Gujarat

ગુજરાતમાં આગામી 72 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી

ગાંધીનગર: પૂર્વ ભારત તથા બંગાળના અખાત (Bay of Bengal) પરથી સરીકને આવેલી લો પ્રેશર સિસ્ટના પગલે ગુજરાતમાં (Gujarat) આગામી 72 કલાક દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદની (Rain) ચેતવણી ઈશ્યુ કરાઈ છે. જેમાં પૂર્વના દાહોદથી શરૂ કરીને દક્ષિણ ગુજરાત સાથે વલસાડના ઉમરગામ સુધી ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી ઈશ્યુ કરાઈ છે. આજે દિવસ દરમ્યાન રાજયમાં 83 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો છે. જેમાં જુનાગઢના કેશોદમાં સાડા પાંચ ઈંચ વરસાદ થયો છે. એકંદરે રાજયમાં જુનાગઢ , સુરત , વલસાડ , નવસારી , રાજકોટ , નર્મદા , ગીર સોમનાથ , ભાવનગર અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, 16મી જુલાઈના રોજ બંગાળના અખાતમાં એક તીવ્ર લો પ્રેશર સિસ્ટમ આકાર પામી રહી છે. પશ્વિમ – મધ્ય – દક્ષિણ બગાળની ઉપર એક ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમ સક્રિય છે, તે આગળ વધીને ગુજરાત તરફ આવી રહી છે. જેનાથી ગુજરાત પર અતિ ભારે વરસાદ થઈ શકે છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે કેશોદમાં સાડા પાંચ ઈંચ , પલસાણામાં 3.4 ઈંચ , જુનાગઢના માણાવદરમાં 3.3 ઈંચ , મેંદરડામાં 3.2 ઈંચ , વલસાડના વાપીમાં 3.1 ઈંચ , વિસાવદરમાં 3.1 ઈંચ , નવસારીના ગણદેવીમાં 3 ઈંચ , વલસાડના કપરાડામાં 2.4 ઈંચ , રાજકોટના ધોરાજીમાં સવા બે ઈંચ , સુરતના ઉમરપાડામાં 2 ઈંચ , જુનાગઢના વંથલીમાં 2 ઈંચ , નર્મદાના તિલકવાડામાં 2 ઈંચ , સુરત સીટીમાં 2 ઈંચની નજીકમાં એટલે કે 48 મીમી , વલસાડના પારડીમાં 1.9 ઈંચ , ગીર સોમનાથના સુત્રાપાડામાં 1.9 ઈંચ , ગીર સોમનાથના વેરાવળમાં , ભાવનગર તાલુકામાં અને જુનાગઢના ભેંસાણમાં 1.7 ઈંચ તથા અમરેલીમાં 1.4 ઈંચ વરસાદ થયો છે. એકંદરે રાજયમાં 33 તાલકાઓ એવા છે કે જયાં 1થી સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ થયો છે.

છેલ્લા 24 કલાકમાં રાજયમાં 71 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ નવસારીના ગણદેવીમાં 4 ઈંચ જેટલો વરસાદ થયો હતો. રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ 49.21 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 112.07 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 50.70 ટકા, પૂર્વ – ગુજરાત ઝોનમાં 35.96 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 66.48 ટકા, અને દક્ષિણ ગુજરાત ઝોનમાં 39.62 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

Most Popular

To Top