ટલીક ક્રિયાઓ રોજિંદી હોવાને કારણે તેના પૂરા મહત્ત્વથી ઘણા ખરા લોકો અજાણ રહે છે. જેમ કે સ્નાન. અહીં સ્નાન કરાવવાની એટલે કે કોઈને નવડાવવાની નહીં જાતે નહાવાની વાત છે. મોટા ભાગના લોકોને મન સ્નાન એટલે ‘બે ડબલાં આમ ને બે ડબલાં તેમ’. હકીકતમાં ‘બાથરૂમનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને’ એવી પંક્તિ કોઇ આધુનિક કવિ લખી શકે છે કેમ કે રજાના દિવસે નહાવા જવાની વાત આવે એટલે લખનવી વિવેકચાળો ફાટી નીકળે.
મહિલા સભ્યોએ તો જવાબદારીપૂર્વક, શક્ય હોય ત્યાં સુધી આવતા પાણીએ નાહી લીધું હોય પણ પુરુષસભ્યો નહાવાનો વારો આવે એટલે એકબીજા તરફ આંગળી ચીંધે છે. બધાંથી પહેલા નહાવા જવું ન પડે એ માટે ‘મારે હજુ દાઢી કરવાની બાકી છે’ જેવા દેખીતા કારણથી માંડીને ‘હજુ મૂડ નથી આવતો’ એવાં શાયરાનાં કારણો અપાય છે. વધુ દલીલબાજ લોકો ‘રોજ શું નહાવાનું? નહાવામાં આટલો સમય બગાડાતો હશે?’ એવી દલીલ સાથે રોજ ભારતમાં કેટલા માનવકલાકો નહાવામાં વેડફાય છે અને એટલા કલાકો શ્રમમાં વપરાય તો દેશના GDPમાં કેટલો વધારો થાય તેની ગણતરી રજૂ કરી દે છે. યુરોપ-અમેરિકામાં નાગરિકો રોજ નહાતા નથી એટલે જ એ દેશો આટલા આગળ છે એવી થિયરી પણ તે સમજાવે છે.
કોઇને થાય કે નહાવામાં મૂડની શી જરૂર? પણ રજાના દિવસની સવારે, આઇસક્રીમના ખાલી કપમાં ચોંટી રહેલા આઇસક્રીમની જેમ, જાગ્યા પછી પણ મનમાં થોડી ઘણી ઊંઘ ચોંટેલી હોય છે. ત્યારે સુસ્ત થઈને બેસી રહેવાની પણ મઝા હોય છે. એ વખતે કોઈ એમ કહે કે ‘જા, બીજા રૂમમાં ભગવાન પ્રગટ થયા છે’ તો પણ સુસ્તીમાં સેલારા લેતો જણ કહેશે,‘તમે જઈ આવો ને એમને ચા-પાણી કરાવતા થાવ. હું પહોંચ્યો.’ આવા માહોલમાં ‘જા, તારું પાણી ગરમ થઈ ગયું છે નાહી આવ.’ એવો આદેશ સાંભળીને સુસ્તીના સિંહાસન પરથી પદભ્રષ્ટ થવાનું ફરમાન મળ્યું હોય એવું લાગે છે. ઊંઘને ‘લાખ રૂપિયાની’ ગણીએ તો ઊંઘ પછીની સુસ્તી હજારો રૂપિયાની તો ગણાય અને તેને ‘પાણી થયું છે’ કે ‘મોડું થાય છે’ એવાં મામૂલી કારણસર લૂંટાવી દેવાની?
ઘણાં ઘરમાં રજાના દિવસે પુરુષવર્ગ છાપું છોડતો નથી. બધાં બેસણાં અને બધા સમાચાર એ જ ક્રમમાં વાંચી ન લેવાય ત્યાં સુધી તે સ્નાન માટે પ્રેરિત થતા નથી. વચ્ચે વચ્ચે ‘નહાવા જા. ક્યાં સુધી આવો ને આવો અઘોરી રહીશ?’ એવા ઠપકા અપાય છે પણ તેની અસર થતી નથી. બધું વાંચી લીધા પછી ‘છાપામાં કશું વાંચવા જેવું આવતું જ નથી’ એવો ચુકાદો વધુ એક વાર જાહેર કરીને તે નહાવા જવા તૈયાર થાય છે.
