સુરત: સુરત (Surat) પોલીસ (Police) અને મહાપાલિકા (SMC) દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરીને રિંગ રોડ (Ring Road) પર જુની આરટીઓ (RTO) પાસેનું જંકશન (Junction) બંધ કરીને વાહનચાલકોને જાણે ત્રાસ આપવામાં આવ્યો હતો. વાહનચાલકોએ આ જંકશન બંધ થવાને કારણે યુ ટર્ન (U Turn) માટે છેક મજૂરાગેટ (Majura Gate) સુધી જવું પડતું હતું. જોકે, હવે આજથી પ્રાયોગિક ધોરણે ફરી જંકશન ખોલી નાખવામાં આવતાં વાહનચાલકોને રાહત થવા પામી છે.
સુરત મનપા અને પોલીસ વિભાગ દ્વારા અઠવાગેટ (Athwagate) તરફ જૂના આરટીઓ પાસે બેરિકેડ (Barricade) લગાવી દેતા વાહનચાલકોએ નાનપુરાથી વનિતા વિશ્રામ થઈને અઠવાલાઈન્સ તરફ જવું હોય તો તેમણે ફરજિયાતપણે ત્રણથી ચાર કિલોમીટરનો વધારાનો રસ્તો ઓળંગીને મજૂરાગેટ તરફથી જવું પડતું હતું અને તેના કારણે સમય અને પેટ્રોલનો વ્યય થતો હતો. સ્થાનિકો દ્વારા આ બેરિકેડ હટાવવા ઘણીવાર રજૂઆત કરી હતી.
આ સમસ્યા અંગે ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ મનપા અને પોલીસ વચ્ચે સંકલન કરવામાં આવ્યું હતું. અને આખરે આ બેરીકેટ હાલ પુરતા હટાવી લેવાયા છે. જો ટ્રાફિકની સમસ્યા નહી થશે તો કાયમી ધોરણે બેરિકેડ હટાવી લેવાશે. મંગળવારે જૂની આર.ટી.ઓ કચેરી ખાતેના બેરિકેડ દુર કરાતા હવે નાનપુરા મહાવીર હોસ્પીટલથી વનિતા વિશ્રામ થઈને અઠવાલાઈન્સ તરફ જવાનો માર્ગ મોકળો થયો છે. જેને કારણે વાહનચાલકો પણ હાશકારો અનુભવી રહ્યા છે. લાંબા સમયથી આ જંકશન ખુલ્લું મુકવા માટે માગણી કરવામાં આવતી હતી.
તમને જણાવી દઈએ કે લાંબા સમયથી સુરતમાં જૂની આરટીઓ જંકશન પર બેરિકેડ મૂકી દેવાના લીધે વાહનચાલકો હેરાન થઈ રહ્યાં હતા. અઠવાગેટ કે નાનપુરા તરફથી આવતા વાહનચાલકોએ છેક મજૂરાગેટ સુધી લાંબા થવું પડતું હતું. અનેકોવાર ફરિયાદ છતાં તંત્ર માની રહ્યું નહોતું. દરમિયાન વાહનચાલકોની ફરિયાદના પગલે એક તબક્કે તંત્ર દ્વારા મજૂરાગેટ ફલાયઓવર નીચે યુ ટર્ન આપવાની વિચારણા કરાઈ હતી, પરંતુ તે પણ વાહનચાલકોને મંજૂર નહોતું. આખરે પ્રાયોગિક ધોરણે આરટીઓ જંકશન પરથી બેરિકેડ દૂર કરી દેવાયા છે.