બારડોલી: (Bardoli) બારડોલીમાં લોકડાઉન વચ્ચે આજે વહીવટી તંત્ર દ્વારા બુધવારના રોજ અચાનક બજારમાં મુલાકાત લીધી હતી. બજારમાં આવશ્યક ચીજવસ્તુઓની જે દુકાનો ખુલ્લી છે તેમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહીં તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બારડોલી આરોગ્ય વિભાગને સાથે રાખી પાર્સલ સેવા પૂરી પાડતી હોટેલ રેસ્ટોરન્ટના સ્ટાફનો રેપીડ ટેસ્ટ (Rapid Test) કરવામાં આવ્યું હતું.
બારડોલીમાં વહીવટી તંત્ર દ્વારા સોમવારથી 6 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. બારડોલી ઉપરાંત તાલુકાના કડોદ, મઢી, સુરાલી, ઇસરોલી, તેન અને બાબેનમાં પણ લોકડાઉન જાહેર કરવામાં આવતા તમામ બજારો સ્વયંભૂ બંધ છે. જો કે આ બંધમાં કેટલીક આવશ્યક સેવાઓ ઉપરાંત હોટેલ રેસ્ટોરન્ટને પાર્સલ સેવા પૂરતી છૂટ આપવામાં આવી છે. આ છૂટ લેનારી દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહીં તેનું નિરીક્ષણ કરવા માટે બારડોલી વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર બજારમાં ઉતર્યું હતું.
તંત્ર દ્વારા ખુલ્લી દુકાનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તમામને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. એટલું જ નહીં તંત્ર દ્વારા પાર્સલ સુવિધા પૂરી પાડતી રેસ્ટોરન્ટ અને હોટેલોના સ્ટાફના રેપીડ ટેસ્ટ પણ કર્યા હતા. આરોગ્યની ટીમને સાથે રાખી 6 જેટલા સ્થળો પર 18 લોકોના રેપીડ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. જેમાં એક પણ કેસ પોઝીટીવ આવ્યો ન હતો.
પાલેજમાં વિનામૂલ્યે કોરોના ટેસ્ટિંગ અને વેકસીનની વ્યવસ્થા ચાલુ કરાશે
ભરૂચ: ભરૂચ જિલ્લાની પાલેજ ગ્રામ પંચાયત કચેરી ખાતે આયોજિત વેપારીઓની સાથેની મીટીંગમાં ગુરુવારથી વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન માટે આયોજન કરવામાં આવ્યું છે. બુધવારે આયોજિત મીટીંગમાં સર્વાનુમતે બપોરે 3 વાગ્યા પછી સ્વેચ્છાએ વેપાર ધંધા બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પાલેજ ગ્રામ પંચાયત ખાતે મિટિંગ યોજાય હતી. જેમાં પંચાયતના ડે. સરપંચ સલીમ ભાઈ, મહેબૂબ ભાઈ સંધિ, વીરેન્દ્ર સિંહ ગોહિલ સહિત વેપારી એસોસિએશનના પ્રમુખ અન્ય કટલરી, શાકભાજી રેસ્ટોરન્ટ વાળા એકત્ર થઈ સર્વાનુમતે સ્વૈચ્છિક લોકડાઉન ગુરુવારથી ઠરાવ્યું હતું. આઠ-દસ દિવસમાં પરિસ્થિતિ સુધરે એટલે રાબેતા મુજબનું કરવા સૂચવ્યું હતું. આવશ્યક ચીજવસ્તુઓ, મેડિકલ સ્ટોર, દવાખાના ચાલુ રાખવાં નિર્ણય કર્યો હતો.
પાલેજમાં સરકારી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર રિપોર્ટ કઢાવવા માટેની વ્યવસ્થાની જોગવાઈ કરવા મીટીંગમાં સિકંદર ખાન પઠાણે રજુઆત કરી હતી. પંચાયતના ડે. સરપંચ સલીમ વકીલે જણાવ્યું હતું કે સબ સેન્ટર જૂની પંચાયતની બાજુમાં વિનામૂલ્યે ટેસ્ટિંગ અને વેકસીનની વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે.