બારડોલી : સુરત (Surat) જિલ્લા સહિત બારડોલી (Bardoli) તાલુકામાં શુક્રવારે બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ (Rain) વરસવાનું શરૂ થયું હતું. ભારે વરસાદને પગલે શહેરના રસ્તાઓ (Road) પાણી પાણી થઈ ગયા હતા. અનેક રસ્તા પર કેડસમા પાણી ભરાઈ જતાં રસ્તા પર વાહન વ્યવહારને અસર થઈ હતી. બપોરે 2 થી 6 વાગ્યા દરમિયાન ચાર કલાકમાં બારડોલી તાલુકામાં ચાર ઇંચ વરસાદ થયો હતો.
બારડોલીમાં બપોર બાદથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જનજીવનને અસર થઈ હતી. બારડોલીથી બાબેન જતાં રોડ પર સુગર ફેક્ટરી નજીક રેલવે ગરનાળામાં ગળાડૂબ પાણી ભરાઈ જતાં એક કાર ફસાઈ ગઈ હતી. પાણીમાંથી પસાર થતાં જ કાર બંધ થઈ ગઈ હતી. સ્થાનિકોની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. નસીબજોગ કોઈ જાનહાનિ થઈ ન હતી. બારડોલીના એમ.એન.પાર્ક નજીક જ્વાળામાતા મંદિર પાસે પણ રોડ પર પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદને કારણે હાઇવે પર વાહન હંકારવું પણ મુશ્કેલ બન્યું હતું. પલસાણા અને મહુવા તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ થયો હતો. મહુવા તાલુકામાં પણ અનેક ઠેકાણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.
ભરૂચમાં તા.9 જુલાઈ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરાતાં વહીવટી તંત્ર હરકતમાં
ભરૂચ: ભરૂચ જિલ્લામાં આગામી તા.૯મી જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ઓરેન્જ એલર્ટ જારી કરતાં જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ થઇ ગયું છે. ભાડભૂત ખાતે રહેતા માછીમારોને સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી છે. ૨૪ કલાકમાં સૌથી વધારે વાગરામાં સવા બે ઇંચ વરસાદ પડ્યો હતો. મેઘ મહેરના પગલે વાલિયા તાલુકાના સેવડ ગામે બે કાચાં ઝૂપડાં પડી જતાં રૂ.૧૪ હજારનું નુકસાન થયું છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ત્રણેય ડેમોમાં પાણીની સપાટીમાં સામાન્યતઃ વધારો થયો છે. ગુરુવારથી શુક્રવારે સાંજ સુધીના ૨૪ કલાકમાં સૌથી વધુ વાગરામાં સવા બે ઇંચ, ઝઘડિયા તાલુકામાં અને હાંસોટમાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો હતો.
તરસાડીના શાલીમાર પાર્ક વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો
હથોડા: આજે બપોર પછી તરસાડી અને કોસંબા વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસતા નીચાણ વિસ્તારમાં પાણી ભરાયું હતું. જ્યારે તરસાડીના શાલીમાર પાર્ક વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલના અભાવે ઘૂંટણસમા પાણી ભરાતાં વિસ્તારના લોકો ભારે પરેશાનીમાં મુકાયા હતા. ચોમાસાની સિઝન પહેલાં તરસાડીના શાલીમાર પાર્ક વિસ્તારની ગટરોની તંત્ર દ્વારા યોગ્ય સાફસફાઈ કરવામાં નહીં આવતાં આ રામાયણ સર્જાઇ હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. તરસાડી નગરપાલિકા દ્વારા શાલીમાર પાર્ક વિસ્તારની ગટરોની સાફસફાઈ કરાવી સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારમાં ઘેરાતાં વરસાદના પાણીનો કાયમ માટે યોગ્ય નિકાલ કરાવે તેવી લોક માંગ ઊઠી છે.
આ સાથે આજે સવારે 6 થી 12 વાગ્યામાં ચીખલી તાલુકામાં 4 ઇંચ, જ્યારે સવારે 10 થી 12માં ગણદેવીમાં 1 ઇંચ અને વાંસદા તાલુકામાં અઢી ઇંચ વરસાદ રહ્યો હતો. વાંસદામાં સાડા સાત ઇંચ, ચીખલીમાં સાડા છ ઇંચ, નવસારી અને ખેરગામમાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. બપોર 2 વાગ્યા વરસાદે જોર પકડતા જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. અવિરત વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું હતું.