સુરત (Surat) શહેરમાં રવિવારે ભારે વરસાદને કારણે ખાડી (Mithi khadi) ઓવરફ્લો થઈ હતી છે. ખાડી ઓવરફ્લો થતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં હતા. ગોડાદરા વિસ્તારમાં માર્ગ ઉપર પાણી ભરાતા દૂર સુધી ટ્રાફિક જામ (Traffic jam)ના દ્રશ્યો સર્જાયા હતા.
સુરતમાં બે દિવસથી સતત વરસતા વરસાદે (Rainfall) જાણે પાલિકા (SMC)ની પોલ ખોલી હોય, અને ખાડી વિસ્તારના માર્ગ ઉપર અડધો ફુટ સુધી પાણી ભરાયા હતા. સાથે જ સુરતનું સણીયા હેમાદ ગામ તો જાણે બેટમાં ફેરવાય ગયું હતું. એક ઘટનામાં ગામમાં પાણી ફરી વળતા મુસાફરો ભરેલી બસ પણ ફસાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ બાદમાં ગામ વાળાઓએ બસને પાણી માંથી બહાર કાઢી હતી. સુરતમાં બપોરના 12 વાગ્યે ખાડીના લેવલના આંક પર એક નજર નાખીએ તો મીઠી ખાડી અને સીમાડા ખાડી ઓવરફ્લો થતા મીઠી ખાડી હાલ 8.20 મીટર પર વહી રહી છે. જેની ભયજનક સપાટી 7.50 મીટર છે, અને સીમાડા ખાડી 5.30 મીટર પર વહી રહી છે. જેની ભયજનક સપાટી 5 મીટર છે, જો કે અન્ય ખાડીની સપાટી યથાવત છે.
સુરતની મીઠી ખાડીની વાત કરવામાં આવે તો દર વર્ષે અહીં પૂર (Bay flood) ની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, પણ પાલિકા દ્વારા અહીં ખાડી ડ્રેજીંગ સહિતની પ્રિ-મોનસુન કામગીરીમાં બેદરકારી દાખવવમાં આવતા, દર વર્ષે શહેરીજનોને આ ખાડીપૂરનો ભોગ બનવું પડતું હોય છે, અને લોકોના ઘરોમાં આ ગંદુ વાસ મારતું પાણી ભરાય જતા, લોકો રોગચાળાનો ભોગ પણ બનતા હોય છે.
સુરત શહેરમાં રવિવારે પવન અને વાદળોના ગડગડાટ સાથે મુશળધાર વરસાદ (rain) પડ્યો હતો. સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા હતાં. બીજી તરફ વેસુ, અડાજણ, કતારગામ, ઉધના, પાંડસરા, સચિન રોડ પર ધોધમાર વરસાદને કારણે પાણી ભરાયા હતાં. સાથે જ પાંડેસરા, સચિન રોડ પર ટ્રાફિક (Traffic) જામ સર્જાયો હતો.
સુરત શહેર અને જિલ્લામાં રવિવારે વરસાદે જોરદાર એન્ટ્રી કરી હતી. છેલ્લા કેટલાય દિવસથી સુરતમાં તડકો અને ભારે ગરમીનો માહોલ હતો. છુટોછવાયો વરસાદ થતો હતો પરંતુ તેનાથી ઠંડક વર્તાતી ન્હોતી. જ્યારે રવિવારે કાળા વાદળોથી સમગ્ર સુરત શહેર ઘેરાઈ ગયું હતું. બપોર સુધી વાદળોના ગડગડાટ સાથે હળવો વરસાદ વરસ્યો હતો. પરંતુ બપોર બાદ ધોધમાર વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક વર્તાઈ હતી. બીજી તરફ રવિવારનો દિવસ હોવાથી શહેરવાસીઓએ વરસાદી મોસમમાં ફરવાનો આનંદ પણ લીધો હતો. અને લોકો ખાણીપીણીની લારીઓ પર ઉમટી પડ્યા હતાં.