Entertainment

બારડોલીની સેજલ શાહ હવે ‘પોઝ’ માં આપશે પોતાનો ધમાકેદાર પોઝ

આજકાલ કોરોનાકાળમાં દેશભરમાં થિયેટર બંધ છે અને થિયેટર ક્યારે ખુલશે એની કોઈ ખબર નથી ત્યારે ભારતીય પ્રાદેશિક ભાષાના નાટક, એકપાત્રીય અભિનય, મ્યુઝિકલ કોન્સર્ટ , મ્યુઝિકલ પ્લે તમે ઘેર બેઠા ફક્ત 15 રૂપિયાના લવાજમ ભરી જોઈ શકો છો.

હાલમાં જ 9 રાસા ઓ.ટી.ટી પ્લેટફોર્મ ઉપર પ્રથમ ગુજરાતી નાટક રજૂ થયું છે અને આ 9 રાસા ઓ.ટી.ટી પ્લેટફોર્મના સ્થાપક છે અભિનેતા અને પ્રોડ્યુસર શ્રેયસ તળપદે. 9 રાસા ઓ.ટી.ટી ઉપર રજૂ થયેલ વુમન સ્પેશિયલ ગુજરાતી પ્લેમાં મૂળ સુરત શહેર પાસેના બારડોલી જિલ્લાના વાંકાનેરના વતની અને શ્વેતામ્બર જૈન જ્ઞાતિના એક્ટ્રેસ સેજલ શાહ અને તેમના હસબન્ડ એક્ટર મુનિ ઝાએ પતિ અને પત્નીની ભૂમિકા ભજવી છે. ઓ.ટી.ટી ઉપર પ્રથમ રજૂ થયેલ ગુજરાતી નાટકનું નામ છે ‘પોઝ’. આ નાટકનું નામ પણ હટકે છે અને વિષય પણ હટકે છે ત્યારે એક્ટ્રેસ સેજલ શાહ સાથે ગપશપના અંશ

તમે હિન્દી ફિલ્મ, હિન્દી  ટેલિવિઝન અને ગુજરાતી તખ્તા ઉપર તો કામ કર્યું છે પહેલીવાર ઓ.ટી.ટી માટે કામ કરવા અંગે કેવા પડકાર હતા?

સેજલ શાહ :  જયારે હું કોમર્શિયલ હિન્દી કે ગુજરાતી નાટક કરતી હતી તેમાં 25 દિવસ જેટલો સમય રિહર્સલ અને 2 કલાકનું નાટક હોય છે. જયારે અહીંયા ઓ.ટી.ટી માટે પ્રથમવાર અમે નાટકનું શૂટ કરી રહ્યા હતા , 1 કલાકનું નાટક હતું, 4 દિવસમાં અમારે રિહર્સલ કરીને તૈયારી કરવાની હતી. જ્યાં અમે કોર્મશિયલ નાટક માટે 25 દિવસ જેટલો સમય રિહર્સલમાં  લઈએ ત્યાં અહીંયા 4 દિવસમાં જ રિહર્સલ પરફેકશન સાથે કરવાનું હતું.

ઓ.ટી.ટી 9 સાગા ઉપર રજૂ થયેલ તમારા પ્રથમ નાટક વિશે જણાવો?

સેજલ શાહ : આ નાટકનું નામ ‘પોઝ’ છે. આ નાટક 1 કલાકનું છે અને ઓ.ટી.ટી 9 સાગા ઉપર રજૂ થઇ ગયું છે. આ નાટકમાં પ્રૌઢ મહિલાઓના ‘મેનોપોઝ’ અંગેની વાત કરવામાં આવી છે. મોટે ભાગે મહિલાઓમાં મેનોપોઝ અંગે જાગૃતિ હોતી નથી. તેઓને મેનોપોઝ શુરુ થાય ત્યારે તેમની માનસિક અવસ્થા અને શારીરિક અવસ્થામાં પણ ફેરફાર થાય છે. તેમના મૂડ સ્વિંગ થાય છે, ચીડિયાપણુ આવે છે, શરીરમાં પરસેવો થાય છે, અશક્તિ આવે છે. તેમને એવું લાગે છે કે જાણે તેમને સમજનારું કોઈ નથી. નજીવી બાબત ઉપર તેઓ ભાવુક થઇ જાય છે મને પણ પહેલા મેનોપોઝ અંગે બહુ જાણકારી નહોતી પણ મેં એક આર્ટિકલમાં વાંચ્યું હતું ત્યાર બાદ મારામાં અવેરનેસ આવી હતી. આ નાટકમાં પહેલીવાર આવા વિષય ઉપર પ્રયોગ કરવામાં આવ્યો છે. આ નાટકમાં હું હંસા પંડ્યા અને મુનિ હસમુખ પંડ્યાની ભૂમિકા ભજવી રહ્યા છે.

