ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયેલી ભારતીય ટીમે બીજી ટેસ્ટ જીતી તે પછીથી ઓસ્ટ્રેલિયન મીડિયામાં ભારતીય ટીમને સાંકળતા કેટલાક એવા અહેવાલો પ્રસિદ્ધ થયા છે કે જેનાથી ભારતીય ક્રિકેટરોની એક ખોટી ઇમેજ ઊભી થઇ રહી છે.
તેમાં પણ ભારતીય ખેલાડીઓ આકરા ક્વોરેન્ટીનના નિયમોને કારણે બ્રિસ્બેન જવા માગતા ન હોવાના ઓસ્ટ્રેલિયન મીડિયાના અહેવાલો પછી ક્વીન્સલેન્ડના આરોગ્ય મંત્રી રોઝ બેટ્સે કરેલી ટીપ્પણીથી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) નારાજ થયું છે.
બેટ્સે કહ્યું હતું કે જો ભારતીય ખેલાડીઓ તમામ નિયમોનું પાલન કરવા ન માગતા હોય તો તેમણ બ્રિસ્બેન ન આવવું જોઇએ. તેમના આ નિવેદન પછી બીસીસીઆઇ વિચારી રહ્યું છે કે ટીમ ઇન્ડિયાએ ગાબામાં ચોથી ટેસ્ટ રમવી જોઇએ કે નહીં.
એક ભારતીય સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર બીસીસીઆઇના સૂત્રો કહે છે કે આવી ટીપ્પણીઓના કારણે ટીમ ઇન્ડિયાની ઇમેજને ફરક પડ્યો છે. હવે બોર્ડ એવું વિચારી રહ્યું છે કે ચાર ટેસ્ટ મેચની સીરિઝને ત્રણ ટેસ્ટ પછી જ પુરી કરી દેવામાં આવે અને સિડની ટેસ્ટ પછી ભારતીય ટીમ સ્વદેશ પરત ફરી જાય.
ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ચાર ટેસ્ટ મેચનો કાર્યક્રમ તૈયાર કરાયો હતો અને હવે ત્રીજી ટેસ્ટ સિડનીમાં 7મી જાન્યુઆરીથી શરૂ થશે અને તે પછી બ્રિસ્બેનમાં ચોથી અંતિમ ટેસ્ટ રમાશે. હાલ સીરિઝ 1-1ની બરોબરી પર છે.
કોઇ જન પ્રતિનિધિ ન ઇચ્છતો હોય કે ભારતીય ટીમ ત્યાં જઇને રમે તો એ દુખદ બાબત : બીસીસીઆઇ અધિકારી
નવી દિલ્હી, તા. 04 : ભારતીય સમાચાર સંસ્થાએ બીસીસીઆઇના અધિકારીને ટાંકતા લખ્યું હતું કે જો કોઇ ચુંટાયેલો પ્રતિનિધિ ઇચ્છતો ન હોય કે ભારતીય ટીમ ત્યાં જઇને રમે તો એ બાબત દુખદ છે. તેનાથી ભારતીયોની ઇમેજ ખરાબ થઇ રહી છે. હું તમને એ આશ્વાસન આપવા માગું છું કે અમે નિયમોના પાલન કરવા સિવાય બીજું કંઇ કરવા માગતા નથી. રોહિત શર્માએ સખત ક્વોરેન્ટીનનું કરેલું પાલન તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અમને ઓસ્ટ્રેલિયન ચાહકો વતી ઘણો પ્રેમ અને સમર્થન મળ્યા છે. અમે તેમના માટે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા માટે કોઇ પ્રકારની મુશ્કેલી ઊભી કરવા માગતા નથી.