બારડોલી: (Bardoli) સુરત જિલ્લાની બારડોલી નગરપાલિકાના કુલ 9 વોર્ડની 36 બેઠકો પર 50520 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સૌથી વધુ વોર્ડ નંબર 2માં 7103 મતદારો, જ્યારે સૌથી ઓછા મતદારો વોર્ડ નંબર 3માં 4514 મતદારો (Voters) નોંધાયા છે. સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૈકી જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી 28મી ફેબ્રુઆરીના રોજ યોજાઇ રહી છે. બારડોલી નગરપાલિકામાં (Nagar Palika) આ જ દિવસે ચૂંટણી યોજાઇ રહી છે.
- સૌથી વધુ વોર્ડ નંબર 2માં 7103 મતદારો, જ્યારે સૌથી ઓછા વોર્ડ નંબર 3માં 4514 મતદારો નોંધાયા
- પુરુષ મતદારોની સામે સ્ત્રી મતદારોની સંખ્યા લગભગ 1000 જેટલી ઓછી
ચૂંટણીપંચ દ્વારા ઉમેદવારીપત્રો પરત ખેંચવાની કામગીરી પૂર્ણ થતાં હવે હરીફ ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. તેમજ ચૂંટણી ચિન્હોની પણ ફાળવણી કરાય છે. બારડોલી નગરપાલિકાની વાત કરવામાં આવે તો નગરપાલિકા વિસ્તારમાં કુલ 50520 મતદારો નોંધાયા છે. જેમાં સૌથી વધુ મતદારો વોર્ડ નંબર 2 જેને પોશ એરિયા માનવામાં આવે છે. તેમાં નોંધાયા છે. જ્યારે સૌથી ઓછા મતદારો વોર્ડ નંબર 3માં 4514 મતદારો નોંધાયા છે. નગરપાલિકામાં કુલ 25764 પુરુષ મતદારો અને 24756 સ્ત્રી મતદારો છે. જે પોતાના મતાધિકારનો 28મીના રોજ ઉપયોગ કરશે.
વોર્ડ નંબર 5માં પુરુષ કરતાં સ્ત્રી મતદારો વધુ
બારડોલી નગરપાલિકામાં પુરુષ મતદારોની સામે સ્ત્રી મતદારોની સંખ્યા લગભગ 1000 જેટલી ઓછી જોવા મળી રહી છે. જેની સામે વોર્ડ નંબર 5 સ્ત્રી મતદારોનો દબદબો જોવા મળી રહ્યો છે. આ વોર્ડમાં 2524 પુરુષ મતદારો છે. તો તેની સામે સ્ત્રી મતદારોની સંખ્યા 2574 છે. એટલે કે 50 સ્ત્રી મતદારોની સંખ્યા વધુ છે. બીજી તરફ વોર્ડ નંબર 6માં પુરુષ કરતાં સ્ત્રી મતદારોની સંખ્યા ઘણી ઓછી છે. આ વોર્ડમાં 3585 પુરુષ મતદારો સામે સ્ત્રી મતદારોની સંખ્યા માત્ર 3184 જ છે. એટલે કે 401 મતદારોનો તફાવત જોવા મળી રહ્યો છે.
વોર્ડ વાર મતદારોની સંખ્યા
- વોર્ડનું નામ પુરુષ મતદાર સ્ત્રી મતદાર કુલ મતદાર
- વોર્ડ -1 2997 2976 5973
- વોર્ડ -2 3642 3461 7103
- વોર્ડ -3 2335 2179 4514
- વોર્ડ -4 2601 2473 5074
- વોર્ડ -5 2524 2574 5098
- વોર્ડ -6 3585 3184 6769
- વોર્ડ -7 2638 2632 5270
- વોર્ડ -8 2603 2481 5084
- વોર્ડ -9 2839 2796 5635
- કુલ 25764 24756 50520