બારડોલી: (Bardoli) સરદાર નગરી બારડોલી નગરપાલિકા દ્વારા સંચાલિત સરદાર ટાઉન હોલ (Sardar Town Hall) અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગયો છે. ત્રણેક દિવસ પૂર્વે રાત્રિના સમયે પાલિકાના શાસકો ટાઉન હોલ પર પહોંચતાં કેટલાક શખ્સો ત્યાં દારૂની (Alcohol) મહેફિલ માણી રહ્યા હતા. શાસકોની ટીમને જોતા જ દારૂડિયાઓમાં ત્યાંથી નાસી છૂટ્યા હતા. સરકારી મિલકતમાં દારૂની મહેફિલ ચાલતી હોવા છતાં પાલિકા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં નહીં આવતાં અનેક તર્કવિતર્ક સર્જાયા છે.
બારડોલી નગર પાલિકા દ્વારા સ્વરાજ આશ્રમ મેદાનની સામે જનતાનગર સોસાયટીમાં ટાઉન હોલ બનાવવામાં આવ્યો છે. પ્રજાજનોને મનોરંજન મળી રહે તેમજ મોટા કાર્યક્રમો થઈ શકે એ માટે આ ટાઉન હોલ બનાવવામાં આવ્યો છે. મોટા ભાગે ટાઉન હોલમાં સરકારી કાર્યક્રમ કે રાજકીય કાર્યક્રમો જ થતા હોય છે. જે મોટા ભાગે દિવસ દરમિયાન જ થતા હોય છે. આથી રાત્રિના સમયે ટાઉન હોલમાં ચકલુંય ફરકતું નથી. દેખરેખના અભાવે આ અત્યાધુનિક ટાઉન હોલ દારૂડિયાઓ માટે વરદાનરૂપ સાબિત થઈ રહ્યો છે. રાત્રિના સમયે કેટલાંક અસામાજિક તત્ત્વો દ્વારા અહીં દારૂની મહેફિલ મનાવવામાં આવતી હોવાની વાત શાસકોના કાને આવતાં શાસકો ખુદ પોલીસના રોલમાં આવી ત્રાટક્યા હતા. જો કે, શાસકોને ટાઉન હોલ પર આવતા જોઈ અસામાજિક તત્ત્વો દારૂની મહેફિલ પડતી સ્થળ પરથી રફુચક્કર થઈ ગયા હતા.
દારૂ પીવાતો હોવાની જાણકારી હોવા છતાં બારડોલી નગરપાલિકાના કારોબારી ચેરમેન નીતિન શાહ, બાંધકામ સમિતિ ચેરમેન જેનીષ ભંડારી અને સંગઠનના હોદ્દેદારો ખુદ સિંઘમ બની ત્યાં પહોંચી ગયા હતા. તેમણે પોલીસને જાણ ન કરતાં સમગ્ર મામલો શંકાસ્પદ બન્યો છે. દારૂની મહેફિલ પર શાસકોને ત્રાટકવાનો અધિકાર કોણે આપ્યો, જો સૂચના મળી હોય તો અંગે પોલીસને જાણ કેમ કરવામાં ન આવી જેવા અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે. શાસકોએ તેમના જ માણસોને બચાવવા માટે મામલો રફેદફે કરી દીધો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
શાસકો કે અધિકારીઓની નજીકના જ વ્યક્તિઓ હોવાની ચર્ચા
ટાઉનહોલમાં દારૂની મહેફિલ કોણ માણતું હતું તે હજી સુધી જાણી શકાયું નથી. સરકારી જગ્યા હોવાના કારણે અહીં સામાન્ય માણસ દારૂ પીવાની હિંમત કરી શકે તેમ નથી. અહીં રાત્રિ દરમિયાન વોચમેન પણ ડ્યૂટી પર હોય છે. તેમ છતાં દારૂ પીવાતાં પાલિકા શાસકો કે અધિકારીઓની નજીકના જ વ્યક્તિઓ હોવાની ચર્ચા પણ નગરમાં ચાલી રહી છે.