બારડોલી: બારડોલીમાં આરટીઓ દ્વારા સ્કૂલ વાહનોની સામે દંડનીય કાર્યવાહીની શરૂઆત કરવામાં આવતા જ શનિવારથી સ્કૂલ વાન અને રિક્ષાચાલકો હડતાળ પર ઊતરી જતાં વાલીઓ અને વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એકસાથે ત્રણસોથી વધુ સ્કૂલ વાન અને રિક્ષાચાલકો હડતાળ પર ઊતરતા શનિવારે વાલીઓએ જાતે વિદ્યાર્થીઓને મૂકવા લેવા જવાની ફરજ પડી હતી.
- બારડોલીમાં સ્કૂલવાન-રિક્ષાચાલકોની હડતાળથી વાલીઓ અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા
- હડતાળને કારણે વાલીઓએ જાતે વિદ્યાર્થીઓને મૂકવા-લેવા જવાની ફરજ પડી
રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા સલામતીને લઈ કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. શાળાઓ શરૂ થતાં જ સ્કૂલવાન અને રિક્ષા તેમજ સ્કૂલ બસ સંચાલકો સામે પણ આરટીઓ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરટીઓ નિયમોનું પાલન નહીં કરનાર તમામ વાનચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શુક્રવારના રોજ આરટીઓ દ્વારા પાંચ વાહનચાલકો પાસેથી 45 હજારનો દંડ વસૂલવામાં આવતાં વાન અને રિક્ષાચાલકો વીજળિક હડતાળ પર ઊતરી ગયા હતા.
શુક્રવારે સાંજે તમામ વાન અને રિક્ષાચાલકો એકત્રિત થઈ હડતાળ પાડવાનું નક્કી કર્યું હતું. રાતોરાત વાનચાલકોએ વાલીઓને મેસેજ કરી હડતાળની જાણ કરતાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ટેન્શનમાં આવી ગયા હતા. દરમિયાન શનિવારે વાલીઓએ વિદ્યાર્થીઓએને શાળાએ મૂકવા લેવા જવાની ફરજ પડી હતી. જો નિયમો હળવા નહીં કરવામાં આવે તો આ હડતાળ અચોક્કસ મુદત માટે ચાલુ રહેશે એમ વાનચાલકોએ જણાવ્યું હતું.
નિયમોમાં કોઈ બાંધછોડ નહીં
સ્કૂલ વાનચાલકોએ વાનનું ફરજિયાત ટેક્સી પાર્સિંગ, ફાયર સેફ્ટીની સુવિધા, એક વાનમાં દસ જ બાળકો અને 12 વર્ષથી મોટા હોય તો પાંચ જ બાળકો, સીટમાં ફેરફાર નહીં, સ્પીડ ગવર્નર લગાવવું, જેવા નિયમોને લઈ વાન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે સ્કૂલ વાન અને રિક્ષાચાલકો દ્વારા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારને પણ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આરટીઓ કચેરી ખાતે આરટીઓ અધિકારી સાથે મુલાકાત કરી હતી, જેમાં આરટીઓ અધિકારીએ નિયમોનુસાર જ વાહનો ચલાવવાની મંજૂરી આપવા જણાવ્યું હતું તેમણે તમામ વાહનચાલકોને જરૂરી તમામ મંજૂરી અને ટેક્સી પાસિંગ માટે કચેરીમાં અલગથી એક ડેસ્ક ઊભું કરી કામગીરી સરળ કરી આપવાની ખાતરી આપી હતી. જો કે, નિયમોમાં બાંધછોડ બાબતે આરટીઓ અધિકારીએ સ્પષ્ટ ના કહી દેતાં હવે વાન અને રિક્ષાચાલકો કેવો રૂખ અપનાવે છે તે જોવું રહ્યું.