રજાના દિવસે નહાવાની બાબતમાં ઘણા લોકો અંતરના અવાજને અનુસરવાનો દાવો કરે છે. તે કહે છે, ‘મને મન થશે, ત્યારે કોઈનાય કહેવાની રાહ જોવા નહીં રોકાઉં’. આ વાક્યનું ગુજરાતી એવું થાય કે ‘મને મન નહીં થાય ત્યાં સુધી ગમે તેવી મોટી તોપ હશે તો પણ એનું કહ્યું નહીં માનું અને નહાવા નહીં જાઉં.’ રોજ વહેલા નહાવું પાપ હોય અને તેના અઠવાડિક પ્રાયશ્ચિત્ત તરીકે તે રજાના દિવસે મોડા નહાવાનું હોય એવો ભાવ એમની વાતમાં સંભળાય છે.
રજાના દિવસે નહાવાનું બાકી હોય એટલું પૂરતું નથી. પોતાને નહાવાનું બાકી છે અને પોતે રજા ભોગવી રહ્યા છે એ બીજાને દેખાવું પણ જરૂરી છે. એ માટે ઘણા લોકો રજાના દિવસે અગિયાર-બાર વાગ્યા સુધી ચડ્ડા કે બીજા પ્રકારના નાઇટડ્રેસ પહેરીને ફર્યા કરે છે. તેનાથી જોનારને ખબર પડે છે કે આ મૂર્તિએ હજુ સ્નાન કર્યું નથી. ઘડિયાળનો કાંટો આગળ વધે તેમ ‘હજુ’ શબ્દ પર મુકાતું વજન વધે છે અને એક સમય એવો આવે છે જ્યારે માણસે કચવાતા મને ‘જે જન્મે છે તેનું મૃત્યુ અને જે ઊઠે છે તેનું નહાવાનું નક્કી છે’ એવી ફિલસૂફી સ્વીકારીને બાથરૂમગમન કરવું પડે છે.
શિયાળામાં આકરી ઠંડી હોય, પહેલો વિચાર કપડાં પહેરીને નહાવાનો આવતો હોય પણ પીઠ પર મસ્ત ગરમ પાણીનું પહેલું ડબલું પડે ત્યારે શરીરમાં હળવી કંપારી સાથે સ્વર્ગીય સુખની અનુભૂતિ થઇ શકે છે. પીઠ પર પડતા ગરમ પાણીના પહેલા ડબલાનો રોમાંચ મનના તાર ઝણઝણાવી મૂકે છે–પાણી વધારે ગરમ રહી ગયું હોય તો એકાદ તાર તૂટી પણ જાય –છતાં નહાવાનું મુખ્ય કામ બાકી હોવાથી લોકો એ વખતે ‘પહેલા ડબલાની યાદમાં’ કે ‘પહેલા ડબલાનો છાંટો’ જેવી કવિતા લખતા નહીં હોય.
ઉનાળામાં બફારો-પરસેવો-ઉકળાટ થતો હોય અને એક ડબલું ઠંડા પાણીનું રેડાય એટલે તેની ટાઢક અંતર સુધી પહોંચે છે. પાણી યોગ્ય રીતે ગરમ કે ઠંડું હોય તો પહેલાં બાથરૂમમાં જવા માટે અખાડા કરતો માણસ પછી બાથરૂમમાંથી જલ્દી બહાર નીકળતો નથી. નહાવાની મઝાથી પુલકિત થયેલો માણસ મનોમન નક્કી કરે છે કે આવતી વખતે રજા આવે ત્યારે વેળાસર બાથરૂમમાં ઘૂસી જઇને નિરાંતે નહાવું છે પણ રજાનું પરોઢ ઊગતાં સુધીમાં એ સંકલ્પો રાજકીય પક્ષના ચૂંટણીઢંઢેરાની જેમ ભુલાઇ જાય છે.