Sports

ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા માટે નરેન્દ્ર મોદી, શાહરૂખ ખાનની અરજી આવતા BCCI ચોંક્યું!

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડનો ટી-20 વર્લ્ડકપ 2024 પછી કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. બીસીસીઆઈ ટીમ ઈન્ડિયા માટે નવા હેડ કોચની શોધ ચલાવી રહ્યું છે. આ માટે બીસીસીઆઈ દ્વારા અરજીઓ મંગાવવામાં આવી હતી. અરજી કરનારાઓમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બોલિવુડના સુપર સ્ટાર શાહરૂખ ખાન અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના નામ સામેલ છે.

સ્વાભાવિક પણે આ અરજીઓ ખોટી છે. નરેન્દ્ર મોદી, શાહરૂખ ખાન, મહેન્દ્રસિંહ ધોની સહિત અનેક સેલિબ્રિટીઓના નામનો દુરુપયોગ કરી આ બોગસ અરજીઓ કરવામાં આવી છે. ખરેખર તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને ટીમ ઈન્ડિયાના વડાના પદ માટે લગભગ 3400 નકલી અરજીઓ મળી છે, જેમાં ઘણી મોટી હસ્તીઓના નામ સામેલ છે.

ભારતીય કોચ પદ માટે અરજી કરવાનો છેલ્લો દિવસ 27 મે હતો. તપાસ દરમિયાન BCCIને ખબર પડી કે તેમને નરેન્દ્ર મોદી, અમિત શાહ, વીરેન્દ્ર સેહવાગ, શાહરૂખ ખાન, સચિન તેંડુલકર, એમએસ ધોની અને અન્ય ઘણા લોકોના નામ પર અરજીઓ મળી હતી, જેને BCCIએ નકલી ગણાવી છે.

BCCIએ પુરૂષ ટીમના મુખ્ય કોચ માટે અરજીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. BCCI માટે નકલી અરજીઓ નવી વાત નથી. ગઈ વખતે પણ બોર્ડને ઘણી નકલી અરજીઓ મળી હતી. ખરેખર, બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચના પદ માટે ગૂગલ ડોક્યુમેન્ટ ફોર્મ ઓનલાઈન બહાર પાડ્યું હતું, આ અંતર્ગત આ અરજીઓ આવી છે. આવી સ્થિતિમાં ઘણા લોકોએ અરજી કરી હતી.

બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું, એપ્લીકેશન પ્રક્રિયા પબ્લિક ડોમેનમાં હોવાથી ઘણા લોકોએ બીસીસીઆઈની વેબસાઈટ પર ઉપલબ્ધ ફોર્મ સરળતાથી ભરી દીધું. તમે ભવિષ્યમાં આવી બધી વસ્તુઓ ઘટાડવા વિશે વિચારી શકો છો. અમે અરજીઓને આમંત્રિત કરવા માટે કેટલીક નવી પ્રક્રિયાઓ લાવી શકીએ છીએ, જે નકલી અરજીઓને અટકાવશે.

નવા કોચનો 1 જુલાઈ 2024 થી ડિસેમ્બર 2027 સુધીનો કાર્યકાળ રહેશે
જે પણ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બનશે, તેમનો કાર્યકાળ સાડા ત્રણ વર્ષનો હશે, જે 1 જુલાઈ 2024થી 31 ડિસેમ્બર 2027 સુધીનો રહેશે. આ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચને 14-16 સભ્યોનો સપોર્ટ સ્ટાફ ફાળવવામાં આવશે, જે તેમની પસંદગીનો હશે.

ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનવા માટે શું શરતો છે?

  • ઓછામાં ઓછી 30 ટેસ્ટ મેચો અથવા 50 ODI મેચો રમી હોય
  • ઓછામાં ઓછા 2 વર્ષના સમયગાળા માટે સંપૂર્ણ સભ્ય ટેસ્ટ રમતા દેશનો મુખ્ય કોચ રહ્યો હોવો જોઈએ.
  • ઓછામાં ઓછા 3 વર્ષના સમયગાળા માટે એસોસિયેટ સભ્ય/આઈપીએલ ટીમ અથવા સમકક્ષ ઈન્ટરનેશનલ લીગ/ફર્સ્ટ ક્લાસ ટીમ/નેશનલ એ ટીમના મુખ્ય કોચ રહ્યા હોય
  • BCCI લેવલ 3 પ્રમાણપત્ર સમકક્ષ, અને ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઈએ.

Most Popular

To Top