. જો કે, તેણે પાકિસ્તાન સામેની એ સીરિઝની ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી એક મેચની એક ઇનિંગમાં 56 રન આપીને 6 વિકેટ લીધી હતી. આ તેની ટેસ્ટ કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બન્યું હતું. ભારતીય ટીમમાંથી બહાર થયા બાદ બિન્નીએ લાંબા સમય સુધી રણજી ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હતું. રાહુલ દ્રવિડ, જવગલ શ્રીનાથ, અનિલ કુંબલે અને વેંકટેશ પ્રસાદ જેવા ક્રિકેટરોએ તેની કેપ્ટનશીપ હેઠળ ઓળખ બનાવવાનું શરૂ કર્યું. બિન્ની તે પછીથી ભારતની અંડર-19 ટીમના કોચ બન્યા. તેમની દેખરેખ હેઠળ, ટીમે વર્ષ 2000માં મહંમદ કૈફ, રિતિન્દર સિંહ સોઢી, યુવરાજ સિંહ જેવા ખેલાડીઓની હાજરીમાં વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

બિન્ની ભૂતકાળમાં સંદીપ પાટીલની આગેવાની હેઠળની વરિષ્ઠ પસંદગી સમિતિના સભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2012માં રાષ્ટ્રીય પસંદગીકાર બન્યા હતા પરંતુ લોઢા સમિતિએ ‘હિતોના સંઘર્ષ’નો મુદ્દો ઉઠાવ્યા બાદ તેમના કાર્યકાળના ત્રીજા વર્ષમાં તેમણે પદ છોડી દીધું હતું. તેનું એક કારણ તેમનો પુત્ર સ્ટુઅર્ટ બિન્ની પણ હતો. સ્ટુઅર્ટ પોતે નેશનલ લેવલનો ઓલરાઉન્ડર રહી ચૂક્યો છે. સુનીલ ગાવસ્કરે પોતાની એક કોલમમાં લખ્યું હતું કે જ્યારે તેમણે આ બાબતે જાણકારી મેળવી તો જાણવા મળ્યું કે જ્યારે પણ ભારતીય ટીમમાં પસંદગી માટે સ્ટુઅર્ટના નામની ચર્ચા થતી ત્યારે રોજર પોતાને એ વાતથી અલગ કરી દેતો હતો અને તેણે કદી પોતાના પુત્રની તરફેણ કરી નહોતી.

Most Popular

To Top