બારડોલી: (Bardoli) એશિયાની સૌથી મોટી સહકારી ક્ષેત્રની સુગર ફેક્ટરીમાં (Sugar Factory) સ્થાન પામતી બારડોલી સુગર ફેક્ટરીને નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેક્ટરી, ન્યૂ દિલ્હી દ્વારા શ્રેષ્ઠ ફાઇનાન્સ મેનેજમેન્ટનો દ્વિતીય ક્રમનો પુરસ્કાર (Award) એનાયત કરવામાં આવ્યો હતો. દિલ્હીની નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેક્ટરી દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
- એશિયાની સૌથી મોટી બારડોલી સુગર ફેક્ટરીને શ્રેષ્ઠ ફાઇનાન્સ મેનેજમેન્ટમાં બીજું સ્થાન
- દિલ્હીની નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેક્ટરી દ્વારા એવોર્ડ એનાયત
- સન્માન સમારોહ મહારાષ્ટ્રના પુના ખાતે આવેલી વસંતદાદા સુગર ઇન્સ્ટિટ્યૂટમાં તા.21 જાન્યુઆરીના રોજ યોજાયો હતો
નેશનલ ફેડરેશન ઓફ કૉ-ઓપરેટિવ સુગર ફેક્ટરી, ન્યૂ દિલ્હી દ્વારા દર વર્ષે સમગ્ર દેશની પ્રતિષ્ઠિત સુગર ફેક્ટરીઓને તેમની કામગીરીને ધ્યાનમાં લઈને વિવિધ કેટેગરીમાં એવોર્ડથી સન્માનીત કરે છે. વર્ષ 2021-22નો સન્માન સમારોહ મહારાષ્ટ્રના પુના ખાતે આવેલી વસંતદાદા સુગર ઇન્સ્ટિટ્યૂટમાં તા.21 જાન્યુઆરીના રોજ યોજાયો હતો. જેમાં હાઇ રિકવરી સુગર ફેક્ટરી ઝોનમાં શ્રેષ્ઠ ફાઇનાન્સ મેનેજમેન્ટનો દ્વિતીય પુરસ્કાર બારડોલી સુગર ફેક્ટરીને મળ્યો છે.
આ એવોર્ડ પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવાર અને મહારાષ્ટ્ર મુખ્યમંત્રી એકનાથ શિંદેના હસ્તે સંસ્થાના ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ, ડિરેક્ટર અનિલ પટેલ, પરિમલ પટેલ, ગીરીશ પટેલ અને ટીમને એનાયત કરવામાં આવ્યો હતો. સંસ્થાના પ્રમુખ રમણલાલ સુખાભાઈ પટેલની આગેવાનીમાં બારડોલી સુગર ફેક્ટરી ઉત્તરોઉત્તર પ્રગતિ કરી રહી છે ત્યારે આ ગૌરવપૂર્ણ ક્ષણ સુધી પહોંચવા માટે સુગર ફેક્ટરીના શ્રમિકથી લઈ દરેક કર્મચારીઓ અને અધિકારીઓનો મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો હોવાનું ઉપપ્રમુખ ભાવેશ પટેલે જણાવ્યું હતું.
તાપી જિલ્લાના ૨૦ અમૃત સરોવરો ખાતે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન
વ્યારા: તાપી જિલ્લામાં ૨૦ અમૃત સરોવરો ખાતે ૨૬મી જાન્યુઆરી એટલે કે ૭૪મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગામના સ્થાનિક લોકો, શાળાનાં બાળકો, સરપંચો, શિક્ષકો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. વધુમાં આ વખતે નવી શરૂઆત તરીકે ૨૦ અમૃત સરોવરો ખાતે નિષ્ણાત યોગા ટ્રેનરો દ્વારા યોગા કરાવવામાં આવશે, સાથે સાથે વૃક્ષારોપણ અને આયુષ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિનામૂલ્યે આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરાશે. આ સમગ્ર કાર્યક્રમ ૨૬મી જાન્યુઆરી ગુરુવારે સવારે ૮:૩૦ કલાકે શરૂ થશે.