Sports

BCCIનો KKRને નિર્દેશ, બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી બહાર કરો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)2026ને લઈને એક મોટો નિર્ણય સામે આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી બહાર કરવામાં આવે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે મુસ્તફિઝુર હવે IPL 2026માં ભાગ લઈ શકશે નહીં.

BCCIના સચિવ દેવજીત સૈકિયાએ આ નિર્ણયની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે વર્તમાન સંજોગો અને સંવેદનશીલ સ્થિતિને જોતા બોર્ડે આ પગલું ભર્યું છે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે જો KKR મુસ્તફિઝુરના બદલે કોઈ અન્ય ખેલાડીને ટીમમાં લેવા માંગે તો BCCI તેની મંજૂરી આપશે.

ઉલ્લેખનીય છે કે IPL 2026ના મીની ઓક્શનમાં કોલકાતા નાઇટ રાઇડર્સે મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડમાં ખરીદ્યો હતો. આ સાથે તે IPLના ઇતિહાસમાં સૌથી મોંઘો બાંગ્લાદેશી ખેલાડી બન્યો હતો. જોકે તેને ટીમમાં સામેલ કર્યા બાદ KKRને સોશિયલ મીડિયા પર ભારે ટીકા અને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

ચાહકો ઉપરાંત કેટલાક રાજકીય અને ધાર્મિક સંગઠનોએ પણ IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓની ભાગીદારી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ઓગસ્ટ 2024માં બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારનું પતન થયા બાદ ત્યાં રાજકીય અસ્થિરતા વધી છે. આ દરમિયાન થયેલી હિંસક ઘટનાઓ અને તાજેતરમાં બે હિન્દુઓની હત્યાને લઈને ભારતમાં વિરોધ પ્રદર્શનો પણ થયા છે. જેના કારણે મુદ્દો વધુ સંવેદનશીલ બન્યો.

મહત્વનું છે કે IPL 2025ના મેગા ઓક્શનમાં કોઈ પણ ફ્રેન્ચાઇઝીએ બાંગ્લાદેશી ખેલાડીઓ પર બોલી લગાવી નહોતી. જોકે IPL 2026ના મીની ઓક્શનમાં KKR દ્વારા મુસ્તફિઝુર પર મોટો દાવ લગાવવામાં આવ્યો હતો.

30 વર્ષીય મુસ્તફિઝુર રહેમાન અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઇન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ માટે રમ્યો છે. IPLમાં તેણે અત્યાર સુધી 60 મેચમાં 65 વિકેટ ઝડપી છે.

Most Popular

To Top