બારડોલી : બારડોલી (Bardoli) તાલુકાનાં ઉવા ગામે દીપડાને (Leopard) પાંચ મહિનાની વાછરડીનો શિકાર (Calf Hunting) કરતાં ચકચાર મચી ગઈ છે. દીપડો વાછરડીને ખેંચીને 200 ફૂટ દૂર ગૌચરમાં લઈ ગયો હતો. જ્યાં બેસીને આખી વાછરડી ખાઈ ગયો હતો. વાછરડીના શિકારને કારણે ગ્રામજનોમાં ડરનો માહોલ ફેલાયો છે.
બારડોલી તાલુકાના ઉવાગામના કાપલીયા ફળિયામાં રહેતા નિતિનભાઈ ચૌધરી ખેત મજૂરીની સાથે સાથે પશુપાલનના વ્યવસાય કરે છે. બુધવારે રાત્રે તેમણે ઘરની બાજુમાં બનાવેલ કોઠારમાં ગાય અને તેની સાથે પાંચ મહિનાની વાછરડીને લાકડાના ખૂંટા સાથે બાંધી હતી. સવારે ઉઠીને જોતાં કોઠારમાંથી નાની વાછરડી ગાયબ હતી.
વાછરડીને ખૂંટા સાથે ઘસડી ગયા હોવાના નિશાન ઘરથી 200 ફૂટ દૂર પ્રાથમિક શાળા પાસે ગૌચરની જમીન સુધી જતાં હતા. ત્યાં જઈને જોતાં વાછરડીનો મૃતદેહ હાડપિંજરના હાલતમાં મળી આવ્યો હતો. વાછરડીને દીપડો ઘસડીને લઈ જઈ તેનો શિકાર કર્યો હોવાના અનુમાન બાદ ગામના સરપંચ વિજયભાઈ ચૌધરીએ બારડોલીની ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતિન રાઠોડને જાણ કરી હતી.
જતિન રાઠોડે વન વિભાગ સાથે સ્થળ પર પહોંચી તપાસ કરતા દીપડાએ જ વાછરડીનો શિકાર કર્યો હોવાની પુષ્ટિ થઈ હતી. ઘટના અંગે વન વિભાગે ગુજરાત સરકાર દ્વારા કોઈ વન્ય જીવ પાલતુ પશુનો શિકાર કરે તો જે તે પશુપાલકને વળતર આપવામાં આવતું હોય તે અંગેનું ફોર્મ ભરી પશુપાલકને વળતર મળે તેવા પ્રયાસો હાથ ધર્યા હતા. સાથે જ ગામમાં દીપડાને પકડવા માટે મારણ સાથે પીંજરુ ગોઠવવાની પણ તજવીજ હાથ ધરી છે.
થોડા દિવસ અગાઉ ઉમરગામમાં માનવવસ્તીમાં દીપડો દેખાયો હતો
દક્ષિણ ગુજરાતના વન વિસ્તારમાં દીપડો દેખાવો સામાન્ય બાબત છે પરંતુ ક્યારેક દીપડો શિકારની શોધમાં માનવવસ્તીમાં પણ ધસી આવતો હોય છે. ગઈ તા. 2 એપ્રિલના રોજ ઉમરગામમાં માનવ વસ્તીમાં દીપડો દેખાતા લોકોમાં ડર વ્યાપી ગયો હતો. ઉમરગામના પાલીધુયા ગામમાં ચાર દિવસમાં દીપડાએ બે હુમલા કર્યા હતા. કપડા ધોવા ગયેલી યુવતી પર હુમલો કર્યા બાદ રાતના અંધારામાં બે વાછરડાંનું મારણ કર્યું હતું. દીપડાના માનવ વસ્તીમાં પ્રવેશથી લોકો ડરથી ફફડી ગયા હતા, જ્યારે વન વિભાગ પણ દોડતું થઈ ગયું હતું. સામાજિક વનીકરણ રેન્જ ઉમરગામ દ્વારા દીપડાને પકડવા બે પાંજરા મૂક્યા અને સીસીટીવી કેમેરા પણ ગોઠવી દીધા હતા.