પોર્ટ ઓફ સ્પેન : ઇંગ્લેન્ડ (England) પ્રવાસમાં ટી-20 અને વન ડે સીરિઝ (One Day Series) જીત્યા પછી મુખ્ય ખેલાડીઓની (Players) ગેરહાજરી વચ્ચે શિખર ધવનની આગેવાનીમાં ભારતીય ટીમ (Indian Team) વેસ્ટઇન્ડિઝ પ્રવાસે બે દિવસ પહેલા પહોંચી ગઇ હતી. ઇંગ્લેન્ડથી પોર્ટ ઓફ સ્પેન જવા માટે ભારતીય ખેલાડીઓ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા ખાસ ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેના માટે બીસીસીઆઇ દ્વારા રૂ. 3.5 કરોડનો ખર્ચ કરાયો હોવાના અહેવાલો આવ્યા છે.
અહેવાલો અનુસાર ખેલાડીઓ માટે ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કોરોનાના કારણે નહીં પણ તેમની સંખ્યાના કારણે કરવામાં આવી હતી. વેસ્ટઇન્ડિઝ પ્રવાસે 16 સભ્યોની ભારતીય ટીમની સાથે જ સપોર્ટ સ્ટાફના સભ્યો તેમજ ખેલાડીઓના પરિવારના સભ્યો પણ ગયા છે. આ સ્થિતિમાં બીસીસીઆઇએ તમામની સુવિધાને ધ્યાને લઇને ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરી હતી.
વરસાદને કારણે ભારતીય ટીમ નેટ પ્રેક્ટિસથી વંચિત, ઇનડોર પ્રેક્ટિસ કરવી પડી
પોર્ટ ઓફ સ્પેન: વેસ્ટઇન્ડિઝ પ્રવાસની આવતીકાલે શુક્રવારે રમાનારી પ્રથમ વન ડે પહેલા ભારતીય ટીમની નેટ પ્રેક્ટિસ પૂર્વે અચાનક વરસાદ તૂટી પડતા ભારતીય ટીમ આઉટડોર પ્રેક્ટિસથી વંચિત રહી હતી, જો કે ટીમ મેનેજમેન્ટે પ્રેક્ટિસ જ ન કરવાના સ્થાને ઇનડોર પ્રેક્ટિસ કરવાનું બહેતર સમજ્યું હતું અને ભારતીય ટીમના ખેલાડીઓએ ઇનડોર નેટ પ્રેક્ટિસ કરી હતી. શિખર ધવનની આગેવાની હેઠળની ભારતીય ટીમના બોલરો અને બેટ્સમેનોએ ઇનડોરમાં પણ આકરી પ્રેક્ટિસ કરીને પોતાની તૈયારીને તપાસી લીધી હતી. બીસીસીઆઇ દ્વારા પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરેલા એક વીડિયોમાં ભારતીય ટીમના ઓપનર શુભમન ગીલે કહ્યું હતું કે અમે ઇંગ્લેન્ડથી આવ્યા હોવાથી અમે આઉટડોર પ્રેક્ટિસ કરવા માગતા હતા, જોકે વરસાદ પડવા માંડતા અમે તેમ કરી શક્યા નહોતા. આ સ્થિતિમાં પ્રેક્ટિસ ન કરવાના સ્થાને ઇન્ડોર પ્રેક્ટિસ કરવી બહેતર હતી.
આજે વેસ્ટઇન્ડિઝ સામે પહેલી વન ડે, ભારતના સેકન્ડ કેડરના ખેલાડીઓની થશે કસોટી
પોર્ટ ઓફ સ્પેન: વેસ્ટઇન્ડિઝ સામેની ત્રણ વન ડેની સીરિઝ દરમિયાન શિખર ધવનની આગેવાની હેઠળની ભારતીય ટીમમાં સામેલ સેકન્ડ કેડરના ખેલાડીઓની આકરી કસોટી થઇ શકે છે. આવતીકાલે શુક્રવારે રમાનારી પહેલી વન ડેમાં ભારતીય ટીમ શિખર ધવનની સાથે ઓપનીંગમાં કોને ઉતારે તેના પર બધાની નજર રહેશે. મોટાભાગે શુભમન ગીલ ઓપનીંગમાં ઉતરે તેવી સંભાવના દેખાઇ રહી છે.