બારડોલી, પલસાણા: (Bardoli) પોલીસથી (Police) બચવા માટે બુટલેગરો દારૂની (Alcohol) હેરાફેરીમાં અવનવા કીમિયા અપનાવતા હોય છે. સુરત જિલ્લા એલ.સી.બી.ની ટીમે (LCB Team) બારડોલી તાલુકાના રજવાડ ગામેથી ગેસ સિલિન્ડરના પાછળના ભાગે મોટું કાંણું પાડી તેમાં ભરેલા વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.
- પોલીસથી બચવા બુટલેગરનો કીમિયો: 24 ગેસ સિલિન્ડર કાપી દારૂની હેરાફેરી
- રજવાડથી ગેસ સિલિન્ડરના પાછળના ભાગે મોટું કાંણું પાડી દારૂ લઈ જવાતો હતો
- પોલીસે 2 લાખનો ટેમ્પો અને 29 કોમર્શિયલ સિલિન્ડર મળી કુલ 3,65,700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લા એલ.સી.બી.ની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, પલસાણાના કારેલી ગામે રહેતો મિહિર મુકેશ પરમારે એચપી ગેસના ટેમ્પોમાં ગેસના કોમર્શિયલ સિલિન્ડરને નીચેથી કાપી તેમાં ખાનાં બનાવી વિદેશી દારૂ ભરી બારડોલીના રજવાડ ગામે મંદિર ફળિયામાં રહેતા તેના મામા જિતેન્દ્ર જેરામ માહ્યાવંશીના ઘર પાસે ટેમ્પો મૂક્યો છે. આ બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ છાપો મારતાં કોમર્શિલય સિલિન્ડર ભરેલો ટેમ્પો નં.(GJ 18-AV-9545) ઊભેલો જોવા મળ્યો હતો.
ગેસના સિલિન્ડર ચેક કરતાં કુલ 29 સિલિન્ડર મળી આવ્યા હતા, જેમાં 24 સિલિન્ડર પાછળથી કાપી તેમાં ગુપ્ત ખાનાં બનાવ્યાં હતાં, જેમાંથી કુલ 1632 બોટલ વિદેશી દારૂ કિં.રૂ.1,51,200 મળી આવ્યો હતો. પોલીસે 2 લાખનો ટેમ્પો અને 29 કોમર્શિયલ સિલિન્ડર મળી કુલ 3,65,700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. અને મિહિર મુકેશ પરમારની સામે બારડોલી ગ્રામ્ય પોલીસમાં ગુનો નોંધી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
બોરીયાચ ટોલનાકા પાસેથી 27 હજારના વિદેશી દારૂ સાથે 3 ઝડપાયા
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી રેગજીનના તથા મીણીયાના થેલાઓમાં નવસારી ગ્રામ્ય પોલીસે તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 27,360 રૂપિયાની વિદેશી દારૂની 456 નંગ બાટલીઓ મળી આવતા સુરતના ભેસ્તાન રેલવે સ્ટેશન પાછળ સિલ્વર નગરમાં રહેતા સુમનબેન ઉર્ફે લંગડી સોહનભાઇ પંચોલી, સુરતના ઉધના ડીંડોલી નવાગામમાં રહેતા અનિતાબેન શીવાભાઈ નીકુમ અને નાશિક જિલ્લાના માલેગાંવ તાલુકાના સોન્દ ગાવ ફાટા યુનાઇટેડ કંપની પાસે રહેતા ફેઝાજ અહમદ રીયાઝ અહમદ અંસારીને ઝડપી પાડ્યા હતા. પોલીસે વિદેશી દારૂ સહિત 500 રૂપિયાનો મોબાઈલ મળી કુલ્લે 27,860 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ પી.એસ.આઈ. એન.બી. સોલંકીએ હાથ ધરી છે.