બારડોલી : આપણે 21મી સદીમાં જીવી રહ્યા છે. છતાં સમાજમાં કરિયાવરને (Dowry) લઈને ચાલી રહેલું દુષણ ઓછું થવાનું નામ નથી લેતું. આ દુષણના કારણે અનેક યુવતીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો કેટલીક પરિણીતાઓને (Married Woman) માનસિક-શારીરિક ત્રાસ વેઠવાનો વારો આવે છે. હાલમાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
રાજકોટના (Rajkot) ધોરાજી ખાતે બીજા લગ્ન કરનાર યુવતીને તેના સાસરિયાઓ શારીરિક માનસિક ત્રાસ આપી દહેજ પેટે રૂ.10 લાખની માંગણી કરી હતી. યુવતીએ બારડોલી ટાઉન પોલીસ મથકમાં સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ અને દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ફરિયાદ કરતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, બારડોલીની અકસા નગર સોસાયટીમાં રહેતા રહીશખાન પઠાણની પુત્રી તૈયબાના લગ્ન રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે રહેતા ઇકબાલ નસિમ પોઠિયાવાલા સાથે વર્ષ 2022માં થયા હતા. આ પહેલા તેણીના લગ્ન સુરતના ચોક બજાર ખાતે થયા હતા. જ્યાંથી તેના છૂટાછેડા થઈ ગયા હતા. ઇકબાલ અને તૈયબા બંનેના આ બીજા લગ્ન હતા. લગ્ન બાદ તૈયબા રાજકોટના ધોરાજી ખાતે રહેવા ગઈ હતી.
ધોરાજીમાં તૈયાબાને થોડા સમય સારી રીતે રાખ્યા બાદ સાસુ શબાના અને નણંદ ફાતેમા દ્વારા વારંવાર શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે 27/1/2023ના રોજ સાસુ અને નણંદે તેણે માર-મારી હાથમાં બચકાં ભર્યા હતા. જેથી સાસુના દાંતમાંથી લોહી નીકળવા લાગતાં એ સાસુએ વીડિયો બનાવી તૈયાબા તેણીને મારી રહી હોવાની હકીકત સમાજ સમક્ષ રજૂ કરી હતી.
તૈયાબાએ લગ્ન પહેલાથી જ પતિ ઇકબાલનું બીજી સ્ત્રી સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યા હતા. વારંવારના ત્રાસથી કંટાળી તૈયાબા તેના પિતાના ઘરે બારડોલી આવી ગઈ હતી. ત્યાર બાદ ઈકબાલે તારો બાપ તને દસ લાખ આપે તો જ તને લેવા આવું એમ કહી શરતોનું લિસ્ટ મોકલી આપ્યું હતું.
આથી તૈયાબાએ બારડોલી ટાઉન પોલીસ મથકમાં તેના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે પતિ ઇકબાલ નસિમ પોઠિયાવાળા, સાસુ સબાના નસિમ પોઠિયાવાળા, નણંદ ફાતેમા નસિમ પોઠિયાવાળા અને ફોઇ સાસુ સબિહા આસિફ ગોડીલ સામે શારીરિક માનસિક ત્રાસ અને દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી તમામની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.