પારદર્શિતા અને લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે; સભ્યો અને ક્રિકેટના હિતોને પ્રાધાન્ય અપાશે
વડોદરા: બરોડા ક્રિકેટ એસોસિએશન ની એપેક્સ કાઉન્સિલની એક મહત્વપૂર્ણ બેઠક આજે BCA ઓફિસ ખાતે મળી હતી. આ બેઠકમાં આગામી ચૂંટણી અને વડોદરામાં યોજાનારી આંતરરાષ્ટ્રીય મેચની તૈયારીઓ અંગે પાયાના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

BCAના પ્રમુખ પ્રણવ અમીને સમિતિના સભ્યો સાથે પરામર્શ કર્યા બાદ જાહેરાત કરી હતી કે, બરોડા ક્રિકેટ એસોસિએશનની આગામી ચૂંટણી 15 ફેબ્રુઆરી 2026, રવિવાર ના રોજ યોજવામાં આવશે. પ્રમુખે ભારપૂર્વક જણાવ્યું હતું કે BCA પારદર્શિતા, શિસ્ત અને લોકશાહી મૂલ્યોને વરેલું છે. આ ચૂંટણી સભ્યો અને બરોડા ક્રિકેટના હિતોને ધ્યાનમાં રાખીને ન્યાયી અને સુગમ રીતે સંપન્ન થશે.
આ પ્રસંગે એપેક્સ કાઉન્સિલે BCA ના સિનિયર સિલેક્ટર સંજય હજારેને BCCI ની અમ્પાયરિંગ કમિટીના સભ્ય તરીકે નિમણૂક પામવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ વડોદરા ક્રિકેટ માટે ગૌરવની ક્ષણ હોવાનું કાઉન્સિલે જણાવ્યું હતું.
સભ્યો માટે મફત પાસ અને કિટનું વિતરણ…
આગામી ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ માટે ઉત્સાહ ચરમસીમાએ છે. સભ્યોની સુવિધા માટે 7 જાન્યુઆરી 2026 ના રોજ સવારે 10:30 થી સાંજના 5:30 વાગ્યા સુધી મફત પાસનું વિતરણ કરવામાં આવશે.
*વિતરણ સ્થળ: મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ અને સંસ્કૃતિ હોલ, એલેમ્બિક.
*લાભ: દરેક સભ્યને 1+1 મફત હોસ્પિટાલિટી પાસ, BCA કેપ્સ અને રૂટ મેપ્સ આપવામાં આવશે જેથી સ્ટેડિયમમાં પ્રવેશ સરળ રહે.
મેચની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થા…
ઉપપ્રમુખ અનંત ઇન્દુલકર અને શીતલ મહેતાએ એપેક્સ કાઉન્સિલને મેચની તૈયારીઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. ટિકિટો મિનિટોમાં વેચાઈ જવી એ વડોદરાના ક્રિકેટ પ્રેમનો પુરાવો છે. પ્રેક્ષકોની સુરક્ષા માટે પોલીસ તંત્ર સાથે સંકલન સાધવામાં આવ્યું છે:
*DCP ટ્રાફિક તેજલ પટેલ અને વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલની ટીમના સહયોગની પ્રશંસા કરવામાં આવી.
*સુરક્ષા પગલાં: સલામતી જાળી, નિર્ધારિત કાર પાસ, ભીડ વ્યવસ્થાપન માટે કલર કોડિંગ અને 30000 થી વધુ ફિઝિકલ ટિકિટો જેવી વ્યવસ્થાઓ અમલમાં મૂકાશે.