Sports

બીસીસીઆઇએ ખેલાડીઓની પસંદગી માટે લાગુ કર્યો નવો ફિટનેસ ટેસ્ટ

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વધતી પ્રતિસ્પર્ધા અને મેચોની વધતી સંખ્યાને ધ્યાને લઇને ખેલાડીઓ માનસિકની સાથે જ શારીરિક રૂપે પણ મજબૂત બને તે વધુ જરૂરી બની ગયું છે. એ જ કારણ છે કે પોતાના ખેલાડીઓ ઇન્ટરનેશનલ લેવલના આ પટકારને પહોંચી વળે તે માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) ફિટનેસ બાબતે વધુ ગંભીર બન્યું છે. ખેલાડીઓની ફિટનેસ અને ક્ષમતાને પારખવા માટે પહેલાથી જ યો યો ટેસ્ટની તો જોગવાઇ છે જ, પણ બીસીસીઆઇએ હવે તેમા એક નવા ટેસ્ટનો ઉમેરો કર્યો છે.

મીડિયા અહેવાલો અનુસાર બીસીસીઆઇએ ટોચના ખેલાડીઓની સહનશક્તિ અને ગતિને માપવા માટે નવો ટેસ્ટીંગ કાર્યક્રમ શરૂ કરી દીધો છે. તેના હેઠળ ટીમના ટોચના ખેલાડીઓએ બે કિલોમીટરની દોડ એક નિર્ધારિત સમયમાં ફરજિયાત પૂર્ણ કરવાની રહેશે. નવા કાર્યક્રમ અનુસાર ટીમના મુખ્ય ખેલાડીઓની સાથે જ ભારતીય ટીમમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરનારા યુવાઓ માટે યો યો ટેસ્ટ ઉપરાંત બે કિલોમીટરની આ દોડ પુરી કરવી જરૂરી રહેશે.


બે કિલોમીટરની દોડ માટે નિર્ધારિત કરવામાં આવેલી સમયમર્યાદા અનુસાર ઝડપી બોલરોએ આ દોડ 8 મિનીટ અને 15 સેકન્ડમાં પુરી કરવાની રહેશે જ્યારે બેટ્સમેન, વિકેટકીપર અને સ્પિનરે એ દોડ 8 મિનીટ 30 સેકન્ડમાં પુરી કરવી પડશે. જો કે યો યો ટેસ્ટ પાસ કરવા માટે નિર્ધારિત 17.1નું લેવલ યથાવત રખાયું છે. બીસીસીઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહે આ નવા નિયમને મંજૂરી આપી દીધી છે અને તેની સાથે જ કોન્ટ્રાક્ટ હેઠળના તમામ ખેલાડીઓને તેની માહિતી આપી દેવાઇ છે.


ફેબ્રુઆરી, જૂનઅને ઓગ્સ્ટ મહિનામાં ખેલાડીઓએ આ ટેસ્ટમાં ભાગ લેવો પડશે. હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાંથી પાછા ફરેલા ખેલાડીઓને આ ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે. જો કે ઇંગ્લેન્ડ સામે જ્યારે વન ડે અને ટી-20 સીરિઝ માટે ટીમની પસંદગી કરવામાં આવશે ત્યારે આ નિયમનો ઉપયોગ કરવામાં આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top