નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા(Team India) હાલ ઈંગ્લેન્ડ(England)માં છે અને ત્યાં વનડે શ્રેણી રમી રહી છે. ભારતીય ટીમના ખેલાડીઓ ઉપરાંત BCCIના વરિષ્ઠ અધિકારીઓ અને પૂર્વ ક્રિકેટરો પણ ઈંગ્લેન્ડમાં મેચ જોતા જોવા મળ્યા હતા. દેશમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ ઘટના બની છે. BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી(Sourav Ganguli) અને સેક્રેટરી જય શાહ(Jay Shah) બોર્ડમાં તેમનો કાર્યકાળ પૂરો કરવા જઈ રહ્યા છે. BCCI દ્વારા આ મામલે હવે સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં અરજી કરવામાં આવી છે. જેમાં સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહના કાર્યકાળને લંબાવવાના નિયમોમાં સુધારા કરવાની માંગ કરી છે. બોર્ડનું કહેવું છે કે બંનેના કાર્યકાળનો કુલિંગ ઓફ પિરિયડ લંબાવવો જોઈએ.
બંનેનો કાર્યકાળ 2025 સુધી લંબાવવા માંગ
BCCI દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે કે નિયમોમાં સુધારાને લઈને બોર્ડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર જલ્દી સુનાવણી કરવામાં આવે. આ અપીલ પર ચીફ જસ્ટિસ એન.વી. રમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ જોશે કે આવતા અઠવાડિયે આ મામલે સુનાવણી થઈ શકે છે કે નહીં. જ્યારે ગાંગુલી અને શાહે પ્રમુખ અને સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે રાજ્ય અને રાષ્ટ્રીય એકમોમાં તેમના છ વર્ષના કાર્યકાળમાં માત્ર નવ મહિના બાકી હતા.આ દરમિયાન BCCIએ 21 એપ્રિલ 2021ના રોજ સુપ્રીમ કોર્ટમાં શાહ અને ગાંગુલીનો કાર્યકાળ વધારવાની અરજી દાખલ કરી હતી. બોર્ડ ઈચ્છે છે કે બંનેનો કાર્યકાળ 2025 સુધી એટલે કે ચાર વર્ષ સુધી લંબાવવો જોઈએ.
શું કહે છે કાયદો?
બંધારણ મુજબ, જો કોઈ પદાધિકારીએ BCCI અથવા રાજ્ય એસોસિએશનમાં ત્રણ-ત્રણ વર્ષની બે ટર્મ પૂરી કરી હોય, તો તેણે ત્રણ વર્ષનો ફરજિયાત બ્રેક લેવો પડશે. હાલમાં પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી BCCIના પ્રમુખ, જય શાહ સેક્રેટરી તરીકે, રાજીવ શુક્લા ઉપાધ્યક્ષ તરીકે, અરુણ સિંહ ધૂમલ ખજાનચી તરીકે અને જયેશ જ્યોર્જ સંયુક્ત સચિવ છે. સુપ્રીમ કોર્ટના CGI દ્વારા મંજૂર કરાયેલ BCCIના બંધારણ મુજબ, આમાંના ઘણા પદાધિકારીઓનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. પરંતુ વર્ષ 2020 માં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીના આધારે, તે બધા હજી પણ તેમના પદ પર છે.
નોંધનીય છે કે સૌરવ ગાંગુલી અને જય શાહે ઓક્ટોબર 2019માં પ્રમુખ અને સચિવ પદનો ચાર્જ સંભાળ્યો હતો. જોકે બંનેનો કાર્યકાળ ત્રણ વર્ષનો છે, જે સપ્ટેમ્બર 2022માં પૂરો થશે. સમય નજીક છે પરંતુ બીસીસીઆઈ દ્વારા આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી, તેથી જ બોર્ડ કૂલિંગ ઓફ પીરિયડ લંબાવવાની માંગ કરી રહ્યું છે.