કોરોનાકાળમાં હાલમાં મુંબઈના બધા જ સ્ટુડિયો બંધ છે અને મુંબઈ બહાર કલાકાર શૂટિંગ કરી રહ્યા છે ત્યારે કેવું અનુભવો છો?

સેજલ શાહ :  કોઈને ખબર હતી કે મુંબઈના 24/7 ધમધમતા ફિલ્મ સ્ટુડિયો કોરોનાકાળમાં બંધ થઇ જશે. મારો હસબન્ડ મુનિ ઝા પણ હાલમાં દમણમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નું શૂટિંગ કરી રહ્યો છે. દરેક કલાકાર ઘરથી દૂર કામ કરે ત્યારે ફેમિલીને મિસ કરતો હોય છે પણ કામ તો કામ હોય છે એટલે જ્યાં મુંબઈથી દૂર લોકેશન હોય જ્યાં સેફટીના નિયમોને ધ્યાન રાખીને સેટ લગાડવામાં આવે ત્યાં કલાકારે જવું પડે છે. પહેલા તમારે સેટ ઉપર મનગમતું ભોજન ઓર્ડર કરવું હોય તો આવતું હતું પણ હવે કોરોનાકાળ અને લોકડાઉનમાં શક્ય નથી, સેટ ઉપર જે અવેલેબલ હોય એ ફૂડ ખાઈને સંતોષ માણવો પડે છે.

હાલમાં જ તમે અને તમારા પરિવારના સભ્યો કોરોનામાંથી મુક્ત થયા છો? આ કપરો સમય ઘણો પડકારજનક રહ્યો હશે?

સેજલ શાહ : મારા ઘરની બાજુમાં જ મુનિના ભાઈ ભાભી એટલે મારા જેઠ જેઠાણી રહે છે તેમને કોરોના થયો હતો , મારા સાસુને કોરોના થયો અને તેમનું નિધન થઇ ગયું છે , આજે એમના તેરમાની વિધિ પતાવી તમારી સાથે વાત કરી રહી છું. મારે એટલું જ કહેવું છે કે જેટલા મંદિર -મસ્જિદ છે એના કરતા ડબલ સંખ્યામાં આરોગ્ય કેન્દ્ર હિન્દુસ્તાનમાં હોવા જોઈએ. મેડિકલ ફેસીલીટીને અભાવે કોઈનું મૃત્યુ થાય એ દુઃખદ અને પીડાદાયક બાબત છે.

ઓ.ટી.ટી ઉપર ફક્ત તાજા શૂટ થયેલ નાટકો આવી રહ્યા છે અને ગ્લોબલ ઓડિયન્સ મળી રહ્યું છે ? આ બાબતે શું કહેવું છે?

સેજલ શાહ :  9 સાગા  ઓ.ટી.ટી પ્લેટફોર્મ  ઉપર  આખી દુનિયાનું ગુજરાતી ઓડિયન્સ કનેક્ટ થઇ રહ્યું છે એને કારણે શું છે કે લિમિટેશન રહી નથી. નવા સબ્જેક્ટ વાળા મનપસંદ નાટક તમે જોઈ શકો છો. પહેલા કોમર્શિયલ હિન્દી કે ગુજરાતી નાટકો ભાઈદાસ કે બિરલા , પૃથ્વી કે એન.સી.પીએ માં ભજવાય ત્યાં હાજર રહેલ મુંબઇની લિમિટેડ ઓડિયન્સ સુધી અમારું નાટક પહોંચે છે , વળી તમે લંડન કે ન્યુજર્સી કે શિકાગો નાટક લઈને જાઓ તો ત્યાં લિમિટેડ હાજર રહેલ ઓડિયન્સ જ નાટક જોઈ રિએક્શન આપશે અહીંયા તો સિંગાપોર કે પેરિસ કે બર્લિન , ઓમાન કે દુબઇ કે જોહનિસબર્ગ દુનિયાના ગમે તે છેડામાં બેઠેલ એન.આર.આઈ  ગુજરાતી રંગમંચના ફ્રેશ નાટકને માણી શકશે.

Most Popular

To Top