Dakshin Gujarat

બારડોલીની વિદ્યાર્થિનીઓએ સ્કેટિંગ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 135 કિમીનું અંતર 24 કલાકમાં પૂર્ણ કર્યું

BARDOLI: બારડોલીની દસ વિદ્યાર્થિનીઓએ પ્રજાસત્તાક દિન (REPUBLIC DAY) નિમિત્તે સરદારથી સરદારની સફર સ્કેટિંગના માધ્યમથી પૂર્ણ કરી હતી. સ્ટેચ્યું ઓફ યુનિટી (STATUE OF UNITY) થી બારડોલીના સરદાર મ્યુઝિયમ સુધીના 135 કિમી સુધી નોનસ્ટોપ સ્કેટિંગ (NONSTOP SKETING) કરી 24 કલાકમાં આ સફર પૂર્ણ કરી ઈન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા માટે દાવેદારી કરી છે.


બારડોલીની જાણીતી સંસ્થા ધૂમકેતુ અને કેન એકેડમી દ્વારા નારી સશક્તિકરણની ઝુંબેશ સાથે દસ જેટલી વિદ્યાર્થીઓ કાવ્યા કંથારીયા, જીયા ચૌધરી, મહેક ચૌધરી, રિદ્ધિ પટેલ, ચીતરંગી પટેલ, વૃન્દા ચૌધરી, ક્રિષ્ના પટેલ, પ્રાર્થના સોલંકી, સોનયા દેવલાની અને ત્વિંકલ ઠાકરે એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. 25મી જાન્યુઆરીના રોજ સવારે 8 વાગ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી ગુજરાત રાજ્ય બાળ આયોગના પૂર્વ ચેરપર્સન ભારતીબેન તડવીએ નોન સ્ટોપ સ્કેટિંગને લીલી ઝંડી આપી હતી.સ્ટેચ્યું ઓફ યુનિટીથી શરૂ થયેલી આ સફર બીજા દિવસે 26મી જાન્યુઆરીના રોજ સવારે 8 વાગ્યે 24 કલાકમાં 135 કિમીનું અંતર કાપી પૂર્ણ થઈ હતી. જ્યાં તેમનું બારડોલીના સ્થાનિક નેતાઓએ ઉત્સાહપૂર્વક સ્વાગત કરી અભિનંદન પાઠવ્યાં હતાં. વિદ્યાર્થિનીઓએ આ સફર પૂર્ણ થતાં જ ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડ માં દાવેદારી નોંધાવી છે.

‘પ્રશ્નો ઉકેલો, ઇનામ મેળવો’ સ્પર્ધામાં મહુવેજની આસિફા ચૌહાણ રાજ્યમાં ત્રીજા ક્રમે ચમકી

તેવી જ રીતે સુરતના કોસંબાના મહુવેજ ગામમાં પણ એક પ્રતિભાશાળી વિધ્યાર્થિની રાજ્યમાં ત્રીજા ક્રમે આવી હતી.હાલમાં કોરોના મહામારીના કારણે તમામ બાળકો ઓનલાઇન શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છે. તેમાં ડીડી ગિરનાર દ્વારા પ્રસારિત કાર્યક્રમનો લાભ વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે. જેમાં ધોરણ-3થી 8ના ટીવી એપિસોડ પ્રસારણ થયા બાદ તે એપિસોડમાં બાળકને સમજશક્તિ વિકસે અને વધુમાં વધુ બાળકો આ કાર્યક્રમ નિહાળવા માટે પ્રશ્નો ઉકેલો, ઇનામ મેળવો સ્પર્ધા દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નોમાં ચાર વિકલ્પ આપવામાં આવે છે. તેમાંથી વિદ્યાર્થી દ્વારા ટોલ ફ્રી નંબર પર ફોન કરીને સાચા જવાબ આપવાનો હોય છે. દર શનિવારે પ્રસારિત થનારા આ એપિસોડમાં તે અઠવાડિયાના બુધવાર સુધીના પ્રશ્નોના સાચા જવાબ આપનાર પૈકી કમ્પ્યૂટર દ્વારા રેન્ડમલીથી સાચા જવાબ આપનાર વિદ્યાર્થીઓનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે. તે મુજબ તા.22-1-2020ના રોજ ધો.5 પર્યાવરણ વિષયમાં આવેલા ટોપ-ટેન વિદ્યાર્થીઓમાંથી સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં આવેલી મહુવેજ ગામની ધો.5ની વિદ્યાર્થિની આસિફા ઇકબાલ ચૌહાણે સમગ્ર રાજ્યમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી ગામ મહુવેજ પ્રાથમિક શાળા પરિવાર તથા ચૌહાણ પરિવાર સહિત માંગરોળ તાલુકાના સુરત જિલ્લાનું નામ રોશન કરતાં શાળા પરિવાર તેમજ ગામના મોભી ઐયુબભાઈ દ્વારા ગામનું નામ રોશન કરનાર આસિફા ઈકબાલ ચૌહાણનું સન્માન કરાયું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top