ગુરુજી પાસે આશ્રમમાં નવા આવેલા ચાર શિષ્યોએ ફરિયાદ કરી કે ‘પોતાને તમારા ખાસ પટ્ટશિષ્ય તરીકે ઓળખાવતા બે શિષ્યો સોમેશ અને સર્વેશ બધા પર જોહુકમી કરે છે. તેઓ જેમ કહે તેમ ન કરીએ તો અમને અપશબ્દો બોલે છે.તમને ખોટી ફરિયાદ કરી સજા અપાવવાની ધમકી આપે છે અને તેમનાં બધાં કામ અમારી પાસે કરાવે છે. સાચી વસ્તુ શીખવતાં નથી. હંમેશા અમને હેરાન કરવાના જ રસ્તા શોધતા રહે છે.આપ જ તેમને સમજાવો.’ ગુરુજીએ આ ફરિયાદ સાંભળી લીધી અને પોતે સોમેશ અને સર્વેશના વ્યવહાર પર તેમને ખબર ન પડે તેમ ચાંપતી નજર રાખવા લાગ્યા.બે ત્રણ દિવસ ગુરુજીએ અવલોકન કરી જોયું કે નવા શિષ્યોની ફરિયાદ સાચી છે.
તેમણે આ ત્રણ દિવસમાં આડકતરી રીતે ઘણું સમજાવ્યું કે વાણી મધુર રાખવી જોઈએ, વ્યવહારમાં વિવેક જાળવવો જોઈએ વગેરે પણ પેલા બે શિષ્યો પટ્ટશિષ્યો હોવાની તુમાખીમાં કંઈ સમજયા નહિ. ચોથા દિવસે ગુરુજીએ કોઈ કારણ કહ્યા વિના જાહેર કર્યું કે ‘ હું આજથી મારા પટ્ટશિષ્યોના સ્થાન પરથી સોમેશ અને સર્વેશને બરખાસ્ત કરું છું.’ નવા શિષ્યો રાજી થયા અને સોમેશ અને સર્વેશ તો અવાચક જ થઈ ગયા. તેઓ ઊભા થઈને ગુરુજીને કહેવા લાગ્યા, ‘ગુરુજી, અમે આશ્રમમાં છેલ્લાં પાંચ વર્ષથી તમારી સેવા કરીએ છીએ.તમે શીખવાડેલું બધું જ અમને કંઠસ્થ છે.અમે આશ્રમમાં બધી વ્યવસ્થા પણ બરાબર જળવાય તેનું ધ્યાન રાખીએ છીએ છતાં અમને અચાનક આવી સજા કેમ? કંઈ ભૂલ થઈ હોય તો જણાવો.’ ગુરુજી બોલ્યા, ‘શિષ્યો, હું ગુરુ છું અને શિષ્યોની ભૂલ તો માફ જ કરું પણ તમે ભૂલ નહિ ગુનો કર્યો છે.
છતાં જો બધા શિષ્યો હા પાડે તો હું માફ કરી તમારી પદવી પાછી આપવા તૈયાર છું.’ સોમેશ અને સર્વેશે બધા શિષ્યોની સામે જોયું. તેમની ટોળી સિવાય કોઈએ હાથ ઊંચા કર્યા નહિ.બધા શિષ્યો સામે ગુરુજી ન જુએ તે રીતે તેને કરડી આંખો કરી ડરાવવાની કોશિશ પણ કરી પણ કોઈ ડર્યા નહિ. કોઈએ સાથ આપ્યો નહિ. ગુરુજી બોલ્યા, ‘સોમેશ અને સર્વેશ, હું તમને તમારી પદવી પાછી નહિ આપી શકું કારણ કે તમને કોઈનો સાથ નથી અને હા, તમારે તમારો ગુનો જાણવો જરૂરી છે તે છે વાણી અને વિચારોમાં ખરાબી.શિષ્યો, માણસની પ્રગતિ માટે વાણી અને વિચાર ખૂબ જ મહત્ત્વના છે.
જો વાણી સારી ,મીઠી અને મધુર હશે,બધા સાથે નમ્રતાથી બોલશો તો બધાને ગમશે અને બધા તમારી સાથે રહેશે અને સાથ આપશે અને જો વિચાર સારા અને સાત્ત્વિક હશે તો કુદરત અને ભગવાન તમારી સાથે રહેશે.તમે નવા શિષ્યોને હેરાન કરવાના વિચાર કર્યા છે, સજા કરાવવાની ધમકી આપી છે, અપશબ્દો બોલી અપમાન કર્યું છે.તમારાં બંનેની વાણી, વર્તન અને વિચારો શુદ્ધ નથી એટલે શિષ્યો તમારી સાથે નથી અને કુદરત પણ સાથ નહિ આપે એટલે પ્રગતિ નહિ પણ અધોગતિ થશે.’ ગુરુજીએ સજા સાથે સમજ પણ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.