Editorial

ધારાસભ્યોના બળવાને કારણે કોંગ્રેસના અશોક ગેહલોત માટે ‘બાવાના બેઉ’ બગડી ગયા

વર્ષોથી જે રીતે કોંગ્રેસમાં હાઈકમાન્ડનું નાક દબાવવા માટે પ્રેશર ટેકનિક અપનાવવામાં આવતી હતી તેવી ટેકનિક અપનાવવામાં રાજકારણની રણનીતિના માહેર ગણાતા અશોક ગેહલોત મોટું ગોથું ખાઈ ગયા છે. અશોક ગેહલોત કોંગ્રેસ હાઈકમાન્ડ અને ખાસ કરીને ગાંધી પરિવારના માનીતા ગણાતા હતા. અશોક ગેહલોતે ગાંધી પરિવારનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. કોંગ્રેસ માટે અશોક ગેહલોત સંકટમોચન ગણાતા હતા. પહેલા ગુજરાતમાં કોંગ્રેસને સારી બેઠકો અપાવી અને બાદમાં અશોક ગેહલોતે રાજસ્થાન કબ્જે કર્યું હતું.

ભાજપના અનેક દાવપેચની વચ્ચે પણ અશોક ગેહલોતે પોતાની સરકાર ટકાવી રાખી હતી. સચિન પાયલોટ દ્વારા ગમે ત્યારે બળવો કરવામાં આવે તેવી સ્થિતિમાં પણ અશોક ગેહલોત પોતાની સરકારને સાચવવામાં સફળ રહ્યા હતા. જોકે, ગમે તેવો હોંશિયાર વ્યક્તિ ક્યારેક ભેરવાઈ જાય છે. અશોક ગેહલોતનું પણ તેવું થયું. અશોક ગેહલોતને એવું હતું કે પોતાના જુથના ધારાસભ્યોનો બળવો કરાવીને કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે પોતાની જુથની વ્યક્તિને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવી દેશે અને પોતે પણ કોંગ્રેસ અધ્યક્ષ બની જશે પરંતુ તેમનો આ દાવ ઉંધો પડ્યો છે.

વર્ષો બાદ એવું થયું છે કે કોંગ્રેસમાં ગાંધી પરિવારની બહારની વ્યક્તિ અધ્યક્ષ બનવા માટે જઈ રહી છે. કોંગ્રેસ હાઈકમાન્ડની પહેલી પસંદ અશોક ગેહલોત હતા. કોઈ ગમે તેવી વ્યક્તિ કોંગ્રેસ અધ્યક્ષ નહી બની જાય તે માટે હાઈકમાન્ડે વફાદાર મનાતા અશોક ગેહલોતને પસંદ કર્યા હતા. ખુદ અશોક ગેહલોત પણ કોંગ્રેસ અધ્યક્ષ બનવા માટે તૈયાર થઈ ગયા હતા પરંતુ અશોક ગેહલોતે જે ખેલ બંધબારણે કરવાનો હતો તે ખેલ જાહેરમાં કરી નાખ્યો. કોંગ્રેસ હાઈકમાન્ડને અશોક ગેહલોત ખાનગીમાં કહી શક્યા હોત કે તેમના જુથના ધારાસભ્યો સચિન પાયલોટને સ્વીકારી શકશે નહીં. જેથી તેમના જુથના વ્યક્તિને સીએમ બનાવવામાં આવે. બની શકે કે કોંગ્રેસ હાઈકમાન્ડ તેમની વાત માની પણ લેત પરંતુ બળવો કરવાનો ગેહલોતનો દાવ કોંગ્રેસ હાઈકમાન્ડને વિચલીત કરી ગયો છે. ગેહલોતના આ પગલાએ કોંગ્રેસ હાઈકમાન્ડનો તેમની પરનો વિશ્વાસ તોડી નાખ્યો છે. સોનીયા ગાંધી તો ત્યાં સુધી ગુસ્સે થઈ ગયા હતા કે ગેહલોત આવું કરી જ કેવી રીતે શકે છે? સોનીયા ગાંધીનો ગુસ્સો જે રીતે ફુટ્યો છે તે બતાવી રહ્યું છે કે કોંગ્રેસનું અધ્યક્ષપદ ગેહલોત ગુમાવી જ ચૂક્યા છે પરંતુ સાથે સાથે હવે તેમના જુથની વ્યક્તિ મુખ્યમંત્રી બને તેવી શક્યતા પણ ધુંધળી બની ગઈ છે.

અશોક ગેહલોત જેવા ઠરેલા રાજકારણી આવી ભૂલ કરે તે જ રાજકારણની દુનિયા છે. જ્યારે પણ કોઈ નેતા ભીંસમાં આવે ત્યારે પોતાના ટેકેદારોનો આશરો લે છે અને ગેહલોતે પણ તેવું જ કર્યું. કોંગ્રેસ ધારાસભ્યોની બેઠકમાં એક જ લીટીનો ઠરાવ કરવાની વાતથી ગેહલોત જુથના ધારાસભ્યો ગભરાઈ ઉઠ્યા હતા અને ભૂલ કરી બેઠા અને હવે તેનું નુકસાન તમામે ઉઠાવવું પડશે. કોંગ્રેસ અધ્યક્ષની રેસમાંથી અશોક ગેહલોત નીકળી ગયા છે અને કોંગ્રેસ હાઈકમાન્ડે અધ્યક્ષ માટે મલ્લિકાર્જુન ખડગે પર પસંદગી ઉતારી દીધી છે અને શુક્રવારે ખડગેએ કોંગ્રેસ અધ્યક્ષ બનવા માટે ઉમેદવારી પણ કરી દીધી છે. ખડગેએ જ્યારે ફોર્મ ભર્યું ત્યારે કોંગ્રેસના 30 નેતા તેમના પ્રસ્તાવક બન્યા છે. ખડગેની સામે શશી થરૂર અને ત્રિપાઠી પણ ઉમેદવાર બન્યા છે. આગામી દિવસોમાં રાજસ્થાનના સીએમનો પણ નિર્ણય થશે પરંતુ જે રીતે કોંગ્રેસમાં ઘટનાક્રમ સર્જાયો છે તે જોતાં અશોક ગેહલોત હવે રાજસ્થાનના સીએમ નહી હોય તે નક્કી છે.

સાથે સાથે જે રીતે કોંગ્રેસ હાઈકમાન્ડનો ગેહલોત પ્રત્યેનો ગુસ્સો છે તે જોતાં ગેહલોત જુથનો વ્યક્તિ પણ મુખ્યમંત્રી બને તેવી સંભાવના ઓછી છે.  બની શકે કે સચિન પાયલોટ મુખ્યમંત્રી નહી બને પરંતુ જે પણ મુખ્યમંત્રી બનશે તે ગેહલોતની પસંદગીનો નહીં હોય. રાજકારણના આટલા વર્ષોમાં અશોક ગેહલોતે કોઈ મોટી ભૂલ કરી નથી. મુખ્યમંત્રીપદ પરથી ગેહલોત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા તરફ જઈ રહ્યા હતા પરંતુ તેમની આ ભૂલની તેમણે મોટી કિંમત ચૂકવવી પડશે. કોંગ્રેસનું અધ્યક્ષપદ મળશે નહીં અને હવે ભવિષ્યમાં કોંગ્રેસ હાઈકમાન્ડ તેમની પર વિશ્વાસ પણ મુકશે નહીં. આ સંજોગોમાં અશોક ગેહલોત માટે બાવાના બેઉ બગડ્યા છે તે નક્કી છે.

Most Popular

To Top