બારડોલી: (Bardoli) બારડોલીમાંથી પસાર થતાં નવસારી-માંડવી રાજ્ય ધોરી માર્ગ નં.88 (State Highway) પર રાધાકૃષ્ણ મંદિર પાસે પૂરઝડપે આવતી ટ્રકે મોટરસાઇકલને અડફેટે લેતાં ચાલકનું મોત નીપજ્યું હતું.
માંડવીના ખેડૂપુર ગામે નિશાળ ફળિયામાં રહેતા અમરિશ લક્ષ્મણ રાવલિયા (ઉં.વ.40) ગુરુવારે પોતાની મોટરસાઇકલ નં.(જીજે 19એએલ 8051) લઈ ખેડપૂરથી બારડોલી કામ અર્થે આવ્યા હતા. એ સમયે બારડોલીનગરમાં નવસારી-માંડવી રાજ્ય ધોરી માર્ગ પરથી પસાર થતી વખતે રાધાકૃષ્ણ મંદિર પાસે પાછળથી પૂરઝડપે આવતી એક ટ્રકે તેમની મોટરસાઇકલને ટક્કર મારી દીધી હતી. અકસ્માતમાં નીચે પટકાયેલા અમરિશભાઈને ગંભીર ઇજા થતાં બારડોલીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.
દમણમાં મોડી રાત્રે બાઇક સવાર દંપતિને ડમ્પરે અડફેટે લીધું
દમણ : સંઘપ્રદેશ દમણમાં રાત્રિ દરમિયાન પૂર ઝડપે દોડી રહેલા ડમ્પર ચાલકે મોટરસાઈકલ પર જઈ રહેલા એક દંપતીને અડફેટે લીધુ હતું. દંપતીને ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની મળતી માહિતી મુજબ નાની દમણ ટેક્સી સ્ટેન્ડ પાસે રહેતા મોહનલાલ જાટ પત્ની પવની સાથે મોટરસાઇકલ નંબર DD-03-L-4754 ઉપર સવાર થઈને ધોબી તળાવથી બીબલોસ માર્કેટ તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન એક ડમ્પર નંબર GJ-16-AW-9197 ના ચાલકે તેમને અડફેટે લઇ લીધા હતા. બાઈક પર સવાર દંપતી રસ્તા પર ઘસડાઈ જતા તેમને હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચવા પામી હતી. ઘટના સર્જાતા રાહદારીઓ એકત્ર થઇ ગયા હતાં. દંપતીને સારવાર માટે દમણ પી.એસ.સી. ખાતે ખસેડાયું હતું. જ્યારે અકસ્માત સર્જાયા બાદ ડમ્પરનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ડમ્પરનો ફરાર ચાલક જે ડમ્પર હંકારી રહ્યો હતો એ દમણ પી.ડબલ્યુ.ડી. વિભાગનો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. હાલ તો આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.